ગુજરાતમાં વરસાદની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે અમદાવાદમાં પણ ગઈકાલે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે ચોમાસા દરમિયાન ઝાડ પડવાની અને પાણી ભરાવવાની ફરિયાદો સૌથી વધારે જોવા મળતી હોય છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 22 કંટ્રોલરુમ ઉભા કરાયા છે. તંત્ર દ્વારા નંબર કંટ્રોલ રુમનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ચોમાસામાં ભારે પવન સાથે વરસાદ પડતા ઘણા વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થઈ જતા હોય છે. જેને ધ્યાનમાં રાખી શહેરના અલગ અલગ જગ્યા પર કંટ્રોલરુમ ઉભા કરવામાં આવ્યા છે. બગીચા ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ કંટ્રોલરૂમમાં કાર્યરત રહે છે. સાતેય ઝોનમાં બગીચા ખાતા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવે છે.
આ સાથે ફાયર બ્રિગેડનો કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે અલગથી એસ.ટી.પી કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ સહિતના વિવિધ પ્રશ્નો અને મુશ્કેલીઓ દૂર કરવા માટે આ કંટ્રોલરૂમ આગામી ત્રણ મહિના સુધી એટલે કે ઓક્ટોબર મહિના સુધી કાર્યરત રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા એ આજે વોટર સપ્લાય વિભાગના અધિકારીઓ તેમજ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ સાથે પાલડી ટાગોર હોલ ખાતે કાર્યરત મોન્સુન કંટ્રોલ રૂમની મુલાકાત લઈ કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી.