ગુરુવારના રોજ કોવિડ-19ના દૈનિક કેસના ભારણમાંથી આગળના દિવસની સરખામણીમાં થોડી રાહત આપતા, અમદાવાદમાં કુલ 182 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જેથી છેલ્લા 24 કલાકમાં શહેરમાં સક્રિય કેસની સંખ્યા 971 સુધી પહોંચી છે. ગુરુવારના રોજ પણ અમદાવાદના કોવિડ કેસોની સંખ્યા ગુજરાતમાં સૌથી વધુ અને રાજ્યના કુલ નોંધાયેલા કેસોમાં આશરે અડધા કેસ અમદાવાદમાં નોંધાયા હતા.
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 416 નવા કોવિડ -19 કેસ નોંધાયા હતા. જેથી રાજ્યમાં કોવિડ-19ના કુલ સક્રિય કેસોની સંખ્યા વધીને 1,927 સુધી પહોંચી હતી.
અમદાવાદ ઉપરાંત ગુજરાતના અન્ય મોટા શહેરોમાં પણ ગુરુવારના રોજ કોવિડ-19 કેસોની નોંધપાત્ર સંખ્યા નોંધાઈ હતી. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 56 કેસ નોંધાયા છે, ત્યારબાદ વડોદરા શહેરમાં 40, સુરત જિલ્લામાં 34, રાજકોટ શહેરમાં 15, ભાવનગરમાં 13, વલસાડમાં 12 અને ગાંધીનગરમાં 11 નવા કેસ નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ રાજ્યમાં કુલ સાત જિલ્લાઓ એવા હતા જેમાં કોવિડ-19નો એક પણ કેસ નોંધાયો ન્હોતો.
આરોગ્ય વિભાગના નિવેદન મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 230 કોવિડ -19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં અને સાથે જ રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાઈ ન્હોતી.