45 ડિગ્રી ગરમીમાં ઓગળતુ અમદાવાદઃ 1.1 કરોડ લોકોનું જીવન ભયમાં હોવાની યુએનની ચેતવણી

| Updated: April 26, 2022 6:03 pm

એપ્રિલ આવતાની સાથે જ ગુજરાતીઓમાં તે વાતચીત સામાન્ય છે કે ઉનાળાની ગરમીનો પ્રારંભ થઈ ગયો છે અને હવે દિવસ જતાની સાથે ધોમધખતો તાપ ઉત્તરોતર વધતો જશે. તેની સાથે તેઓ એમ પણ કહે છે કે એપ્રિલ જો આટલો ગરમ છે તો પછી મેમાં તો કેવી ગરમી હશે. આ વખતે આ સ્થિતિમાં તફાવત હોય તો તે એ છે કે માર્ચના મધ્યથી જ તાપમાન 40 ડિગ્રી ઉપર થઈ ગયું હતું.

આ વાત કંઈ ફક્ત એર કંડિશનર કે ડેઝર્ટ કૂલર ખરીદવા જેટલી સરળ નથી જે તમને અંદર તો ઠંડા રાખે છે, પરંતુ તે બહાર ગરમી વધારે છે. ક્લાઇમેટ ચેન્જના લીધે સર્જાયેલી પરિસ્થિતિ તમારો દરવાજો ખખડાવી રહી છે. આ બાબત હવે ટીવી પર વિશ્વના નેતાઓની ચર્ચાનો જ વિષય રહી નથી, જે ક્લાઇમેટ કંટ્રોલ અંગે નવી-નવી ડેડલાઇન આપે છે, વચનો આપે છે. આ પરિસ્થિતિ તમારા ઘરના દરવાજે આવીને ઊભી છે.

ક્લાઇમેટ ચેન્જની અસરોની ચેતવણી જ નહી સંકેતો પણ સમય કરતાં વહેલા મળવા માંડ્યા છે. ક્લાઇમેટ ચેન્જ પરની ઇન્ટરગવર્નમેન્ટલ પેનલના છઠ્ઠા એસેસેમેન્ટ રિપોર્ટ મુજબ યુનાઇટેડ નેશન્સે ક્લાઇમેટ ચેન્જ પરની વૈજ્ઞાનિક સમીક્ષા કરી ત્યારે ચેતવણી આપી હતી કે અમદાવાદના 1.1 કરોડ લોકો પર ઊંચા તાપમાનનું જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ ફક્ત અમદાવાદ શહેર પૂરતુ જ મર્યાદિત નથી, તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળવાની છે.

જાન્યુઆરીમાં વસુધા ફાઉન્ડેશને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સંચાલિત ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (જીઇઇઆર) ફાઉન્ડેશનમાં સહયોગમાં અમદાવાદ માટેના ધ ક્લાઇમેટ ચેન્જ એન્ડ એન્વાયર્નમેન્ટ એક્શન પ્લાન્સ (સીસીઇએપી) અંગે જણાવ્યું છે કે અમદાવાદના ઉનાળાઓના મહિનાઓ દરમિયાન મહત્તમ તાપમાનના ટ્રેન્ડમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

અહેવાલ જણાવે છે કે મહત્તમ તાપમાનના દિવસોમાં આઠથી દસ ટકાનો વધારો થયો છે, જ્યારે તેની સામે લઘુત્તમ તાપમાનવાળા દિવસો વિપરીત દિશામાં ગયા છે. તાજેતરના દાયકામાં ઉનાળાના દિવસો દરમિયાન જોવા મળતા ઠંડા દિવસોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે.

અમદાવાદમાં તાપમાન આ વર્ષે 42.6 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી ગયું છે. અમદાવાદ સ્થિત શહેરી આયોજનની નિષ્ણાત દર્શિની મહાદેવિયાએ વીઓઆઇને જણાવ્યું હતું કે અમદાવાદમાં 1980ના દાયકાથી દર વર્ષે તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતો આવ્યો છે. આ જ કારણસર અમદાવાદને ભારતના સૌથી ટાળી શકાય તેવા સમર કેપિટલનું જ ઉપનામ આપી શકાય. અમદાવાદ જિલ્લાની 84.04 ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. તે રાજ્યના 2011ના સેન્સસની સરેરાશ કરતા બે ગણી છે.

ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારનો 4.13 ટકા હિસ્સો ધરાવતા અમદાવાદમાં વસતીની ગીચતા પ્રતિ ચોરસ કિ.મી.એ 890ની છે. આમ તે રાજ્યમાં વસ્તીની ગીચતાની રીતે બીજા નંબરે આવે છે અને આ પ્રમાણ રાજ્યની સરેરાશ કરતાં ત્રણ ગણું છે. અમદાવાદની વસ્તીની ઘનતા રાષ્ટ્રીય સરેરાશ કરતા બે ગણી છે. આ સૂચવે છે કે તેના સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેટલું ભારે દબાણ છે.

જાણીતા સ્થપતિ બીવી જોશીએ વીઓઆઇને ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે સતત વધી રહેલી ગરમીના લીધે અમદાવાદ જાણે હીટ આઇલેન્ડ બની ગયું હોય તેવી ગરમી અનુભવી રહ્યું છે. તેમણે નિર્દેશ કર્યો છે કે ક્લાઇમેટ-એડેપ્ટિવ-મિટિગેટિવ અર્બન પ્લાનિંગ દ્વારા તીવ્ર ગરમી અનુભવતા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં માઇક્રોક્લાઇમેટ ચેન્જ લાવી શકાય. મોટાભાગના બિલ્ડિંગો અને મકાનોમાં એવી બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ગરમી શોષાઈ જાય છે અને ઠંડા રહેવાનો ખર્ચ વધી જાય છે.

માઇક્રોક્લાઇમેટને એવા વિસ્તાર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય જે આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં ફેરફાર લાવે છે. માઇક્રોક્લાઇમેટ કુદરતી રીતે બને છે અને તેનું પ્રમાણ નાનું હોય છે. તે થોડું મોટું પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે જોઈએ તો શહેર પોતાની આગવી વાતાવરણ પેટર્ન રચે છે અને વિશાળ શહેરી વિસ્તારમાં તેનું આગવું મહત્વ પણ હશે, એમ દોશી સમજાવે છે.

તેમણે ઉમેર્યુ હતું કે અમદાવાદ હાલમાં હીટ આઇલેન્ડની જેમ માઇક્રોક્લાઇમેટ અનુભવી રહ્યુ છે, તે ધીમે-ધીમે વિશાળ શહેરી માઇક્રોક્લાઇમેટ બની રહ્યું છે. માઇક્રોક્લાઇમેટિક લાક્ષણિકતા ફક્ત તાપમાન પર જ અસર કરતી નથી, પણ વરસાદ, હવાના દબાણ અને પવન પર પણ અસર કરે છે. આનો અર્થ એમ થાય કે તે પ્રદૂષિત હવાને લાંબો સમય રાખી શકે છે અને શહેરમાં જેટલો લાંબો સમય પ્રદૂષિત હવા રહે તે શહેર માટે ખરાબ બાબત છે.

દર્શિનીએ જણાવ્યું હતું કે કેવી રીતે નીચી આવકવાળા શહેરીજનો આ ઊંચા તાપમાનનો ભોગ બને છે. અમદાવાદનો અભ્યાસ દર્શાવે છે કે ઝૂંપડપટ્ટીની છતોમાં ઇન્સ્યુલેશનવિહીન ધાતુ કે એસ્બેસ્ટોસની શીટ વપરાઈ હોય છે. તેના લીધે ગરમીની અસર વધે છે. આ પ્રકારની ઝૂંપડપટ્ટીઓમાં ટ્રી કવરેજ કે ગ્રીન સ્પેસ ઓછી હોય છે અને ત્યાં આત્યંતિક ગરમી જોવા મળે છે. હવે જે લોકો બહાર કામ કરે છે જેવા કે સ્ટ્રીટ વેન્ડર અને બાંધકામ કારીગરો તેમને ગરમીના લીધે નુકસાન થવાનું જોખમ વધારે છે.

