Site icon Vibes Of India

સ્ટ્રીટફૂડમાં અમદાવાદીઓની પહેલી પસંદ ‘પાવભાજી’

અમદાવાદની ગલીઓમાં મળતી સૌથી સ્વાદિષ્ટ પાવભાજી જે નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી બધાને ખાવા માટે લાલચાવી દે એવી પાવભાજીની વાત કરશું. 

મુંબઈના સ્ટ્રીટ ફૂડનું ગૌરવ અને આનંદ જેને કહેવાય તે પાવભાજી અત્યારે આખા દેશમાં પ્રખ્યાત છે. સ્વાદથી  ભરપૂર એવી પાવભાજીનું નામ આવે ત્યારે આપણા મોઢામાં પાણી આવી જતું હોય છે. ભાજી એ એક એવી વાનગી છે જેમાં મસાલા અને માખણમાં રાંધેલા વિવિધ શકભાજીઓનો સમાવેશ થાય છે. પાવ સાથે બનેલી ભાજીને માણવાનો  આનંદ જ કઈક જુદો હોય છે.

ચાલો આજે આપણે પાવભાજીના ઉદ્ભવ વિશે જાણીએ 

બધા શહેરો અને નગરોમાં પોતપોતાના ખાસ સ્ટ્રીટ ફૂડ હોય છે પરંતુ જ્યારે સ્ટ્રીટ ફૂડ ખરેખર લોકપ્રિય બને છે ત્યારે તે ટોચની રેસ્ટોરન્ટમાં પણ પીરસવામાં આવે છે. પાવ ભાજી અથવા ભાજી પાવ એક એવુ સ્ટ્રીટ ફૂડ છે  તેની ઉત્પત્તિ 1800 ના દાયકાના મધ્યમાં મુંબઈમાં થઈ હતી, જ્યાં તે ભૂખ્યા વેપારીઓ અને મિલ કામદારોને વિષમ સમયે સંતોષવા માટે તૈયાર કરવામાં આવી હતી જ્યારે અન્ય ખાણીપીણીની દુકાનો બંધ હતી. ગુજરાતી અને મારવાડી મૂળના વેપારીઓ બંને શાકાહારી હોવાના કારણે શાકાહારી ભાથું  શોધતા હતા ત્યારે પોર્ટુગીઝ દ્વારા મુંબઈ લાવવામાં આવેલા સફેદ બન સાથે પીરસવામાં આવતી મસાલેદાર ટામેટાની ગ્રેવીમાં શરૂઆતમાં બચેલા શાકભાજીમાંથી તૈયાર કરવામાં આવતી ભાજી એક ઉત્તમ સંયોજન હતું. ત્યારથી આ પાવભાજી એક લોકપ્રિય નાસ્તો બની ગયો.

જો કે, શરૂઆતમાં, તે મિલ કામદારોનો ખોરાક રહ્યો હતો પણ સમય જતા આ વાનગી રેસ્ટોરન્ટમાં પ્રવેશી અને મધ્ય મુંબઈ તેમજ શહેરના અન્ય ભાગોમાં અને આખરે સમગ્ર ભારતમાં ફેલાઈ ગઈ. અને, હવે તે યુ.એસ.માં પણ પ્રખ્યાત થઈ રહી છે.

હવે પાવભાજી મુંબઈની ગલીઓમાં, ગુજરાતના લગભગ તમામ શહેરો અને સમગ્ર ભારતમાં વેચાય છે. તે ખૂબ જ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જો કે તે હજુ પણ ભારતના પશ્ચિમ ભાગમાં, મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધારે પીરસવામાં આવે છે.

અમદાવાદમાં સ્વાદિષ્ટ પાવભાજી પીરસતી ટોચની જગ્યાઓની યાદી:

મહાલક્ષ્મી પાવભાજી : જ્યારે સ્ટ્રીટ ફૂડની વાત આવે તો આપણે માણેકચોકને તો ક્યારેય ભૂલી ન શકાય. અને સાવદિષ્ટ પાવભાજીની વાત કરીએ તો માણેકચોકની મહાલક્ષ્મી પાવભાજી અમદાવાદમાં સૌથી ફેમસ છે. અહી લોકો દૂર દૂરથી પાવભાજીનો આનંદ માણવા આવે છે. અહી તમે  ચીઝ પાવભાજી , બટર પાવભાજી જેવી જાત જાતની પાવભાજીનો આનંદ માણી શકો છો. મહાલક્ષ્મીની પાવભાજી વધારે મસાલેદાર નથી  હોતી અને સ્વાદથી ભરપૂર હોય છે. પાવભાજી સાથેની તેની સાથે લસણની ચટણી પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને દરેક પાવભાજી પ્રેમીએ તેનો સ્વાદ અચૂક માણવો જોઈએ.

