અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાઃ સુરતના રહેવાસીને ઠાર કરાયો

| Updated: July 3, 2022 8:10 pm

ગુજરાતીઓ માટે અમેરિકા વધુને વધુ દોહ્યલુ થતું જાય છે. અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો વણથંભ્યો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી. અમેરિકામાં હજી થોડા સમય પહેલા એક ગુજરાતની હત્યા થઈ હતી તેની શાહી સૂકાઈ નથી ત્યાં વધુ એક ગુજરાતી જગદીશ પટેલની હત્યા થઈ છે.

સુરતના સચિન ખાતે આવેલા લાજપોર ગામના રહેવાસી જગદીશ પટેલની હત્યા કરવામાં આવી છે. જગદીશ પટેલ અમેરિકામાં સાઉથ કેરોલિના ખાતે રહેતા હતા. તેઓ ત્યાં મોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા હતા. ગઇકાલે એક વ્યક્તિએ જગદીશ ભાઈની હોટેલમાં ઘૂસીને ફાયરિંગ કર્યુ હતુ. હત્યારો બે રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ચૂક્યો હતો. આ અંગે મળેલી વિગતો મુજબ આ હત્યારો મોટેલમાં જ રહેતો હતો અને ભાડાના મુદ્દે માથાકૂટ થતા તેણે આ હત્યા કરી હતી. જગદીશ પટેલ શનિવારની રાત્રે મોટેલની ઓફિસમાં બેઠા હતા. તે સમયે મોટેલની રૂમમાં રહેતા શખ્સે જગદીશ પટેલ સાથે ભાડા બાબતે માથાકૂટ કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જગદીશ પટેલને એક ગોળી માથામાં અને બીજી પેટમાં વાગી હતી. મોટેલનો સ્ટાફ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં 30મી જુને તેમનું મોત થયું હતું. આ હત્યાનો આરોપી ડાર્નેલ બ્રાઉન હોટેલમાં બે દિવસથી રહેતો હતો. તે રૂમનું ભાડું ન આપતો હોવાથી માથાકૂટ થઈ હતી. જગદીશ પટેલનું કુટુંબ 2007માં અમેરિકામાં સ્થાયી થયું હતું. તેમનો પુત્ર અને વહુ અમેરિકાના શિકાગોમાં ડોક્ટર છે.

આમ અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો વણથંભ્યો સિલસિલો જારી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે ગુજરાતીઓની હત્યા થઈ તે મોટાભાગના મોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. કોઈપણ નોકરિયાત ગુજરાતનીની હત્યા થઈ હોય તેવું ભાગ્યે જ બન્યું છે. હજી થોડા સમય પહેલા જ ઉત્તર ગુજરાતના પ્રયેશ પટેલની પણ આ જ રીતે હત્યા થઈ હતી. વર્જિનિયાના ન્યુપોર્ટમાં તેમની હત્યા કરવામાં આવી હતી. તેઓ આણંદના સોજિત્રાના વતની હતા. તેમની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હતી.

આ પહેલા પણ મોટેલ ઉદ્યોગ સાથે જોડાયેલા ગુજરાતીઓની જ હત્યા થઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મોટાભાગની હત્યા પણ થઈ તેમાં દર વખતે અજાણ્યો હુમલાખોર જ હોય છે. આના લીધે હવે અમેરિકાના ગુજરાતીઓને પણ લાગવા માંડ્યું છે કે આ ક્યાંક ટાર્ગેટ કિલિંગ તો નથીને. બીજા શબ્દોમાં કહીએ તો હત્યારાઓના નિશાના પર મોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતીઓ જ છે. બીજા ક્ષેત્રના ગુજરાતીઓની હત્યા ભાગ્યે જ થઈ છે. આજે અમેરિકાના મોટેલ ઉદ્યોગ પર ગુજરાતીઓનો કબ્જો મનાય છે. તેમા પણ ગુજરાતીઓમાં ખાસ કરીને પટેલનું પ્રભુત્વ મનાય છે. આજે મોટેલ અને પટેલ એકબીજાનો પર્યાય બની ગયા છે. આ સંજોગોમાં આ રીતે થતી તેમની હત્યા એક રીતે ઉદ્યોગ પરના તેમના પ્રભુત્વને ખતમ કરવાનો પ્રયાસ છે કે શુ. આ દિશામાં પણ વિચારવાનો સમય પાકી ગયો છે. એક બે હત્યાઓ થઈ હોય તો માની શકાય કે હત્યારાઓ દ્વારા આ હત્યા થઈ છે. પણ ગુજરાતી મોટેલ માલિકોની તો શ્રેણીબદ્ધ હત્યા થઈ છે. પોલીસે આ દિશામાં વિચારવું રહ્યું.

Your email address will not be published.