વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા તેમના વિવાદાસ્પદ ટ્વિટ બદલ ધરપકડ કરવામાં આવી હતી. આસામના ભાજપના કાર્યકરે કેસ દાખલ કરતા મેવાણીની આ ધરપકડ થઈ હતી. મેવાણીની આ પ્રકારની ધરપકડ સામે સરકાર પર માછલા ધોવાય તે સ્વાભાવિક છે. પરંતુ અહીં ખરેખર સવાલ એ છે કે વાસ્તવમાં આ રીતે કોઈને પણ ચૂપ કરાવી દેવું તે માનસિકતા ફક્ત સરકારમાં જ નથી. આપણી વ્યવસ્થાથી માંડીને આપણા સમાજથી લઈને આપણી કોર્પોરેટ ઓફિસોથી લઈને આપણા ઘરની અંદર પણ જોવા મળે છે. હા, પણ બદનામ ફક્ત સત્તાધીશો જ થાય છે કારણ કે તે બધાની નજરમાં હોય છે.
સત્તાધીશોમાં પણ આ ચૂપ કરાવી દેવાની માનસિકતા આવી ક્યાંથી, સત્તાધીશોની આ પ્રકારની માનસિકતાનો સ્ત્રોત પણ આપણે જ છીએ. આપણે પોતે દરેક સ્તરે બીજાને ચૂપ કરાવી દેવાની જે વ્યવસ્થા સર્જી છે તેનું પ્રતિબિંબ આ માનસિકતામાં પડે છે. અહીં આપણે માની લઈએ છીએ કે મેવાણીને સરકાર દ્વારા ચૂપ કરાવી દેવાનો પ્રયાસ થયો છે. પણ શું આપણે આપણા વિધાનસભ્યને આપણા મતવિસ્તાર અંગે કોઈ સવાલ જાહેર મંચ સિવાય વ્યક્તિગત રીતે પૂછી શકીએ છીએ. વિધાનસભ્યની વાત જવા દઈએ આપણા વોર્ડને કોર્પોરેટરને પણ સવાલ પૂછી શકીએ છીએ અને જો કદાચ સવાલ પૂછ્યો હોય તો પછી સવાલ પૂછનારની દુર્ગતિ શું થાય છે તે બધા જાણે છે, બધા જ લોકો આ સવાલ પૂછનારને ચૂપ કરાવવા લાગી જાય છે. વાસ્તવમાં સવાલ પૂછનારને ચૂપ કરાવી દેવું તે આપણુ કલ્ચર છે. સોક્રેટિસે ઝેરનો કટોરો પણ ફક્ત ધર્મગુરુઓને સવાલ પૂછવાના લીધે જ પીવો પડ્યો હતો.
આપણી સોસાયટીના ચેરમેનને પણ વ્યવસ્થા અંગે સવાલ પૂછયો હોય તો કેવા જવાબ મળે છે તે પણ આપણે જાણીએ જ છીએ. હવે સમાજમાં આવીએ, સમાજની કોઈપણ અયોગ્ય રુઢિ સામે સવાલ ઉઠાવીએ છીએ તો કેવા જવાબ મળે છે, સીધો જ સામાજિક બહિષ્કાર. સમાજમાં પણ કોઈ વ્યક્તિ સામાજિક રીતે નિર્ધારિત લાઇન પર ન ચાલે તો તેને બહિષ્કાર કરીને ચૂપ કરાવી દેવાય છે. ગાંધીજી જેવા ગાંધીજીએ જ્યારે સમાજના જૂના નિયમો તોડીને સાત સમંદર પાર જવાનો તે સમયે ક્રાંતિકારી નિર્ણય કર્યો ત્યારે તેમના કુટુંબને પણ આ જ રીતે સામાજિક બહિષ્કાર કરીને ચૂપ કરી દેવાયુ હતુ. પછી ગાંધીજીએ પરત આવીને રીતસરના સામાજિક આગેવાનો સામે નાકલિટી તાણીને માફી માંગી નાત જમાડી તેના પછી ગાંધીજીને સમાજમાં બેસવા મળ્યું હતું. ચૂપ કરી દેવાની આ સંસ્કૃતિના લીધે જ સામાજિક બહિષ્કાર પામેલા ઠક્કર કુટુંબે ઇસ્લામ અંગીકાર કર્યો હતો અને મોહમ્મદ ઝીણાના સ્વરૂપમાં ભારતને પાકિસ્તાનના રાષ્ટ્રપિતાની ભેટ મળી હતી.
