અમદાવાદના જવેલર્સ પર ફાયરિંગ, તેમને ગોળી મારી હત્યા કરી લૂંટી લેવા, તેમની પાસે ખંડણી ઉઘરાવવી જેવા ગુનાનો ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીનો સાગરીત છેલ્લા કેટલાય સમયથી એસજી હાઇવે પર કેફે ચલાવતો હતો. તેનો સાગરત ચાંદખેડાના ખંડણીના ગુનાના એક આરોપી સાથે ખંડણી માંગવા ગયો હતો. તે કેસમાં મનીષ ગોસ્વામી ફરાર હતો. તેને ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો હતો.
અમદાવાદ શહેરના જવેલર્સોને પોતાના ઇશારે નચાવનાર ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી પકડાયો હતો. તે પકડાયા બાદ પણ જવેલર્સ પોલીસથી છુપાઇને તેને પૈસા આપી દેતા હતા. તેવા કુખ્યાત ગુનેગારનો સાગરીત મનીષ શ્રીનિવાસ ગોસ્વામી (ઉ.31, મૂળ મધ્યપ્રદેશ, હાલ રહે.પરીવાર હોમ્સ, ગોતા) ચાંદખેડા પોલીસ સ્ટેસનના એક ખંડણીના ગુનામાં વોન્ટેડ હતો. તેને ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો હતો. આ અંગે ક્રાઇમ બ્રાંચે જણાવ્યુ હતુ કે, હર્ષ અરવિંદભાઇ અગ્રવાલ (રહે.સંગાથ સિલ્વર, મોટેરા)એ એક ફરિયાદ નોધાવી હતી. જેમાં આરોપી અંકિત શાહે શેરબજારમાં રોકાણ કરવવાનું કહીને હર્ષ પાસે 42 લાખનું રોકાણ કરાવ્યું હતુ. તેની સામે કોઇ હિસાબ બતાવ્યો ન હતો અને નુકશાન થાય છે તેમ કહીને સવા કરોડ આપવાના નિકળે છે કહી વારંવાર ધમકાવતો હતો.
આરોપી અંકિતે હર્ષના ચેક લઇ સહિઓ કરાવી લીધી અને ચેક બાઉન્સ કરાવી દીધા હતા. બાદમાં અંકિત, મનીષ ગોસ્વામી અને અન્ય એક સાગરીત મળી છરી બતાવી પૈસા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેમાં પોલીસે અંકિતની ધરપકડ કરી હતી. મનીષ ગોસ્વામીને ક્રાઇમ બ્રાંચે આજે પકડી પાડ્યો હતો.
વધુમાં પોલીસે જણાવ્યુ હતુ કે, આરોપી મનીષ 2010થી લઇ 2014 દરમિયાન અમદાવાદ, નવસારી, મધ્યપ્રદેશ ખાતે મર્ડર, લૂંટ વીથ મર્ડર તથા અપહરણ તથા ચોરીના મળી આશરે 15 ગુનામાં પકડાયો હતો. મનીષ વિશાલનો ખાસ સાગરીત હતો તેણે વસ્ત્રાપુર, ઘાટલોડિયા તથા મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશન, બેંગ્લોરના પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલો છે. ટ્રક લૂંટ, વાહનો ચોરી અને હથિયારના ગુનામાં પણ અનેક જગ્યાએ પકડાયેલો છે. મનીષ છ વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહ્યો હતો અને જામીન પર 2020માં મુક્ત થયો હતો.