જાણો નંદન નીલેકણીના પ્રોજેક્ટ અંગે જે એમેઝોન,વોલમાર્ટને આપશે ટક્કર

| Updated: April 29, 2022 1:27 pm

તેઓ સોફ્ટવેર પાવરહાઉસ ઇન્ફોસિસ લિમિટેડનાં કો-ફાઉન્ડર હતા, અબજોપતિ બન્યા અને ભારતના લગભગ 1.4  અબજ લોકો માટે બાયોમેટ્રિક ઓળખ આપવાનાં એક મોટા સરકારી પ્રોજેકટને પમ સફળતાપુર્વક પાર પાડ્યો હતો.

હવે 66 વર્ષીય નંદન નીલેકણીનું વધુ એક મહત્વાકાંક્ષી લક્ષ્ય પર કામ કરી રહ્યા છે. તેઓ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ઓપન ટેક્નોલોજી નેટવર્ક ઊભું કરવામાં મદદ કરી રહ્યા છે, જે દેશના ઝડપથી વિકસતા 1  ટ્રિલિયન ડોલરના રિટેલ માર્કેટમાં નાના વેપારીઓ માટે સમાન તકો ઉભી કરવા માગે છે.

તેનો હેતુ એવી ઓનલાઇન સિસ્ટમ ઊભી કરવાનો છે, જ્યાં વેપારીઓ અને ગ્રાહકો 23-સેન્ટનાં ડિટર્જન્ટ બારથી માંડીને 1,800 ડોલરની એરલાઇન ટિકિટો સુધીની તમામ ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણ કરી શકે તે છે. જોકે તેનો ખરો ઉદ્દેશ એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટને અંકુશમાં રાખવાનો છે, જેના ઓનલાઇન વર્ચસ્વનાં કારણે નાના વેપારીઓ અને લાખો સ્થાનિક સ્ટોર્સ ડરી રહ્યા છે જેને કિરાણા કહેવામાં આવે છે, આ દુકાનદારો દેશની રિટેલ માર્કેટની કરોડરજ્જુ સમાન છે.

આ બંને જાયન્ટ કંપનીઓએ ભારતમાં 24 અબજ ડોલરનું ભંડોળ ઠાલવ્યું હતું અને આક્રમક ડિસ્કાઉન્ટ અને પસંદગીના સેલર્સને પ્રમોટ કરીને ઓનલાઇન રિટેલ બજારના 80 ટકા હિસ્સા પર કબજો જમાવ્યો છે, ત્યારે કિરાણાની દુકાનો તેનાં ભવિષ્ય અંગે ચિંતિત છે. રિટેલ બજારમાં જોકે ઓનલાઇન વેપારનો હિસ્સો માત્ર 6 ટકા હોવા છતાં, નાના દુકાનદારોને ચિંતા છે કે ભવિષ્યમાં તેમનો ધંધો છીનવાઇ જશે, જેવું યુ.એસ. અને અન્ય સ્થળોએ થયું છે.
સરકાર હવે દરેક માટે તેની પોતાની ઇ-કોમર્સ ઇકોસિસ્ટમ બનાવશે, જે એમેઝોન જેવી કંપનીઓની વર્ચસ્વને ઓછું કરી શકે, જે નક્કી કરે છે કે કઈ બ્રાન્ડ્સ તેના મુખ્ય ગ્રાહકો સુધી કઇ શરતો પર પહોંચે છે.

નીલેકણીએ તાજેતરમાં બેંગ્લોરના કોરમંગલા કે જે દેશના કેટલાક ટોચના ટેક ટાયકૂન્સનું ઘર છે તે વિસ્તારમાં આવેલી તેમની ખાનગી ઓફિસમાં એક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ એવો વિચાર છે જેનો સમય આવી ગયો છે, છે. ડિજિટલ કોમર્સમાં જોડાવાનો સરળ માર્ગ બતાવવા માટે અમે લાખો નાના વિક્રેતાઓના ઋણી છીએ.

