CNGના ભાવ વધતા અમદાવાદની રિક્ષાના 6 લાખ પૈડા થંભી ગયા

| Updated: April 15, 2022 3:44 pm

અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી આવ્યા છે. ગેસના સતત વધી રહેલા ભાવને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અમદાવાદમાં બે લાખથી વધારે રિક્ષાઓ થંભી જવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ હડતાળને કોંગ્રેસ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

સીએનજી ભાવ વધારાને કારણે રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરી આવ્યા છે. વારવાર વધી રહેવા ભાવને લઈ રીક્ષા ચાલકોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા હાલ ભાવ ઓછું કરવાનું કોઈ નિર્ણય લેવા માંગતી નથી જેના કારણે હડતાળ પર ઉતરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે શુક્રવારના રોજ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે તેની સાથે ભાવ વધારાને લઈ વિરોધ પણ કરશે. વધુમાં જણાવ્યું કે, જો સરકાર આગામી સમયમાં ભાવ પાછો નહીં ખેંચે તો સાબરમતી ગાંધી આશ્રમથી ગાંધીનગર રાજ ભવન સુધી વિશાળ રિક્ષા રેલી યોજવાની અને આંદોલનને રાજ્ય સ્તરે લઈ જવાની ચીમકી સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

રિક્ષા યુનિયનની એવી પણ માગણી છે કે, સીએનજી ગેસને જીએસટીમાં સામેલ કરવો જોઈએ, ગેસમાં સબસિડી જાહેર કરવી જોઈએ અને રિક્ષાના ભાડાના દરમાં તાત્કાલિક વધારો જાહેર કરવો જોઈએ, એટલું જ નહીં પરંતુ રિક્ષા ચાલકો માટે કલ્યાણ બોર્ડની રચના કરવી જોઈએ. રિક્ષા ચાલકો ઉપર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવે છે એ બંધ થવું જોઈએ. આ તરફ ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, સતત વધતી જતી મોંઘવારીથી સામાન્ય અને મધ્યમ વર્ગ માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે, હજારો રિક્ષા ચાલકોની સતત રજૂઆત છતાં ભાજપ સરકાર તેમની રજૂઆતો સાંભળવા તૈયાર નથી, આ સંજોગોમાં રિક્ષા ચાલકોને સીએનજી ગેસના ભાવ વધારામાંથી તાત્કાલિક રાહત આપવી જોઈએ અને ગેસનો ભાવ વધારો પરત ખેંચવો જોઈએ.

રિક્ષાચાલકોની હડતાળના એલાનને અત્યાર સુધીમાં 11 રિક્ષા યુનિયનનો ટેકો મળ્યો છે. સીએનજી પ્રાઈસ હાઈક વિરોધી સમિતિ, અમદાવાદ રિક્ષા ડ્રાઈવર એકતા સંઘ, ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર વર્ક કમિટી, ઓટો રિક્ષા વેલ્ફેર એસોસિએશન અમદાવાદ, અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઈવર સંઘર્ષ સમિતિ, અતુલ શક્તિ રિક્ષા ડ્રાઈવર એસોસિએશન, ગુજરાત સ્ટેટ ઓટો રિક્ષા ડ્રાઈવર એસોસિએશન, અમદાવાદ એરપોર્ટ પોર્ટ રિક્ષા યુનિયન, અમદાવાદ રિક્ષા ડ્રાઈવર એકતા યુનિયન (ખોખરા), ઓટો રિક્ષા ડ્રાઈવર સુરક્ષા સમિતિ, મણિનગર રિક્ષા ડ્રાઈવર સંઘ (એક્શન કમિટી) અને અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઈવર સિટી યુનિયન.

Your email address will not be published.