તેમણે ઉમેર્યુ હતું કે ઝૂંપડપટ્ટીના મોટાભાગના મકાનોમાં કોરગ્ટેડ ટિન શીટ્સ, સિમેન્ટ શીટ્સ (એસ્બેસ્ટોસ), પ્લાસ્ટિક અને તારપૌલિન છે અને તેમા હવાઉજાસની પૂરતી સગવડો પણ હોતી નથી. આ પ્રકારના ઘરોમાં મહિલાઓ ઘરે કામ કરતી હોય છે અને બીજા બધા ફક્ત ત્યાં રાત પૂરતા રહેવા જ આવે છે.

તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસથી દર એક ડિગ્રી વધે ત્યારે ઉત્પાદકતામાં બે ટકાની ઘટ પડે છે અને ગરીબ આવકમાં ઘટ પડવાના લીધે વધુને વધુ ગરીબીમાં ઊંડે ઉતરતો જાય છે. તેની સામે ઊર્જાનો ખર્ચ વધતો જાય છે. એક્ટિવ કૂલિંગ સિસ્ટમ અપનાવવાના લીધે ઇન્ડોર તાપમાન જાળવી રાખવામાં આવે તો કે તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો કામ સારી રીતે કરી શકાય છે. જો કે તેનો ખર્ચ સંસાધનો પર ભારે પડે છે, વધતુ જતું ઊર્જા બિલ તે એકમોને ભારે પડે છે, આ બાબત વ્યાપક સંદર્ભમાં ક્લાઇમેટ ચેન્જને પ્રતિબિંબિત કરે છે. બીજી બાજુએ પેસિવ કૂલિંગ ટેકનિક દ્વારા હીટ ટ્રાન્સફર અટકાવી શકાય છે, તેમા છતની નીચે ઇન્સ્યુલેટેડ મટીરિયલ ઉમેરવાનો સમાવેશ થાય છે.  

તેમણે ઉમેર્યું હતું કે આ માટે પહેલા તો અમદાવાદ માટે સાઉથ એશિયાની સાથે સંકલન સાધીને હીટ એક્શન પ્લાન (એચએપી) એકેડેમિક, હેલ્થ અને પર્યાવરણીય જૂથો દ્વારા 2013માં રચવામાં આવ્યો હતો. એચએપી ત્યારે જ શરૂ કરવામાં આવે છે જ્યારે અર્લી વોર્નિંગ સિસ્ટમ અને ઇન્ટર-એજન્સી સંકલન રહેવાસીઓને આત્યંતિક તાપમાન અંગે સાવધ કરે છે. એકશન પ્લાનને તેનાથી પણ આગળ વિકસાવી ‘હીટ શેલ્ટર હોમ્સ’ અને ‘ ગ્રીન સ્પેસ ‘ વિકસાવવામાં આવે. આ આજની જરૂરિયાત છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ સરકારી એજન્સીઓ, આરોગ્ય સત્તાવાળાઓ અને હોસ્પિટલો, ઇમરજન્સી રિસ્પોન્ડરો અને સ્થાનિક કમ્યુનિટી ગ્રુપ્સ અને મીડિયા આઉટલેટ્સને સાવધ કરવા માટે કમ્યુનિકેશન ચેનલોની રચના કરી છે. આ ચેનલો અમદાવાદ ખાતે ભારતીય હવામાન વિભાગના કેન્દ્ર દ્વારા આત્યંતિક ગરમીના આપવામાં આવતા વર્તારાની માહિતી બધાને આપશે.

પર્યાવરણવાદી રોહિત પ્રજાપતિએ વીઓઆઇને જણાવ્યું હતું કે ખાનગી શહેરી પરિવહન વધારવુ અને ભારે ટ્રાફિકના લીધે વાહનોની ધીમી ઝડપ પણ અમદાવાદ જેવા શહેરોમાં ગ્રીન હાઉસ ગેસ (જીએચજી)  પ્રસરણનું મોટુ કારણ છે.

“અમદાવાદમાં દિવસો વધુને વધુ ગરમ થઈ રહ્યા છે. મે 2016માં અમદાવાદનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી ગયુ હતુ. આ પહેલા 1916માં અમદાવાદમાં તાપમાન 47.8 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શ્યુ હતુ. આ વર્ષે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન તો સામાન્ય થઈ ગયું છે. દિવસ અને રાત્રિના તાપમાનનો ફરક પણ ઘટી રહ્યો છે. અમદાવાદ મુખ્યત્વે રેતાળ પ્રદેશ પર વસેલુ છે અને તેથી આકરી ગરમી હોય ત્યારે તે ઝડપથી તપી જાય છે અને સાંજ પછી તે ઠંડુ પડવા માંડે છે,” એમ તેમનું કહેવું છે.