આ ચૂપ કરી દેવાની અંગ્રેજોની સંસ્કૃતિ સામે જ રાષ્ટ્રપતિ ગાંધીજીએ સ્વતંત્રતાની અભિવ્યક્તિ એટલે કે બોલવાની આઝાદીની લડત આદરી હતી. આઝાદીની લડતના પ્રણેતા ગાંધીજીની આગેવાની હેઠળની ચૂપ રહેવાના કલ્ચરના વિરોધી કોંગ્રેસની અંદર જ સુભાષચંદ્ર બોઝ પણ આ જ ચૂપ કરી દેવાના કલ્ચરનો ભોગ બનીને કોંગ્રેસથી વિમુખ થયા હતા. તેમના પહેલા કોંગ્રેસના આ જ ચૂપ કરી દેવાના કલ્ચરનો વિરોધ કરીને એક સમયના કોંગ્રેસના વિધાનસભ્ય ડો. કેશવરાવ હેડગેવારે રાજીનામુ આપ્યુ હતુ અને 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. હવે આ જ ચૂપ કરી દેવાનું કલ્ચર ભારતને વારસામાં મળ્યું છે. દિવંગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા તેમના કહેવા મુજબ જનહિતાર્થે લાદવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટીને ચૂપ કરી દેવાના કલ્ચરનું શ્રેષ્ઠ ઉદાહરણ મનાય છે. હાલમાં રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલું આક્રમણ અને રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો તે શું છે, ચૂપ કરી દેવાના કલ્ચરનો હિસ્સો જ છે. બસ તમે ચુપ, અમારુ જ ચાલવુ જોઈએ. અમે કહીએ અને આપીએ તે જ અધિકાર તમારા, તમે માનો તે નહી. આ માનસિકતાથી કોઈ બાકાત નથી.
હવે ઘરોમાં પણ જોઈએ તો વડીલો સામે અવાજ નહી ઉઠાવવાનોના ઓઠા હેઠળ દરેક વાજબી વાત દબાવી દેવાય છે. સમાજમાં સ્ત્રી પર દહેજ માટે આચરવામાં આવતો અત્યાચાર કે તેના પર કરવામાં આવતો બળાત્કાર કે જાતીય સતામણી પણ આ ચૂપ કરી દેવાના કલ્ચરનો જ હિસ્સો છે. તેમા તેણે શરમના નામે ચૂપ રહેવુ પડે છે અથવા તો કુટુંબની ઇજ્જતના નામે ચૂપ રહેવાની ફરજ પડાય છે. જિજ્ઞાસુ બાળકો દ્વારા પણ ઘરમાં કોઈ સવાલ કરવામાં આવે તો જવાબના અભાવે તેને ઘરમાં ચૂપ કરી દેવાય છે. આજે શહેરોમાં કોચિંગ ક્લાસ અને ટ્યુશન ક્લાસનો ફાટેલો રાફડો શું છે, તે શાળામાં બાળકોને ચૂપ કરી દેવાના કલ્ચરનો જ પ્રતાપ છે. શાળામાં જો શિક્ષક વિદ્યાર્થીને યોગ્ય રીતે ભણાવી શકે તો પછી વિદ્યાર્થીને ટ્યુશનમાં જવાની જરૂર જ ક્યાં પડે.
તકલીફ તો મોટી એ છે કે ચૂપ રહેવાના કલ્ચરનો વિરોધ કરનારા પાછા તે જ કલ્ચરનો હિસ્સો જ બની જાય છે. કટોકટીમાં ઇન્દિરા ગાંધીનો વિરોધ કરીને સત્તા પર આવેલી સરકારે પછી ચૂપ રહેવાના કલ્ચરને જ તેનો હિસ્સો બનાવતા ઇન્દિરાને ચૂપ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમા સત્તા ગુમાવવી પડી હતી. આજે આ ચૂપ રહેવાના કલ્ચરના આયામ રાષ્ટ્રના દરેક સ્તર સુધી વિસ્તર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં પંડિતોએ પોતાનું વતન એવી કાશ્મીર ખીણ છોડવી પડી તે શું છે, આ ચૂપ કરી દેવાના કલ્ચરનું જ પરિણામ છે. દિલ્હીમાં શીખો પર અત્યાચાર અને દેશમાં વકરેલો નકસલવાદ પણ આ ચૂપ કરી દેવાના કલ્ચરની જ ફળશ્રુતિ છે. તેથી ફક્ત ચૂપ કરી દેવાના કલ્ચરને શાસકીય સંદર્ભમાં જોવાના બદલે સર્વગ્રાહી માનસિકતાના સ્વરૂપમાં જોવામાં આવે તો જ તેનો ઉપાય મળે, નહી તો આજે ચૂપ રહેવાના કલ્ચર સામે બોલનાર પછી તે જ કલ્ચરનો હિસ્સો બની જવાના. નાના પાટેકર અભિનિત ફિલ્મ સૂત્રધાર આ ચૂપ રહેવાના કલ્ચર, તેની સામે બળવો અને પછી તેનો જ હિસ્સો બનવું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.