ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ બુધવારના રોજ ટ્વિટર પર યાસીન મલિકના 2017ના ટેરર ફંડિંગ કેસના ચુકાદા બાદ ભારતની ટીકા કરી હતી. જેની સામે ભારતીય સ્પિનર અમિત મિશ્રાએ ટ્વિટરના મેદાન પર જઈને શાહિદ આફ્રિદીને ક્લીન બોલ્ડ કર્યો હતો.
જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) નેતા યાસીન મલિકને બુધવારે ટેરર ફંડિંગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ચુકાદા બાદ તરત જ, ઘણા પાકિસ્તાની નેતાઓ મલિક સાથે એકતા દર્શાવી હટી અને દિલ્લી કોર્ટ દ્વારા અપાયેલી સજાની નિંદા કરી હતી.
આ દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ ચુકાદાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, આ ચુકાદો ભારતના માનવાધિકાર ઉલ્લંઘન સામે ઉઠતી અવાજને શાંત કરવાનો પ્રયાસ છે. જોકે થોડી જ વારમાં તેને ટ્વિટર પર ભારતીય સ્પિનર અમિત મિશ્રા દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો.
શાહિદ આફ્રિદીએ પાકિસ્તાની ધ્વજ સાથેના તેમના ફોટા સાથે ટ્વિટ કર્યું હતું કે, “ભારતના તેના સ્પષ્ટ માનવ અધિકારના હનન સામેના ટીકાત્મક અવાજોને શાંત કરવાના સતત પ્રયાસો નિરર્થક છે. યાસીન મલિક સામેના બનાવટી આરોપો કાશ્મીરની આઝાદીની લડતને રોકી શકશે નહીં. કાશ્મીરના નેતાઓ સામે અન્યાયી અને ગેરકાયદેસર પગલાંની નોંધ લેવા માટે યુએનને વિનંતી કરું છું.”
આ ટ્વીટનો વળતા પ્રહાર કરતા અમિત મિશ્રા ટ્વીટ કરતાં કહ્યું કે, બધું જ તેની (શાહિદ આફ્રિદીની) જન્મતારીખ જેટલું ગેરમાર્ગી ન હોય.
અમિત મિશ્રાએ ટ્વીટ કર્યું કે, “પ્રિય @safridiofficial, તેણે પોતે રેકોર્ડ પર કોર્ટમાં પોતાને દોષીત કબૂલ્યો છે. બધું તમારી જન્મતારીખની જેમ ગેરમાર્ગી ન હોઈ શકે.”
આ પણ વાંચો: ફાંસીથી બચ્યો યાસીન, NIA કોર્ટે મલિકને આજીવન કેદની સજા ફટકારી