લો બોલો, સલમાન બાદ સાબિરને મળી ધમકી: યુવકે કહ્યું, “તીન દિન મેં પૈસૈ નહીં દીએ તો ચોથા દિન આખરી હોગા”

| Updated: June 15, 2022 4:20 pm

થોડાક દિવસો પહેલા પંજાબના પ્રખ્યાત સિંગર સિદ્ધૂ મુસેલાવાની હત્યાને લઈ સમગ્ર દેશમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ સલમાન ખાનને પણ જાનથી મારી દેવાની ધમકી મળતા મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને હવે AIMIM ગુજરાતના પ્રમુખ સાબિર કાબલિવાલાને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી મારી દેવાની ધમકી આપતા ફફડાટ જોવા મળી રહ્યો છે. યુવકે ફોન કરી કહ્યું કે, મેં સિદ્ધૂ મૂસેવાલાનું મર્ડર કર્યું છે અને તમને મારવાની પણ સોપારી મને મળી છે. આ સાથે તેણે પૈસાની માંગણી પણ કરી હતી. જેથી ગભરાઈ ગયેલા AIMIMના પ્રમુખે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત AIMIMના પ્રમુખ છેલ્લા કેટલાક દિવસથી પ્રજાની તમામ સમસ્યાઓનું નિવારણ લાવવા માટે કામ કરી રહ્યા છે. તમામ વિસ્તારમાં તેમના કોર્પોરેટર પ્રજાની સમસ્યાઓ સાંભળી તે દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે તેઓને ગત રાત્રે એક અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. જેમાં તેણે તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેણે પોતાની ઓળખ ઈમરાન તરીકે આપી હતી. ઈમરાન તરીકે ઓળખ આપી કહ્યું કે પંજાબના સિંગર સિદ્ધૂ મૂસેવાલાનું મેં મર્ડર કર્યું હતું અને હવે તમારી પણ સોપારી મને સતયુગ મહારાજે આપી છે.

આ આરોપીએ વીડિયો કોલ પણ કર્યો હતો. આ વીડિયોકોલમાં તેણે પૈસાની નોટોથી ભરેલું બેગ બતાવ્યું હતું અને એટલા જ પૈસા જાન બચાવવા માટે માંગ્યા હતા અને કહી રહ્યો હતો કે તમારી ગાડી જ્યાં હોય ત્યાં જ ઉભી રાખી દો મારા માણસ તમારી આગળ પાછળ જ છે. હું તમને બે કલાકનો સમય આપું છું અને એક એકાઉન્ટની વિગત મોકલું છું. તેમ કહીને ફોન મૂકી દીધો હતો અને બાદમાં મેસેજ કરીને બેંકની વિગત મોકલી હતી. ત્યાર બાદ તે વારવાર ફોન કરવા લાગ્યો હતો પરતું સાબીર કાબલીવાલાએ એક પણ ફોન રિસિવ કર્યો ન હતો. ત્યારબાદ વધુ ડરાવવા માટે તેણે સિદ્ધુ મુસેવાળાનો મર્ડરનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે પણ મોકલ્યો હતો.

સાબીર કાબલીવાલા તેનો એક પણ ફોન ઉપાડ્યો ન હતો જેથી તે વધારે ડરાવવા માટે તેઓને એક ઓડિયો મોકલ્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે, “ફોન નહીં ઉઠા રહે કોઈ બાત નહીં તીન દિન કી વોર્નિંગ દેતા હું. કલ આપ ફોન કરતે હો તો ઠીક હે મોસ્ટ વેલકમ આપકો, ઈસ તીન દિનમે જો ભી સપને હે પુરે કર લેના શોખ પુરે કર લેના ચોથા દિન આખરી દિન હોગા આપકા.” સાબીર કાબલીવાલાએ ગંભીરતા દાખવી તમામ માહિતી પોલીસને ફોન કરી જણાવી હતી. પોલીસે તેમના નિવેદનના આધારે તાત્કાલિ ફરિયાદ દાખલ કરી અજાણ્યા શખ્સની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

Your email address will not be published.