AMCમાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણનું નામ સૌથી આગળ

| Updated: June 26, 2021 9:50 pm

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીના 4 મહિના કરતા વધારે સમય પછી પણ વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર ન કરી શકેલી કોંગ્રેસ હવે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણનું નામ વિપક્ષના નેતા તરીકે જાહેર કરે તેવી શક્યતા છે. 32 વર્ષીય શહેઝાદ ત્રીજી વખત કોર્પોરેટર બન્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ વાતની પુષ્ટિ કરી છે. કોંગ્રેસના અન્ય નેતાઓ પણ શહેઝાદ ખાન પઠાનના નામ સાથે  સહમત હોય તેમ જણાય છે. આંતરિક સૂત્રો મુજબ પાર્ટીના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને ઈમરાન ખેડાવાલા સહીતના નેતાઓનું શહેઝાદ ખાન પઠાનને સર્મથન છે. કમલા બેન ચાવડા, નિરવ બક્ષી અને ઇકબાલ શેખ પણ વિરોધ પક્ષના નેતા તરીકેના દાવેદારો ગણાય છે, પણ શહેઝાદ ખાન પઠાનનો દાવો સૌથી વધુ મજબુત છે.

કોણ છે શહેઝાદ ખાન પઠાણ?

શહેઝાદ ખાન માત્ર 21 વર્ષની વયે પહેલી વખત કોર્પોરેટર બન્યા હતા. તેમણે ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે અને દાણીલીમડા વિસ્તારમાંથી ત્રીજી વખત કોર્પોરેટર તરીકે ચૂંટણી જીત્યા છે. દેશમાં સીએએ વિરોધી પ્રદર્શનો વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ જેલમાંથી મ્યુનિસિપલ બોર્ડની મિટિંગ ભરવા ગયા હતા. આ વખતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં તેમણે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈશીના વખાણ કર્યા હતા. ઔવેશીએ શહેઝાદ ખાન વિરૂદ્ધ કોઈ પણ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો.

Your email address will not be published. Required fields are marked *