ગુજરાતમાં 10,800 કરોડના રોકાણ સાથે ઇલેકટ્રિક વ્હીકલ પ્લાન્ટ સ્થપાશે

| Updated: April 5, 2022 3:31 pm

વર્તમાન નાણાકીય વર્ષમાં 1,200 કરોડના રોકાણ સાથે પ્લાન્ટનો પ્રારંભ થશે

ગાંધીનગરઃ ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં ભુજ ખાતે ટ્રિટોન ઇલેક્ટ્રિક વ્હીકલ દ્વારા 10,800 કરોડના રોકાણ સાથે ઇલેક્ટ્રિક કોમર્સિયલ વ્હીકલ પ્રોડકશન પ્લાન્ટ સ્થપાશે. વર્તમાન નાણાકીય વર્ષ 2022-23માં 1,200 કરોડના રોકાણ સાથે આ પ્લાન્ટનો પ્રારંભ થશે. આ માટે કંપની અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ (મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિેંગ) પર સહીસિક્કા થયા છે. આ પ્લાન્ટ દસ હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડશે.

કંપનીના સ્થાપક અને સીઇઓ હિમાશુ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં આ કરાર કર્યા હતા. ગુજરાત સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ આ સમજૂતીપત્ર પર સહીસિક્કા કર્યા હતા.

ટ્રિટોન ઇલેક્ટ્રિક વ્હીકલ 645 એકર વિસ્તારમાં પથરાયેલા સ્થળમાં વાર્ષિક 50 હજાર ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ કરશે. તેની સાથે ચેસિસ અને કેબિન, રોબોટિક પેઇન્ટ શોપ, ચેસિસ સબ એસેમ્બલી અને ક્વોલિટી એસ્યોરન્સ તથા મટીરિયલ ટેસ્ટિંગ લેબ જેવી ઇનહાઉસ ફેસિલિટીઝ પણ તેઓ ઊભી કરવાના છે.

તે બાબત ઉલ્લેખનીય છે કે ટ્રિટોન ઇલેક્ટ્રિકલ અમેરિકા સ્થિત કંપની છે. કંપની લિથિયમ આયન બેટરી સેલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ કંટ્રોલર્સના ઉત્પાદનમાં વિશેષ નિપુણતા ધરાવે છે. કંપની દ્વારા વિશ્વસ્તરીય સેફ્ટી અને ફંકશનાલિટીઝ સાથે શ્રેષ્ઠ લોંગ રેન્જ ઇલેક્ટ્રિક વ્હીકલ વિકસાવવામાં આવી રહયા છે.

અમેરિકામાં કંપની દ્વારા ઇલેક્ટ્રિક સેમી ટ્રક, એસયુવી, ઇલેક્ટ્રિક સેડાન, ડિફેન્સ ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને ઇલેક્ટ્રિક રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવે છે.

રાજ્ય સરકાર આ પ્લાન્ટની સ્થાપના માટે જરૂરી પરવાનગીઓ, મંજૂરીઓ અને નોંધણી પ્રક્રિયામાં પ્રવર્તમાન નીતિનિયમો મુજબ સહાયક બનશે. સમજૂતીપત્ર પર સહી કરતી વખતે મુખ્યમંત્રીના અધિક સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાની સાથે કંપનીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

Your email address will not be published.