હીટવેવ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય?

| Updated: April 30, 2022 3:23 pm

ભારતમાં અત્યારે કાળઝાળ ગરમી એટલે કે હીટવેવનો પ્રકોપ છે. ત્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વીજ કટોકટીનો સામનો કરી રહ્યા છે. ગુરુવારે, દેશમાં સૌથી વધુ વીજ માંગ ઉભી થઈ હતી અથવા એક દિવસમાં વીજ પુરવઠો 204.65 ગીગાવોટની અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો.

ભારતમાં ગરમી વધી છે અને ગુરુવારે અનેક સ્થળોએ પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત અને ત્રણ દિવસ સુધી પૂર્વ ભારતમાં હીટવેવનો પ્રકોપ ચાલુ રહેશે.

આઇએમડીએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે અને ત્યારબાદ કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. આઇએમડીએ રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
અહીં હીટવેવ ને લગતા કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) રજુ કરાયા છે.

હીટવેવ એટલે શું?
આઇએમડીના જણાવ્યા અનુસાર, હીટવેવ એ હવાના તાપમાનની સ્થિતિ છે, જેનાં સંપર્કમાં આવવાથી કયારેક તે આપણાં માટે જીવલેણ બની જાય છે. હીટવેવને વાસ્તવિક તાપમાન અથવા કોઈ વિસ્તારનાં સામાન્ય તાપમાનમાં થતાં વધારાના આધારે નક્કી કરવામાં આવે છે.
હીટવેવ કયારે જાહેર કરાય છે?
જો કોઇ મેદાની પ્રદેશનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેન્ટિગ્રેડ અથવા તેથી વધુ અને પર્વતીય પ્રદેશો માટે 30 ડિગ્રી સેન્ટિગ્રેડ અથવા તેથી ઉપર જાય ત્યારે હીટવેવ ગણાય છે.
ભારતમાં હીટવેવનો સમયગાળો
ભારતમાં માર્ચથી જૂન દરમિયાન હીટવેવની સ્થિતિ સર્જાય છે. પરંતુ જવલ્લે જ જોવા મળતા કિસ્સાઓમાં જુલાઈમાં હીટવેવ પણ આવી શકે છે.આઇએમડીના જણાવ્યા અનુસાર દેશમાં મે મહિનામાં સૌથી વધુ હીટવેવ હોય છે.
 હિટવેવની શક્યતા ધરાવતા રાજ્યો
 દેશના હીટવેવગ્રસ્ત રાજ્યોમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રના કેટલાક ભાગો,કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. કેરળ અને તમિલનાડુમાં પણ ક્યારેક હીટવેવનો અનુભવ થાય છે.
આઇએમડી હીટવેવ કેવી રીતે મોનિટર કરે છે?
આઇએમડીનાં જણાવ્યા મુજબ તાપમાન, ભેજ, દબાણ જેવા હવામાનના પરિમાણો માપવા માટે તેની પાસે દેશવ્યાપી વેધશાળાઓનું મોટું નેટવર્ક છે.
રોજેરોજનાં મહત્તમ તાપમાનના ડેટાના આધારે, 1981-2010 દરમિયાનનાં મહત્તમ તાપમાનની ક્લાઇમેટોલોજી તૈયાર કરવામાં આવે છે, જેથી ચોક્કસ સ્ટેશન માટે દિવસનું સામાન્ય મહત્તમ તાપમાન શોધી શકાય. ત્યારબાદ, આઇએમડી તેની વ્યાખ્યા મુજબ જે તે વિસ્તારમાં હીટવેવ જાહેર કરે છે.

હીટવેવથી કેવી રીતે બચવું?
> તરસ ન લાગી હોય તો પણ શક્ય એટલું વધુ પાણી પીવો.
> ખાસ કરીને બપોરે 12થી 3 વચ્ચે તડકામાં બહાર જવાનું ટાળો.
> જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે સખત શારીરિક પ્રવૃત્તિઓ ટાળો.
> હળવા, આછા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરો.
> શરીરને ડિહાઇડ્રેટ કરતાં આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળો.
> તમારા ઘરને ઠંડુ રાખો, રાત્રે પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરો અને બારીઓ ખુલ્લી રાખો
> પંખા અને ભીના કપડાંનો ઉપયોગ કરો અને વારંવાર ઠંડા પાણીથી સ્નાન કરો.

Your email address will not be published.