બેન્કે ફક્ત 31 પૈસા માટે ખેડૂતનુ એનઓસી અટકાવ્યુ: હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી

| Updated: April 28, 2022 2:37 pm

50 પૈસાથી નીચે કોઈપણ રકમ બાકી રહેતો હોય તો તેના માટે બેન્કને કશું અટકાવવાનો અધિકાર નથી

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે ફક્ત 31 પૈસા માટે ખેડૂતનું એનઓસી અટકાવનારી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ની આકરી ઝાટકણી કાઢી હતી. ખેડૂતને પાક લોનની ચૂકવણી કર્યા પછી સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે આ લોન સર્ટિફિકેટની જરૂર હતી.

બેન્કે કોર્ટને જણાવ્યું હતું કે ખેડૂતે લોન ચૂકવ્યા પછી હજી પણ 31 પૈસાનો બેન્ક ચાર્જ ચૂકવવાનો અને તે ચૂકવે નહી ત્યાં સુધી તેને એનઓસી કે નો ડ્યુ સર્ટિફિકેટ ન આપી શકીએ. આ અંગે ન્યાયાધીશ ભાર્ગવ કારિયાએ જણાવ્યું હતું કે આ તો હદ થઈ ગઈ. આટલી નાની રકમ માટે નો ડ્યુ સર્ટિફિકેટ જારી ન કરવુ તે કંઈ બેન્કના નિયમોનું પાલન નથી, પણ રીતસરની પજવણી કરવાનો પ્રકાર જ છે.

ન્યાયાધીશ કારિયાએ જણાવ્યું હતું કે શું ફક્ત 31 પૈસા બાકી છે? શું તમને ખબર છે કે 50 પૈસાથી કોઈપણ ઓછી રકમ બાકી હોય તો તેને અવગણાય છે કે ભૂલી જવાય છે. અકળાયેલા ન્યાયાધીશ કારિયાએ જણાવ્યું હતું કે બેન્ક આ મુદ્દે સોગંદનામુ ફાઇલ કરે અને બીજી મેના રોજ તેની વધુ સુનાવણી થશે.

આ કેસમાં રાકેશ વર્મા અને મનોજ વર્માએ ખોરજ ગામમાં શામજીભાઈ પશાભાઈ અને તેમના કુટુંબ પાસેથી જમીન ખરીદી હતી. પશાભાઈના કુટુંબે અગાઉ એસબીઆઇ પાસેથી ક્રોપ લોન લીધી હતી. આ લોન ચૂકવાય તે પહેલા પશાભાઈના કુટુંબે જમીન વેચી દીધી. બેન્કે બાકી નીકળતી રકમ જમીન વેચવામાંથી આવેલી રકમમાંથી વસૂલી અને તેનો આ ચાર્જ રાખતા નવા માલિકોનું નામ રેવન્યુ રેકોર્ડમાં દાખલ ન થઈ શક્યું. જમીન ખરીદનારાઓએ આ ચાર્જ આપવાની ઓફર કરી હતી, જેથી સર્ટિફિકેટ મળે. પણ વાત આગળ ન વધી.

આ બાબત આગળ ન વધતા જમીન ખરીદનારાઓએ હાઇકોર્ટમાં 2020માં કેસ કર્યો. અરજી પડતર હતી ત્યારે લોન પૂરેપૂરી ચૂકવાઈ ગઈ હતી. પણ બેન્ક નો ડ્યુ સર્ટિફિકેટ જારી કરતી ન હતી અને તેના લીધે જમીન ખરીદદારના નામે ટ્રાન્સફર થતી ન હતી. બુધવારે કોર્ટે જણાવ્યું હતું કે જો લોન ચૂકવાઈ ગઈ છે તો પછી બેન્કે તરત જ નો ડ્યુ સર્ટિફિકેટ આપવું જોઈએ. તે સમયે બેન્કે કોર્ટને જણાવ્યું હતું કે હજી તેના 31 પૈસા બાકી છે.

આના લીધે અકળાયેલા ન્યાયાધીશે જણાવ્યું હતું કે એસબીઆઇ રાષ્ટ્રીયકૃત બેન્ક હોવા છતાં લોકોને હેરાન કરે છે. બેન્કને તેની ખબર નથી કે 50 પૈસાથી ઓછી કોઈપણ રકમને ગણવાની નહી.

Your email address will not be published.