આગામી ત્રણ દિવસ માટે અમદાવાદના લોકોએ ગરમીમાં બફાવું પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં મંગળવારના રોજ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જેથી શહેરના લોકોએ સતત બીજા દિવસે હીટવેવનો સામનો કરવો પડશે.
સામાન્ય તાપમાન કરતાં 1.7 ડિગ્રી વધુ તાપમાન સાથે, અમદાવાદમાં સોમવારે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેથી સોમવારના રોજ ગુજરાતમાં સુરેન્દ્રનગર સાથે અમદાવાદ બીજા નંબરનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પણ 29 ડિગ્રી સાથે સામાન્ય તાપમાન કરતાં 2.7 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારના રોજ અમદાવાદની સાથે ગાંધીનગર, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગરમાં સામાન્ય કરતાં વધુ મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે અને આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ પણ ફેરફારની અપેક્ષા નથી.
જો કે, ત્રણથી ચાર દિવસની તીવ્ર ગરમીની સ્થિતિ બાદ આગામી બે દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે, તેમ હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું.
નોંધનીય છે કે, સોમવારના રોજ 44.8 ડિગ્રી સેલ્સિયસ સાથે કંડલા ગુજરાતનું સૌથી ગરમ સ્થળ હતું.