પશુઓમાં લમ્પી વાઇરસને લઇને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેરાત

| Updated: July 28, 2022 2:52 pm

રાજ્યના 15 જિલ્લાઓ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર,જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ “નિયંત્રિત વિસ્તાર” તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટીની રચના કરવા ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો છે.
નિયંત્રિત વિસ્તારોમાં પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ ફેલાતો અટકે અને પશુધન સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને લમ્પી સ્કીન ડીસીઝનું નિવારણ અને નિયંત્રણ વધુ ઝડપી અને સુદ્રઢ રીતે થાય તે માટે રાજ્યના 14 જિલ્લાઓને “નિયંત્રિત વિસ્તાર”તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લાકક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટીની રચના કરવામાં આવશે તેમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને “નિયંત્રિત વિસ્તાર” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે પશુઓને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે. નિયંત્રિત વિસ્તારવાળા જિલ્લાઓની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજ્યના પશુધનને સુરક્ષિત કરવા રાજ્ય સરકાર દ્વારા પશુપાલક હિતલક્ષી અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટી સ્થાપવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાનારી સમિતિમાં જિલ્લા વિકાસ અધિકારી, રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ, જિલ્લા પોલીસ વડા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા પશુપાલન અધિકારી/પશુપાલન ખાતાના નાયબ નિયામક, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રાદેશિક પરિવહન અધિકારીનો સમાવેશ કરવામાં આવશે.

આ સમિતિ જિલ્લામાં લમ્પી સ્ક્રીન ડીસીઝના નિયંત્રણ, બચાવ તેમજ સારવાર સબંધિત તમામ કામગીરીનું સંકલન તેમજ મોનીટરીંગ કરશે. આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સારવાર, આઇસોલેશન, વેક્સીનેશન તેમજ આનુષંગિક તમામ કામગીરી સુનિશ્ચિત કરશે. અસરગ્રસ્ત પશુઓની અવરજવર નિયંત્રિત કરવાની તેમજ પશુઓના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ, રખડતા (બિનવારસી) અસરગ્રસ્ત પશુઓની દેખરેખ સહિતની કામગીરી સુનિશ્ચિત કરીને લમ્પી સ્કીન ડીસીઝના સબંધમાં સર્વેલન્સની કામગીરી કરશે તેમ વધુમાં યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Your email address will not be published.