અમદાવાદના બોડકદેવમાં એક વેપારીના ફોનના સીમકાર્ડને ક્લોન કરી ત્રણ કલાકમાં તેના ખાતામાંથી રૂ. 2.39 કરોડ ઉપાડી લેવાની ઘટના સામે આવી છે. આ મામલે વેપારીએ બુધવારે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મકરબામાં અલ-બુર્જ સોસાયટીમાં રહેતા 34 વર્ષીય અલ્કેશ ગંગાણી તેની બોડકદેવ ઓફિસમાંથી કપાસ અને દોરાની નિકાસ કરે છે. ગંગાણી તેના કરંટ એકાઉન્ટ પર બેંકિંગ વ્યવહારો માટે તેના સેલફોનનો ઉપયોગ કરતાં હતા.
રવિવારે સાંજે લગભગ 5.45 વાગે ગંગાણીના સેલફોનનું નેટવર્ક ન મળતા તેણે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને ફોન કર્યો હતો. કસ્ટમર કેર એક્ઝિક્યુટિવે ગંગાણીને કહ્યું કે કોઈએ તેનું સિમ કાર્ડ નિષ્ક્રિય કરી દીધું છે. ગંગાણી ટેલિકોમ પ્રદાતાના એક આઉટલેટ પર દોડી ગયો, તેના દસ્તાવેજોની ચકાસણી કરી ત્યારે તેને જાણ થઈ કે એક નવું સિમ કાર્ડ રવિવારે રાત્રે 8.45 વાગ્યે સક્રિય થયું હતું.
સોમવારે સવારે જ્યારે ગાંગાણીના બિઝનેસ પાર્ટનર હેતલ પટેલના પતિ વિશાલ પટેલે ગાંગાણીને ફોન કરીને જણાવ્યું કે તેમના કંપનીના ખાતામાં શંકાસ્પદ રીતે વધુ સંખ્યામાં વ્યવહારો થયા છે. ગંગાણીએ કહ્યું કે તેમને બેંકમાંથી કોઈ મેસેજ કે OTP મળ્યો નથી. જો કે બેંકમાં જતાં જાણ થઈ કે ખાતામાંથી 28 ટ્રાન્ઝેક્શનમાં 2.39 કરોડ રૂપિયા ડેબિટ થયા છે.
સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રએ જણાવ્યું હતું કે, સ્કેમર્સે ગંગાણીના ઈમેલની ઍક્સેસ મેળવી હતી અને તેનો વ્યવહારો માટે ઉપયોગ કર્યો હતો. તે સમયે ગંગાણીનું સિમ નિષ્ક્રિય થઈ ગયું હોવાથી તેને કોઈ ચેતવણીઓ પ્રાપ્ત થઈ ન હતી.
સાયબર ક્રાઈમ પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધ્યો છે. આરોપીઓની ઓળખ હજુ બાકી છે.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી નરોડાના વેપારીને ગાંધીનગર ફરવા લઈ જઈ યુવતીએ હનીટ્રેપમાં ફસાવી