અમદાવાદમાં રોડ, રસ્તા સહિત અન્ય સમસ્યાઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નંબર જાહેર કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ નંબર 7567855303 જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકો આ નંબર પર તેમની તમામ ફરિયાદો નોંધાવી શકશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નગરિકોની તમામ ફરિયાદો માટે નંબર જાહેર કર્યો છે. આ નંબર પર પહેલા તમારે વોટ્સએપમાં Hi લખી અને મેસેજ કરવાનો રહેશે. મેસેજ કરતાની સાથે જ વોટ્સએપ ચેટબોટ દ્વારા જવાબ આપવામાં આવશે. જેમાં ભાષાનું ઓપ્શન આપવામાં આવશે. જે પણ ભાષામાં વાત કરવી હોય તેને લખવાની રહેશે. ભાષા લખ્યા બાદ તેમાં ફરિયાદ નોંધાવો, મારી ફરિયાદની સ્થિતિ અને ફરિયાદ ફરીથી ખોલો તેના ઓપ્શન આપવામાં આવશે. તેમાં જે પણ સિલેક્ટ કરવું હોય તેને લખ્યા બાદ તેમાં જે પણ માહિતી માંગવામાં આવે તે આપવાની રહેશે.
જો કોઈ પણ નાગરિક ફરિયાદ નોંધાવવા માંગતો હોય તો તેને ફરિયાદ નોંધાવો લખશે, એટલે સામેથી તેને કયા પ્રકારની ફરિયાદ નોંધાવી છે. તેનું આખું લિસ્ટ આપવામાં આવશે. તેમાં રોડ, પાણી, ગટર, કચરા, લાઈટ, આરોગ્ય, રખડતા ઢોર અને બગીચા જેવા ઓપ્શન આપવામાં આવશે. તેમાંથી જે પણ ફરિયાદ હોય તે લખવાની રહેશે. ત્યારબાદ તેમાં તમામ વોર્ડ પૂછવામાં આવશે. નાગરિક જે પણ વોર્ડમાં રહેતો હોય તે વોર્ડ લખવાનો રહેશે. ત્યારબાદ નાગરિકને તેનું નામ સરનામું મોબાઈલ નંબર પૂછવામાં આવશે, જે માહિતી આપવાની રહેશે. આ તમામ માહિતી આપ્યા બાદ તેની ફરિયાદ નોંધાઈ જશે અને તેને ટોકન નંબર આપવામાં આવશે.