અમિત શાહ રાજસ્થાનમાં વસુંધરા રાજેનું પત્તુ કાપવામાં સફળઃ આગામી ચૂંટણી મોદીના નામે લડાશે

| Updated: May 23, 2022 12:39 pm

જયપુરઃ રાજસ્થાનમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના ચાણક્ય વસુંધરા રાજેનું પત્તુ કાપવામાં સફળ થયા છે. આના પગલે રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજે પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવારનો સત્તાવાર ચહેરો નહી હોય, એવી જાહેરાત ભાજપે કરી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાએ જાહેરાત કરી છે કે ભાજપ આગામી ચૂંટણી વસુંધરા કે બીજા કોઈ સ્થાનિક નેતાના નામે નહી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે લડશે. વાસ્તવમાં રાજસ્થાન ભાજપમાં ચાલતા આંતરિક જૂથવાદના લીધે પક્ષે આ નિર્ણય લેવો પડ્યો છે. ભાજપના આ જૂથવાદની અસર પક્ષની ચૂંટણીની સંભાવના પર ન પડે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

જો કે પક્ષ દ્વારા આ જાહેરાતના લીધે રાજસ્થાન ભાજપમાં ભડકો થવાના એંધાણ છે. વસુંધરા રાજેનો મિજાજ જોતા તે આ પ્રકારની જાહેરાતને સ્વીકારી લે તેવી સંભાવના ઘણી ઓછી છે. હવે તેઓ આગામી સમયમાં કયા પ્રકારના પગલાં ભરે છે તેના પર બધાની નજર રહેશે. તેથી રાજસ્થાન ભાજપમાં સંઘર્ષ નક્કી જ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વસુંધરા રાજેને કદ પ્રમાણે વેતરી નાખીને અમિત શાહ ગજેન્દ્ર શેખાવતને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. બીજી બાજુએ સતીશ પુનિયા પોતે પણ મહત્વાકાંક્ષી છે, પણ હકીકત એ છે કે વસુંધરા રાજેને બાજુએ મૂકી દેવામાં આવે તો પણ રાજસ્થાન ભાજપમાં આંતરિક જૂથવાદ ખતમ નહી થાય.

આ સંજોગોમાં ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણીની વૈતરણી પાર કરવા માટે વડાપ્રધાન મોદી સિવાય કોઈ મોટો આધાર રહ્યો નથી. તેથી આગામી ચૂંટણીમાં ભાજપ મુખ્યમંત્રી પદના ચહેરા વગર જ ઉતરે તેવી પ્રબળ સંભાવના છે. ભાજપનો આંતરિક જૂથવાદ હાલમાં તેને કનડી રહ્યો છે. રાજસ્થાનમાં ભાજપ આ પહેલા પણ પક્ષના નેતાઓની આંતરિક મહત્વાકાંક્ષાઓના લીધે સત્તા ગુમાવી ચૂકી છે. હવે આગામી ચૂંટણીમાં તે આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન કરવા માંગતી નથી.

Your email address will not be published.