અક્ષય કુમારને ફરીથી કોરોના થયોઃ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી નહી આપી શકે

| Updated: May 15, 2022 1:20 pm

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારને ફરીથી કોરોના થયો છે અને તે 75માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી નહી આપી શકે. અક્ષય કુમારે શનિવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે કોવિડ-19 પોઝિટિવ છે અને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી નહી આપી શકે.

કોરોના થવાના કારણે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી નહી આપી શકવાના લીધે નિરાશ થયેલા અક્ષયે જણાવ્યું હતું કે હું કેન્સમાં ઇન્ડિયા પેવેલિયન જોવા આતુર હતો, પરંતુ કમનસીબે હું કોવિડ પોઝિટિવ છું. હવે તેના લીધે મારે કમસેકમ 14 દિવસ આરામ કરવો પડશે અને ક્વોરેન્ટાઇન રહેવું પડશે. હું ચોક્કસપણે કેન્સમાં હાજરી આપવાની તક ગુમાવીશ.

અક્ષય કુમાર 75માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા દરમિયાન રેડ કાર્પેટ પર ચાલવાનો હોવાનું પણ મનાય છે. તેણે સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી છે. કેન્સમાં તેની સાથે શેખર કપૂર, પૂજા હેગડે અને એઆર રહેમાન પણ જવાના છે.

અક્ષય કુમારે તેને કોરોના થયો હોવાના ન્યૂઝ વહેતા મૂકવાની સાથે તેના પ્રશંસકોએ તેને ગેટ વેલ સૂનના સંદેશા પાઠવવા પાડ્યા હતા. તેના સહકલાકારો પણ તેને વહેલા સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી. તેમા હિતેન તેજવાણીનો પણ સમાવેશ થાય છે. તેણે જણાવ્યું હતું કે તમારે કેન્સ જવાનું હતું ત્યારે જ આ નિદાન થયું તે કમનસીબ છે, પરંતુ સમયસર આ વાતની ખબર પડી ગઈ તે પણ સારુ છે. તેના લીધે તમને સમયસર આરામ પણ મળી રહેશે. અક્ષય કુમાર ત્યાં તેની આગાની ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણના પ્રમોશન માટે જવાનો હતો.

ભારતે કેન્સ ફિલ્મ માર્કેટ તરીકે જાણીતા માર્ચ દુ ફિલ્મ્સ માટે સત્તાવાર પ્રવાસની જાહેરાત કરી છે. કેન્સ ફિલ્મ ફેસ્ટિવલની સાથે-સાથે તેનો પ્રારંભ 17મી મેથી થશે. નવાઝુદ્દીન સિદ્દિકી, નયનતારા, તમન્ના ભાટિયા અને વાણી ત્રિપાઠીની સાથે જાણીતા સિંગર મામે ખાન, બે વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ અને સીબીએફસીના ચેરમેન પ્રસૂન જોશી આ ફેસ્ટિવલમાં ભારતીય ઉપખંડનો હિસ્સો છે. કેન્સ ફિલ્મ ફેસ્ટિવલને વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ઉત્સવ માનવામાં આવે છે.

તેમા વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગની સન્માનિત ફિલ્મી હસ્તીઓ હાજરી આપે છે. આર માધવનના પ્રથમ ડિરેક્ટોરિયલ સાહસ રોકેટ્રાયઃ ધ નામ્બી ઇફેક્ટનું પણ 19મી મેના રોજ સ્ક્રીનિંગ થવાનું છે. ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ આ વખતના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરીનો હિસ્સો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર ભારતના કેન્સ જનારા પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ કરશે.

Your email address will not be published.