ફાફડા-જલેબી ખાવા માટે અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યાઓ કઈ છે?

| Updated: October 14, 2021 11:03 pm

ગુજરાતમાં લોકો દશેરાના દિવસે એટલે કે રાવન દહન થાય તે દિવસે લાખો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જાય છે. તેમાં પણ અમદાવાદના લોકો માટે ફાફડા જલેબી ક્યાંથી ખરીદીને ખાવામાં આવે છે તેનું પણ મહત્ત્વ હોય છે. વાઈબ્સ ઓફ ઈન્ડિયાએ અમદાવાદમાં એવી છ જગ્યાઓની મુલાકાત લીધી જ્યાં લોકો દર વિજયાદશમીએ ફાફડા અને જલેબી ખરીદવા માટે ઉત્સાહથી આવે છે તથા કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા પણ તૈયાર હોય છે.

ચંદ્રવિલાસ, ગાંધીરોડ
ફાફડા અને જલેબી માટે જાણીતી જગ્યાઓમાં સૌથી જાણીતું નામ છે ચંદ્રવિલાસ. અહીં ફરસાણ બનાવવાની પરંપરા લગભગ 120 વર્ષ જૂની છે. આ જગ્યાએ ફાફડા અને જલેબીની સાથે સાથે અન્ય ફરસાણ અને પૂરી-શાકની રંગત માણવા માટે પણ લોકો આવે છે. આ ઉપરાંત અહીંની દાળ પણ ખૂબ વખણાય છે.

ઓસ્વાલ, આશ્રમ રોડ
ખાવાના શોખીન અમદાવાદીઓ માટે શહેરમાં જગ્યાઓની કોઈ અછત નથી. લગભગ 7 દાયકા જૂના ઓસ્વાલ ફરસાણ માર્ટ ચોખ્ખા ઘીની જલેબી અને શુદ્ધ સિંગતેલમાં તળેલા ફાફડા માટે વિખ્યાત છે. અહીંના ફરસાણની રંગત માણતા લોકો વર્ષોથી આવતા રહે છે.

લક્ષ્મી ગાંઠિયા રથ, નેહરુનગર
શહેરના નહેરુનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી ગાંઠિયા રથને ત્યાં જલેબી અને ફાફડા ખરીદવા માટે હંમેશા લોકોની ભીડ જામે છે. લોકો દૂર દૂરથી આવીને અહીં ફાફડા અને જલેબી મેળવવા માટે લાઈનમાં ઉભા રહેવા પણ તૈયાર હોય છે.

ઇસ્કોન ગાંઠિયા, વી એસ હોસ્પિટલ
ઇસ્કોન ગાંઠિયાની અમદાવાદ શહેરમાં અનેક શાખાઓ છે. તેની ખાસિયત એ છે કે દરેક શાખામાં એક સરખો સ્વાદ જળવાય છે. એક સમાન ટેસ્ટ અને ક્વોલિટીને જાળવીને તેમણે છેલ્લા અનેક વર્ષોથી ફરસાણ અને મીઠાઇમાં ગ્રાહકોને બાંધી રાખવામા સફળ રહ્યા છે.

મહેતા ફરસાણ, ઉસ્માનપુરા
મહેતા ફરસાણ પણ ગ્રાહકોને પોતાના સ્વાદિષ્ટ જલેબી અને ફાફડા પીરસવા માટે જાણીતા છે. પિતાના વ્યવસાયના આગળ વધારતા પુત્રોએ ક્વાલિટી જાળવી રાખીને ગ્રાહકોને ટકાવી રાખ્યા છે. કોવિડના વર્ષ પછી તેઓ આ વર્ષે ફરસાણનું જોરદાર વેચાણ કરવા માટે ઉત્સાહિત છે.

