શહેરમાં ભારે ગરમીની સ્થિતિને ટાંકીને, અમદાવાદ ટ્રાફિક પોલીસે એક પહેલ હાથ ધરી છે જેના દ્વારા નાગરિકો ગરમીથી બચી શકે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શનિવાર અને રવિવારે બે દિવસીય પ્રયોગ હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના 60 જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવામાં આવ્યા હતા. આથી નાગરિકો સળગતા સૂર્યપ્રકાશમાં ટ્રાફિક સિગ્નલો પર ઉભા ન રહેવું પડે.
બે દિવસના પ્રયોગ ધોરણે પહેલ હાથ ધર્યા બાદ, શહેરના ટ્રાફિક વિભાગે સોમવારે એક બેઠક યોજી આગામી દિવસોમાં આ પહેલને વધુ વિસ્તૃત કરવા અંગે ચર્ચા કરી હતી. જેમાં શહેરના 184 ટ્રાફિક સિગ્નલોમાંથી કુલ 123 ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે શહેરમાં આશરે 60 ટ્રાફિક સિગ્નલ રાબેતા મુજબ ચાલુ રહેશે.
આ અંગે માહિતી આપતા અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગના જેસીપીએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારના રોજ હાથ ધરાયેલા બે દિવસીય પ્રયોગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સિગ્નલનો સમય પણ ઘટાડવામાં આવશે – એક મિનિટનો સિગ્નલ 30 થી 40 સેકન્ડનો થઈ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરને જરૂર જણાય તો ટ્રાફિક સિગ્નલને લાંબા સમય સુધી ચાલુ કે બંધ રાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જોકે એસજી હાઈવે પર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને વીવીઆઈપીઓની સતત અવરજવરને કારણે આ હાઈવે પરના સિગ્નલ નિયમિત રીતે ચાલુ રહેશે.