જાણો ભારતના એક ગામ વિશે જે ફૂટબોલની રમત માટે છે ખાસ

| Updated: May 31, 2022 5:24 pm

ઉત્તરપ્રદેશના મેરઠ નજીક આવેલું સીસોલા ગામ દેશના ફૂટબોલ નકશામાં મહત્વનું સ્થાન ધરાવે છે. ના, આ ગામે દેશને મોટી સંખ્યામાં ફૂટબોલરો નથી આપ્યા, પણ એટલા માટે કે આ આખું ગામ ફૂટબોલ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલું છે. ગામની કોઇ પણ શેરીમાં જાવ, તમને એક જ દ્રશ્ય જોવા મળે….સૂયા સાથે રમતી આંગળીઓ જોત જોતામાં ચામડાના 32 ટુકડાઓને જોડીને ફૂટબોલમાં ફેરવી દે છે.

ગામના ૧૮૦૦ જેટલાં કુટુંબો પૈકી ૧૫૦૦ કુટુંબો ફૂટબોલ બનાવવાના નાના-મોટા વ્યવસાય સાથે જોડાઈને આત્મનિર્ભર બન્યાં છે. એક ફૂટબોલ સીવવા માટે 15 રૂપિયા મહેનતાણું મળે છે અને સરેરાશ રોજના 500 રુપિયા એક કારીગરને મળી રહે છે એટલે પુરૂષોની સાથે સાથે મહિલાઓ પણ ઘરના કામકાજ પતાવ્યા બાદ ફૂટબોલ સીવવાના કામમાં લાગી જાય છે.

સીસોલાના યુવાનો સામાન્ય કે નાની નોકરી માટે ગામ છોડતા નથી, એને બદલે તેઓ અહીં ફૂટબોલના કામમાં જોડાઈ જાય છે. કેટલાક ફૂટબોલ બનાવવાનું નાનું યુનિટ શરૂ કરે છે, તો કેટલાક કારીગરનું કામ કરે છે.

લગભગ ચાર દાયકા પહેલાં અહીંના એક ગ્રામીણ ધનીરામ ફૂટબોલ સીવવાનું શીખીને મેરઠથી આવ્યા અને અહીં કામ શરૂ કર્યું. એમનું જોઈને બીજા પણ થોડા લોકોએ આ કામ શરુ કર્યું અને પછી તો એમની કમાણી જોઈને, થોડા વર્ષોમાં ગામના મોટા ભાગના પરિવારો તેમાં જોડાયા.

શહેરમાંથી કાચો માલ લાવીને તેનું કટિંગ, સિલાઈ અને ફિનિશિંગનું કામ અહીં થાય છે. સીસોલામાં તૈયાર થયેલા ફૂટબોલ આજે દેશના મોટા ભાગના બજારોમાં વેચાય છે. અહીંના ફૂટબોલનું ફિનિશિંગ અને મજબૂત દોરા એની ખાસિયત છે.

દુનિયા આખી જ્યારે લોકડાઉનના સમયમાં રોજગારી માટે વલખાં મારતી હતી ત્યારે પણ અહીં કોઈને કામની કમી પડી નહોતી.
મઝાની વાત તો એ છે કે, આ ગામની દિકરીઓ પણ આ હુન્નર જાણે છે એટલે પરણીને જ્યાં જાય ત્યાં પણ કામ ચાલુ રાખે છે અને બીજાને શીખવે છે, આથી હવે અન્ય ગામોમાં પણ આ પ્રવૃત્તિનો વ્યાપ વધતો જાય છે.

અહેવાલ: આશિષ ખરોડ

Your email address will not be published.