ઓનેસ્ટ: પાવભાજી માટે પ્રખ્યાત ઓનેસ્ટ રેસ્ટોરન્ટની શરૂઆત 1975 માં થઈ હતી. અહી તમને વાનગીની ઘણી બધી વિવિધતા મળશે. ચીઝ પાવ ભાજી, જૈન પાવ ભાજી, બટર પાવભાજી બાફેલી પાવભાજી જેવી વિવિધ પ્રકારની પાવભાજીઓ તમે માણી શકો છો. હાલના સમયમાં ઓનેસ્ટ ફક્ત અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત, રાજસ્થાન, થાઈલેન્ડ, યુએસએ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પ્રખ્યાત છે.

માધવરાવ, પ્રહલાદ નગર: મહારાષ્ટ્રીયન ફૂડમાં વિશેષતા ધરાવતી, આ રેસ્ટોરન્ટ પ્રદેશના ઘણાં નાસ્તા પીરસે છે અને પાવભાજી તેમના મેનુનો એક ભાગ છે. અહીં તમે બાળકો માટે જૈન પાવભાજી તેમજ ઓછા મસાલાવાળી પાવભાજી પણ તમે મેળવી શકો છો. અહીંની પવભાજીનો સ્વાદ એકદમ મુંબઈની પાવભાજી જેવો જ હોય છે. જો તમને મુંબઈ જેવી  પાવભાજીનો આનંદ માણવો  હોય તો આ રેસ્ટોરન્ટમાં તમારે જરૂરથી જવું જોઈએ. 

સ્વાતિ સ્નેક્સ : સ્વાતિએ 1963 માં મુંબઈમાં એક નાનકડી રેસ્ટોરન્ટ તરીકે શરૂઆત કરી હતી. સ્વાતિ સ્નેક્સના હાલમાં અમદાવાદમાં તેના 2 રેસ્ટોરન્ટ્સ  છે. સ્વાતિ સ્નેક્સની પાવભાજી પણ અમદાવાદમાં ફેમસ છે. અહી તમે મુંબઈ જેવી પાવભાજીનો  આનંદ માણી શકો છો. લો ગાર્ડનમાં આવેલી સ્વાતિ સ્નેક્સમાં તમે સાંજના સમયે તમારા પરિવાર તેમજ મિત્રો સાથે પાવભાજીનો આનંદ માણી શકો છો. તમને અહી જૈન પાવભાજીનો  પણ વિકલ્પ મળશે જેથી જે કાંદા લસણ ન ખાતા હોય તે પણ અહી પાવભાજીનો આનંદ માણી શકે છે. 

ગુલાલવાડી ભાજી પાવ: ગુલાલવાડી ભાજી પાવ માણેક ચોકમાં સૌથી ફેમસ ફાસ્ટફૂડ સેન્ટર છે. અમદાવાદમાં માણેક ચોક ખાતે બોમ્બે ગુલાલવાડી ભાજી પાવ ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક આપીને એક ઉત્તમ ભોજનનો અનુભવ કરાવે છે. અમદાવાદના એક ધબકતા વિસ્તારમાં લોકો પાવભાજીનો આનંદ માણવા આવે છે. અહી તમને ડિલિવરીનો પણ  વિકલ્પ મળે છે જેથી તમે ઘરેથી પણ ઓર્ડર કરી શકો છો.

સામાન્ય રીતે અમદાવાદી વધારે ચીઝ અને બટરવાળી પાવભાજી ખાવાનું પસંદ કરે છે, જેથી અહી ચીઝ અને બટરવાળી પાવભાજીઓનું પ્રમાણ વધારે છે. સાથે- સાથે અમદાવાદમાં તમને દરેક જગ્યાએ પાવભાજી સાથે ડુંગળી- ટમેટાંનું સલાડ પણ પીરસવામાં આવે છે.

જો તમે ખાવાના શોખીન હો તો તમારે ચોક્કસથી ઉપરના સ્થળોની મુલાકાત લેવી જોઈએ.

આ પણ વાંચો: ઘરે જ બનાવો રબડી ગુલાબ જામુન, જાણો સરળ રેસિપી