નબળી અર્બન હીટ આઇલેન્ડ પેટર્ન પણ સાબરમતી નદી શહેરની મધ્યમાંથી વહેતી હોવાના લીધે જોવા મળે છે. નદીનું પાણી તાપમાનમાં ઘટાડો કરવામાં ભૂમિકા ભજવે છે અને તેના લીધે પાણી પરનો ગરમીનો હિસ્સો બાષ્પીભવન થઈ ઉડી જાય છે અને જમીનની તુલનાએ ત્યાં ઓછી ગરમી હોય છે. આ પ્રકારની વર્તણૂક પાછળનું યોગ્ય કારણ તો હજી સુધી સ્પષ્ટ નથી, પરંતુ તેના પર વિવિધ પરિબળોનો પ્રભાવ છે,” એમ તેમણે ઉમેર્યુ હતું.

આત્યંતિક ગરમીના લીધે ડીહાઇડ્રેશન, પાણી શોષાઈ જવુ અને લૂ લાગવી, હૃદને લગતી તકલીફો થવી અને શ્વાસને લગતા રોગો થાય છે. ગરમી લોકોના લીધે લોકો તેટલો તનાવ અનુભવે છે તેનું કોઈ યોગ્ય રીતે દસ્તાવેજીકરણ થયું નથી. તેમા પણ ખાસ કરીને કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકો પર તેની કેવી અસર થાય છે તેનું પણ દસ્તાવેજીકરણ થયું નથી.

અમદાવાદ જિલ્લામાં 12 મુખ્ય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, 12 સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન અને દસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન્સ અમદાવાદ મેટ્રોપોલિસની આસપાસના વિસ્તારોમાં છે અને કેટલાક ઇન્ડસ્ટ્રીયલ ટાઉન જિલ્લામાં છે.

તેમણે ઉમેર્યુ હતું કે 2005થી 2019માં અમદાવાદ જિલ્લામાં કુલ પ્રસરણમાં 78 ટકાનો વધારો થયો છે. 2005માં 51.6 લાખ ટન સીઓટુ હતો તે 2019માં વધીને 91.8 લાખ ટન થયો છે. શહેર આજે હીટ સ્ટ્રેસ અનુભવી રહ્યુ છે તેમા આ મહત્વનું પરિબળ છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

ઊર્જા, પર્યાવરણ અને ક્લાઇમેટમાં રસ ધરાવતા ભારતીય પત્રકાર રાજશેખરે તેમના પુસ્તક ડિસ્પાઇટ ધ સ્ટેટઃ વાય ઇન્ડિયા લેટ્સ ઇટ્સ પીપલ ડાઉન એન્ડ હાઉ ધે કોપમાં દર્શાવ્યું છે કે અમદાવાદ એકબાજુએ હીટ એક્શન પ્લાન બનાવ્યો હોવા છતાં બીજી બાજુએ વૃક્ષો કાપવાનું જારી રાખ્યું છે.

“2030 સુધીમાં શહેરના વિસ્તારને વૃક્ષકવચ માંડ ત્રણ ટકા હશે. સુરતે પણ પૂરનો સામનો કેવી રીતે કરવો તેનું આયોજન કર્યુ, પરંતુ જ્યારે એસ્સાર જૂથે તેના કાઠે પ્લાન્ટ નાખી તાપીના મુખત્રિકોણ પ્રદેશને અડધો બંધ જ કરી દીધો તેની સામે તેણે કશું જ ન કર્યુ. તેના લીધે સુરતમાંથી વહેતી તાપીની જળરાશિ અડધી થઈ ગઈ. આવું જ સરદાર સરોવર બંધ અંગે છે. આ બંધ રાજ્યની પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે બનાવાયો હોવાનું કહેવાય છે, પણ રાજ્યમાં પાણીના પ્રદૂષણને ડામવા માટે કશું કરાયું નથી,” એમ રાજશેખરનું કહેવું છે.

( તસવીર: હનિફ સિંધી )

Your email address will not be published.