રસરંજન, નવરંગપુરા
મૂળ રાજસ્થાનના અને ગુજરાતમાં વર્ષોથી મીઠાઇ અને ફરસાણનો ધંધો ચલાવતું રસરંજન જૂથ ફાફડા અને જલેબી માટે પણ વખણાય છે. તેઓ રસમધુર બ્રાન્ડ સાથે પણ સંકળાયેલા છે. તેમણે દર વર્ષની જેમ વિશેષ મંડપ બાંધીને દશેરાના દિવસે ફાફડા જલેબી પિરસવાની તૈયારી કરી લીધી છે.

આસો માસના શુક્લ પક્ષ એકમથી નોમ સુધી માં દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. ત્યાર બાદ દસમાં દિવસે વિજ્યાદશમીનો પર્વ ઉજવવામાં આવે છે. આત્મશુદ્ધિ અને આસુરી તત્વો ઉપર આત્મવિજયનું પ્રતિક એટલે દશેરા. ક્ષત્રિયો વિજ્યાદશમીના શુભ દિને શસ્ત્રપૂજન કરીને ભગવાન રામનું પૂજન કરશે. આ દિવસે વણજોયેલા શુભમહુર્ત હોવાથી મોટી સંખ્યામાં લોકો શુભકાર્યો કરે છે, જેમ કે નવા ઘરમાં પ્રવેશ, દુકાન-ઓફિસનું ઉદ્ઘાટન, હવન કે અન્ય નવી વસ્તુઓની ખરીદી કરશે. દશેરાના દિવસે લોકો નવા વાહનોની પણ ઉત્સાહપૂર્વક ખરીદી કરે છે.

દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરી વિજય મેળવ્યો હતો. તેની ખુશીમાં લોકોએ શ્રીરામને ભાવતી શાશ્કુલી નગરમાં વહેંચી હતી જેને આપણે બધા જલેબી કહીએ છીએ. ત્યારથી જલેબી ખાવાની પરંપરા આવી હોવાનું માનવામાં આવે છે.

કોવિડના બે વર્ષ બાદ ચાલુ વર્ષે લોકો હવે તહેવારો ઉજવતા થયા છે, ત્યારે મોઘવારીએ પણ લોકોની કમર તોડી નાખી છે. બેસન, ઘી, ખાદ્યતેલ, ખાંડ, ગરમ મસાલા, મેંદામા ભાવવધારાથી ચાલુ વર્ષે ફરસાણના ભાવોમાં 10 ટકાનો વધારો થયો છે. છતાં લોકો ફાફડા જલેબી ખાવામાં કોઈ કસર નહીં છોડે તે નક્કી છે.

વિજયાદશમીના પર્વ ઉપર શહેરોમાં ફાફડા જલેબી આરોગવાના ક્રેઝને ધ્યાનમાં રાખીને સ્થાનિક ફરસાણની દુકાનોમાં પણ તૈયારીઓ ચાલુ છે. બજારમાં કાયમી ધોરણે ચાલતા મીઠાઇ-ફરસાણ વ્યવસાયની સાથોસાથ કેટલાક સ્થળોએ કામચલાઉ દુકાનો કાર્યરત કરીને મોટી સંખ્યામા ફાફડા-જલેબીનુ ઉત્પાદન શરૂ થઇ ગયુ છે. બેસન, ખાંડ, ખાદ્યતેલ, ઘી, મેંદો, ગરમ મસાલા, ડ્રાયફ્રુટના ભાવોમાં વધારાને લઇને ફરસાણનુ ઉત્પાદન પણ મોંઘું બન્યું છે.

અમદાવાદમાં ફાફડા અને જલેબીનાં સરેરાશ ભાવ (પ્રતિ કિલો)

સાદી જલેબી – રૂ.250થી 300
શુદ્ધ ઘીની જલેબી – રૂ.600થી 900
સાદા ફાફડા – રૂ.200થી 250
શુદ્ધ સિંગતેલમાં તળેલા ફાફડા- રૂ. 350થી 700

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *