ડુંગળીના માર્કેટમાં અનિશ્ચિતતાથી ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ

| Updated: April 6, 2022 10:40 am

એકબાજુએ નિકાસ વેપાર અટવાયા તો બીજી બાજુએ ડુંગળીમાં બગાડથી સ્ટોકિસ્ટો વેપારથી દૂર

અમદાવાદઃ ડુંગળીના બજારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાના લીધે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ડુંગળીમાં એકબાજુએ નિકાસ વેપાર અટવાઈ ગયો છે તો બીજી બાજુએ ડુંગળીમાં બગાડના લીધે સ્ટોકિસ્ટો વેપારથી દૂર રહે છે. આ સિવાય ભાવ તૂટવાના ભયથી ખેડૂતો પણ બજારમાં ડુંગળી ઠાલવી રહ્યા છે. આના લીધે ડુંગળીનું બજાર તળિયે પહોંચી ગયું છે.

ખેડૂતોને ચિંતા એ છે કે બજારમાં માલ ન ઠાલવ્યો તો ડુંગળી બગડી જશે અને માલ ઠાલવ્યો તો ડુંગળીના પાકનો ખર્ચો પણ માંડ-માંડ નીકળે છે. જ્યારે પણ પાકનો ભાવ તૂટે ત્યારે ખેડૂત તેને વેચવા માટે બેબાકળો થઈ જતો હોય છે. આ ખેડૂતની માનસિકતા છે.

મહિલા ખેડૂતનું કહેવું છે કે પ્રતિકૂળ હવામાનના કારણે ડુંગળીના કાયમના ઉતારાની સામે સીધો 35થી 40 ટકાનો કાપ આવ્યો છે. તેના લીધે બે વીઘા જમીનમાં 80થી 90 કટ્ટા લાલ ડુંગળી થઈ છે અને સફેદ ડુંગળીનો પાક પણ તેની આસપાસ જ ઉતરે તેમ મનાય છે.

જ્યારે અમરેલીના ખેડૂતનું કહેવું છે કે એક વખત ચાર વીઘામાં ડુંગળી વાવી, પણ ખાસ ઉગાવો ન મળ્યો, જ્યારે બીજી વખત વાવેલી ડુંગળીમાં મોડું થયું હોવાથી તેનો ઉતારો પણ મોડો આવશે. તેથી તે બજારમાં પણ મોડી લાવી શકાશે, આ સંજોગોમાં ડુંગળીનું બજાર આવકો ઠલવાતા બેસી ગયું તો શું થશે તેની ચિંતા કોરી ખાય છે. ભાવનગર, જામનગર, કાલાવાડ વિસ્તારના ખેડૂતોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે.

જથ્થાબંધ બજારમાં જોઈએ તો એક મણ એટલે કે 20 કિલો ડુંગળી 60 રૂપિયાના ભાવે વેચાય છે. તેમા એક પીસીના ખેડૂતના હાથમાં દોઢસો રૂપિયા આવે. તેમા અડધા રૂપિયાનો ખર્ચો તો બિટામણ યાર્ડમાં ડુંગળી પહોંચાડવાનો થાય એટલે માંડ 75 રૂપિયા હાથમાં આવે. આ સંજોગોમાં ડુંગળીના ભાવ તૂટે તો ખેડૂતના હાથમાં કશું આવતું નથી. સરકારને આમા શા માટે કશું દેખાતું નથી.

મહારાષ્ટ્રના ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ મેળવવા માટે સરકારને ઝુકાવવાનો કીમિયો અજમાવ્યો છે, તો હવે અમારે પણ આ જ ઉપાય અજમાવવાની જરૂર પડશે કે શું તેવો સવાલ ખેડૂતોએ કર્યો હતો. જો કે હાલમાં તો ખેડૂતો ડુંગળીના ભાવ તળિયું તોડીને તેમને રડાવે નહી તે ચિંતાથી ગ્રસ્ત છે.

Your email address will not be published.