પાંચ શહેરોમાં પસંદગીના યુઝર્સ માટે માટે આવતા મહિને સરકારનાં આ નોન-પ્રોફિટ નેટવર્કનો પાઇલટ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ અને સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતના ધિરાણકારોએ આ કંપનીમાં હિસ્સો ખરીદ્યો છે. એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ તેમની કોઇ ભૂમિકા છે કે કેમ તે જોવા માટે મોડેલને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફ્લિપકાર્ટે આ અંગે ટિપ્પણી કરી ન હતી.

ભારત હવે કેટલીક મોટી વૈશ્વિક રિટેલ કંપનીઓ માટે યુદ્ધનું મેદાન બની ગયું છે જે ચીનમાં બંધ થઇ છે અથવા તો ત્યાંના સ્થાનિક હરીફો સાથે સ્પર્ધા માટે સંઘર્ષ કરી રહી છે. લગભગ 800 મિલિયન સ્માર્ટફોન વપરાશકર્તાઓ ધરાવતા ભારતમાં ગૂગલ, મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક. અને અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી સ્વદેશી સહિતની ઘણી કંપનીઓ મેદાનમાં છે.

નીલેકણીએ અગાઉ સરકારને આધાર બાયોમેટ્રિક આઇડી સિસ્ટમ વિકસાવવામાં મદદ કરી હતી, જે લગભગ યુ.એસ. સોશિયલ સિકયોરિટી પ્રોગ્રામ જેવી છે. આજે મોટાભાગના ભારતીયો માટે, તે તેમની ઓળખ અને અસ્તિત્વનો પ્રથમ પુરાવો છે. અધિકારીઓનું કહેવું છે કે તે છેતરપિંડી ઘટાડવામાં મદદ કરે છે અને તેના કારણે કલ્યાણકારી યોજનાનાં નાણાં યોગ્ય લોકો સુધી પહોંચે છે. નીલેકણીએ યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ અથવા યુપીઆઇ તરીકે ઓળખાતી પેમેન્ટ બેકબોન રજૂ કરવામાં પણ મદદ કરી હતી. જેનો ઉપયોગ ગુગલ અને વોટ્સએપ પણ કરે છે. ગયા મહિને યુપીઆઇથી થતું ટ્રાન્ઝેક્શન 5 અબજને વટાવી ગયું હતું.  

ગયા ઉનાળામાં ઓએનડીસીના સલાહકાર તરીકે નિયુક્ત નીલેકણી હવે ઇ-કોમર્સ માટે તે કરવા માંગે છે જે તેમણે યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ માટે કર્યું હતું. પરંતુ તેમનો સૌથી મોટો પડકાર એ જોવાનું છે કે નેટવર્ક તેનો હેતુ સિધ્ધ કરે. એમેઝોન અને ફ્લિપકાર્ટે બજારમાં પ્રભુત્વ જમાવ્યું છે કારણ કે તેમની ટેકનિક વેપારીઓ અને ગ્રાહકોને તેમના પ્લેટફોર્મ પર આકર્ષે  છે.

 રેડસીર મેનેજમેન્ટ કન્સલ્ટિંગ પ્રા.લિ.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અનિલ કુમારે જણાવ્યું હતું કે, આવા ઇ-કોમર્સ પ્લેટફોર્મનો મુકાબલો કરવા સરકારે તેના જેવું અથવા વધુ સારું કંઈક બનાવવાની જરૂર છે.ખાસ કરીને પડકાર ગ્રાહકો અને વેચાણકર્તાઓ માટે વળતર અને રિફંડને વધુ વિશ્વસનીય અને સરળ બનાવવાનો અને એક ઓપન નેટવર્ક બનાવવાનું છે જ્યાં દરેકને સંતોષ થાય છે.

નીલકણી પર આધારકાર્ડ જેવા વિવાદો ન થાય તે જોવાનું પણ દબાણ રહેશે. આધાર ડેટાની પ્રાઇવેસી, સિકયોરિટી અને ઓળખ સંબંધિત ચિંતાઓને લઈને ચર્ચામાં છે. ભારતની સુપ્રીમ કોર્ટ હાલમાં યુપીઆઈ સાથે જોડાયેલા એક મામલાની તપાસ કરી રહી છે, જયાં એમેઝોન, ગૂગલ અને મેટાના વોટ્સએપ પર કથિત રીતે નિયમોનું ઉલ્લંઘન કર્યા વિના સિસ્ટમમાં જોડાવાનો આરોપ મુકાયો હતો.

