અમદાવાદની ડીપીએસ સ્કૂલને પ્રાથમિક શાળાની મંજૂરી ન મળી: વિમાસણમાં વાલીઓ

| Updated: August 28, 2021 5:55 pm

અમદાવાદની ડીપીએસ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે મુદ્દો બાળકોના ભવિષ્ય સાથે જોડાએલો છે. ડીપીએસ ઈસ્ટ સ્કૂલને સરકાર તરફથી પ્રાથમિક શાળાની મંજૂરી ન મળતા ધોરણ 1 થી 8 ના વાલીઓને એલ.સી. લઈ જવા સૂચના આપી છે. જો કે, હંમેશા પોતાની મનમાની ચલાવતી ડીપીએસે જે વિદ્યાર્થીની અગાઉના વર્ષની ફી બાકી હોય તેમને એલસી આપવાનો ઈનકાર કરી દેતા આ મામલો બિચક્યો છે. 

અવારનવાર વિવાદોમાં રહેતી ડીપીએસ સ્કૂલને પ્રાથમિક શાળાની મંજૂરી ન મળી હોવાની અચાનક જાણ થતા એક તરફ સેંકડો વાલીઓની સ્થિતી કફોડી બની છે. તેમાંય જ્યારે સ્કૂલે એલ.સી આપવાની મનાઈ ફરમાવી ત્યારે પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. જો કે આ મામલે ડીઈઓને રજૂઆત કરતા અન્ય સ્કૂલમાં પ્રવેશ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામા આવી હતી.

હવે ડીપીએસ-ઈસ્ટ સ્કૂલને આખરે બંધ કરવામાં આવશે. આ નિર્ણયના પગલે પ્રાથમિક ધોરણમાં અભ્યાસ કરતા બાળકોના 300થી વધુ વાલીઓને રાતોરાત સ્કૂલ બદલવાની ફરજ પડી છે.   

 ડીપીએસે વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી છે. સરકારે મંજૂરી ન આપી હોવા છતાં સ્કૂલે પ્રાઈમરી કક્ષાના વિદ્યાર્થીઓને એડમિશન શું કામ આપ્યું તે મોટો સવાલ છે. જો કે આ મામલે ડીપીએસ મેનેજમેન્ટે સરકારી પ્રસાશન સામે વળતી ફરિયાદ કરી છે. ડીપીએસ સ્કૂલ તરફથી ડીઈઓ દ્વારા સ્કૂલ બંધ કરવા માટે ધમકી અપાતી હોવાની ફરિયાદો ઉઠાવવામાં આવી છે. 

સરકારી નિયમ મુજબ જ્યાં સુધી અપીલ પેન્ડિંગ હોય અને સ્કૂલની માન્યતા ન હોય તો સ્કૂલ શરૂ કરી શકાય નહીં, તેવા સંજોગોમાં ડીપીએસ સરકારી તંત્રને થાપ આપી અત્યાર સુધી એડમિશન આપીતી રહી છે. આ એક માત્ર કિસ્સો નથી જ્યારે ડીપીએસે નિયમોનો ભંગ કરી પોતાની મનમાની કરી હોય. છેલ્લા કેટલાક સમયથી ડીપીએસ-ઈસ્ટ પર લગાવાએલા કેટલાક ગંભીર આરોપો અને દંડ પર નજર કરીએ તો.

અમદાવાદની ડીપીએસ- ઈસ્ટ સ્કૂલ પર આરોપો/દંડ

·        હિરાપુર વિસ્તારની ડીપીએસ-ઈસ્ટ સ્કૂલને મંજૂરી વિના પ્રાથમિક વિભાગ ચલાવવા બદલ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ₹.1 લાખનો દંડ. 

·        નિત્યાનંદ કાંડ તેમજ બોગસ એનઓસી(NOC) ઉભી કરી શિક્ષણ વિભાગ સાથે છેતરપીંડી કરનાર ડીપીએસ-ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવી અને સ્કૂલને ₹.50 લાખનો દંડ 

·        વર્ષ-2020-21 થી ડીપીઈઓના 2 ફેબ્રુઆરી, 2020 અને પ્રાથમિક શિક્ષણ નિયામકના 22 મે, 2020ના પત્રથી આ સ્કૂલ  નામંજૂર કરવામાં આવી હતી.

·        સ્કૂલની મંજુરી માટે મેનેજમેન્ટ શિક્ષણ વિભાગની અપીલ મહિનાઓથી પેન્ડિંગ હોવા છતાં એડમિશન આપાયુ. 

·        અમદાવાદ ડીપીઈઓ દ્વારા આરટીઈ એક્ટ-2009 નિયમ-18ના ઉલ્લંઘન બદલ સ્કૂલને ₹.1 લાખનો દંડ 

·        ડીઈઓ અમદાવાદ ગ્રામ્યએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972 કલમ-42 ના ઉલ્લંઘન બદલ ₹.૨ લાખનો દંડ 

સવાલ એ છે કે, મંજૂરી વગર એડમિશન અપાઈ રહ્યા હતા ત્યારે ડીપીઈઓ અને ગ્રામ્ય ડીઈઓએ દ્વારા સ્કૂલ સામે તાત્કાલિક પગલા લેવામાં કેમ ન આવ્યા?  જો પ્રશાસન તે સમયે પુરતી કાર્યવાહી કરી હોત તો, આજે વિદ્યાર્થીઓ અને વાલીઓની જે હાલાકી સર્જાઈ રહી છે તે કદાચ ન થઈ હોત!

Your email address will not be published. Required fields are marked *