ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા સોલર રુફટોપ ઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના પગલે હવે રાજ્યના તમામ પવિત્ર યાત્રાધામને સૌર ઊર્જાથી ઝળહળતો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના પગલે હાલમાં પણ જ્યાં સોલર પેનલ લગાવાઈ છે તે યાત્રાધામોને વર્ષે વીજળીની 300 કરોડ રૂપિયાની સીધી બચત થઈ રહી છે.
યાત્રાધામ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા યાત્રાધામ પર રુફટોપ લગાવવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે. તેના પછી સરકારના નેજા હેઠળના યાત્રાધામ બોર્ડે દરેક યાત્રાધામમાં વધારાની સોલર પેનલ લગાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લા ત્રણ વર્ષમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 8 મુખ્ય યાત્રાધામ સહિત 349 સ્થળોએ સોલર પેનલ મૂકવામાં આવી છે. તેના લીધે અત્યાર સુધી 300 કરોડ રૂપિયાની બચત થઈ છે. આ ધાર્મિક સ્થળોએ હાલમાં લગભગ ચાર હજાર કિલોવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.
વર્ષ 2018થી 2021માં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અગ્રણી યાત્રાધામોમાં 283.86 લાખના ખર્ચે સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. તેમા 70 ટકા ખર્ચ રાજ્ય સરકાર તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો અને 30 ટકા ખર્ચ યાત્રાધામ મંદિર તરફથી ઉઠાવવામાં આવ્યો હતો. આગામી ત્રણ વર્ષના સમયગાળામાં રાજ્યના લગભગ તમામ યાત્રાધામ પર સોલર સિસ્ટમ ગોઠવાઈ જશે તેવું માનવામાં આવે છે. તેના પગલે યાત્રાધામોની વીજબચત જ હજાર કરોડ રૂપિયાએ પહોંચી જશે તેમ મનાય છે. આ બચત તેમની આવકમાં રૂપાંતર પામશે, કારણ કે યાત્રાધામ વધારાની વીજળી ગ્રિડમાં નાખીને આવક ઊભી કરી શકશે.
આ રીતે વધારાની વીજળીનું ઉત્પાદન થતાં અંતરિયાળ વિસ્તારોમાં પણ સસ્તી વીજળી પૂરી પાડવામાં મદદ મળશે. તેની સાથે વીજ ગ્રાહકો પર પણ મોઘી વીજળીનો બોજો નહી આવે. સરકાર આ જ રીતે રાજ્યના મોટા શહેરોમાં પણ રુફટોપ વીજળીને પ્રોત્સાહન આપી રહી છે. આ ઉપરાંત આગામી સમયગાળામાં સરકારની મોટાભાગની ઓફિસોમાં પણ રુફટોપ પેનલ લગાવવાનું સરકારનું ધ્યેય છે. તેની સાથે-સાથે નર્મદાની નહેર પર પણ સોલર પેનલ લગાવવા અંગે વિચારણા થઈ રહી છે. આગામી સમયમાં સરકાર આ રીતે વિવિધ સ્થળોને સોલર પેનલ દ્વારા આવરી લેવાનું આયોજન ધરાવે છે.