જો તેમાં સફળતા મળશે તો ઇ-કોમર્સ ગ્રિડ લાખો નાના વેપારીઓને ઓનલાઇન થવામાં મદદ કરી શકે છે. વિશ્વભરના દેશો ટેક પ્લેટફોર્મના ડેટા પરનાં એકાધિકારને અંકુશમાં લેવા માટે આગળ વધી રહ્યા છે, ત્યારે નેટવર્ક પણ ટેમ્પલેટ તરીકે સેવા આપી શકે છે.

આ નેટવર્કને અજમાવવા માટે ઉત્સુક લોકોમાં બેંગ્લોરમાં બેબી-પ્રોડક્ટ્સ ચેઇનના પાંચ સ્ટોર ધરાવતાં 42 વર્ષીય કૌસર ચેરુવાન્થોડીનો પણ સમાવેશ થાય છે. તેમણે ક્યારેય ઓનલાઇન વેચાણ કર્યું નથી. રોગચાળા વખતે તેમનાં વેચાણમાં 30 ટકાનો ઘટાડો થયો હતો.

ચેરુવેન્થોડીએ જણાવ્યું હતું કે, ઓએનડીસી આ ગેમ ચેન્જ કરી શકે છે.હું એમેઝોન અને અન્ય લોકો સામે લડવા માટે તૈયાર છું. ડિસ્કાઉન્ટ માટે ડિસ્કાઉન્ટ. પાલો અલ્ટો સ્થિત વેન્ચર કેપિટલ ફર્મ જનરલ કેટેલિસ્ટના મેનેજિંગ પાર્ટનર હેમંત તનેજાએ જણાવ્યું હતું કે, પડકારો છતાં નિલેકણી આ કામ માટે યોગ્ય વ્યક્તિ છે. તનેજાએ જણાવ્યું હતું કે, નંદન તમામ પાસાઓનો અભ્યાસ કરીને ટકી શકે તેવી સિસ્ટમ્સ ઉભી કરવા માટે જાણીતા છે.

કુમાર વેમ્બુ જેવા ઉદ્યોગસાહસિકો ઓપન મોડેલની સંભાવનાઓથી ઉત્સાહિત છે. તેમનું સ્ટાર્ટઅપ ગોફ્રાગલ 30,000થી વધુ નાના વેપારીઓ અને ક્વિક-સર્વિસ રેસ્ટોરાંને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પૂરું પાડે છે. વેમ્બુએ કહ્યું કે,અત્યાર સુધી, નાના રિટેલરો બંદૂક સામેની લડાઇ છરીથી લડતાં હતા. હવે, આપણે તેમને સ્પર્ધા માટે તૈયાર કરી શકીએ છીએ.

અર્ન્સ્ટ એન્ડ યંગના ભૂતપૂર્વ સિનિયર પાર્ટનર સીઇઓ થમ્પી કોશીએ જણાવ્યું હતું કે, ઓપન નેટવર્ક આગામી મહિનાઓમાં 100 શહેરોમાં શરુ થઇ રહ્યું છે.

આધારને પ્લેટફોર્મ પર એક અબજ લોકો સુધી પહોંચવામાં નવ વર્ષ લાગ્યાં હતાં, જ્યારે યુપીઆઈને 4 અબજ મન્થલી ટ્રાન્ઝેકશનને પાર કરવામાં પાંચ વર્ષ લાગ્યાં હતાં. નીલેકણીએ જણાવ્યું હતું કે તેઓ આશાવાદી છે કે ઓએનડીસી ખૂબ જ ઝડપથી રોલ થશે કારણ કે ભારત હવે આ રસ્તા પર આવી ગયું છે. તેમણે કહ્યું કે,અમે નવી પ્રણાલી તૈયાર કરી રહ્યા છીએ અને તેનું લક્ષ્ય ઇ-કોમર્સ ગેમના નિયમોમાં ફેરફાર કરવાનું છે.

Your email address will not be published.