સંગીતપ્રેમી ચોર ટોળકીઃ બંધ દુકાનોમાંથી જુના ગીતોના સંગ્રહ, ટેપ અને રેડિયો ચોરવામાં માહેર

| Updated: October 4, 2021 6:51 pm

અમદાવાદમાં ચોર ટોળકીના સભ્યો પણ ક્યારેક મ્યુઝિકનો ઉંચો ટેસ્ટ ધરાવતા હોય છે. અમદાવાદ પોલીસે એક અનોખી ચોર ટોળકીને પકડી છે જે ટેપરેકોર્ડર અને રેડિયોની દૂકાનોમાં જ ચોરી કરતી હતી. મોડી રાત્રે બંધ દુકાનોને ટાર્ગેટ કરી ચોરી કરતી ગેંગને ઝડપી લેવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે તેઓ જુના ગીતોના શોખીન છે.


તેમનો મુખ્ય હેતુ રેડિયો અને જૂની ટેપની ચોરીનો જ હતો. આ વસ્તુઓ મળી જાય તો તેઓ ચોરી કરી નાસી છૂટતા હતા. જુના ગીતોના શોખીન ઘરફોડ ચોરે 5000 ગીતોનો સંગ્રહ ધરાવતો રેડિયો અને ટેપ ચોરવા માટે આખું શહેર ફરી વળ્યો હોવાની કબૂલાત કરી છે.

અમદાવાદ ઝોન 7 LCB દ્વારા શહેરમાં રાત્રીના અંધારામાં ચોરીને અંજામ આપતી ગેંગને ઝડપી લેવામાં આવી છે. આરોપી વિશાલ ઉર્ફે મોન્ટુ પરમાર, જીતેન્દ્ર ઉર્ફે જીગો મીણા, વિષ્ણુપ્રસાદ  ઉર્ફે બંગાળી પંડિત અને અજય સોલંકીની એલિસબ્રિજ વિસ્તારમાંથી ઝડ઼પી પાડ્યા છે. આરોપીએ છેલ્લા એક અઠવાડીયામાં આનંદનગર, એલિસબ્રિજ, પાલડી અને બોપલમાં મળી કુલ 5 ગુના કર્યા હતા. ચોરીના ગુનામા ઝડપાયેલી આ ગેંગ અગાઉ 18 જેટલા ગુનાને અંજામ આપી ચુકી હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. 

આરોપીની ગેંગમા એક રીક્ષા ડ્રાઈવર પણ સામેલ હતો જે ચોરીના સ્થળની આસપાસ રેકી કરતો. જેથી પોલીસ કે કોઈ અન્ય લોકો આવે તો ભાગી જવામાં મદદ કરતો હતો. મહત્વનુ છે કે, તમામ આરોપી દારુ – જુગાર અને નશાની ટેવ વાળા છે. માટે નશાનો શોખ પુરો કરવા માટે ચોરીના રવાડે ચડ્યા હોવાનુ સામે આવ્યુ છે. આરોપીઓ પાસેથી પોલીસે ચોરીનો કેટલોક મુદ્દામાલ કબ્જે પણ કર્યો છે. આ મુદ્દામાલ ક્યાં અને કોને વેચ્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આરોપીની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

Your email address will not be published. Required fields are marked *