વેપારીઓને સરકારના ભાગીદાર બનાવીશું અને ભયનું વાતાવરણ ખતમ કરીશુંઃ અરવિંદ કેજરીવાલ

| Updated: August 6, 2022 8:56 pm

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના 2 દિવસીય ગુજરાત પ્રવાસ માટે જામનગર એરપોર્ટ પર આવ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું સ્વાગત કર્યું.

27 વર્ષથી શાસન કરવાને કારણે ભાજપમાં ઘમંડ આવી ગયો છેઃ અરવિંદ કેજરીવાલ

જામનગર એરપોર્ટ પર મીડિયાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે અમે જામનગરમાં વેપારીઓને મળીશું, વેપારીઓની સમસ્યાઓ સાંભળીશું અને વેપારીઓ માટે મહત્વની ગેરંટી જાહેર કરીશું. આ પછી આવતીકાલે અમે આદિવાસી સમાજના લોકોને મળીશું અને જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આદિવાસી સમાજ માટે અમારી શું યોજના હશે, અમે તેમના માટે શું કરીશું તેની ગેરેંટી જાહેર કરીશું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત જન સમર્થન મળી રહ્યું છે અને આનાથી ભાજપ ખરાબ રીતે નારાજ છે. છેલ્લા 27 વર્ષથી અહીં ભાજપનું શાસન છે અને તેના કારણે તેમનામાં ઘમંડ આવી ગયો છે. ભાજપને જનતા સાથે કોઈ લેવાદેવા નથી.

લઠ્ઠાકાંડ જેવી ઘટના બનવા છતાં મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ તેમને મળવા ગયા ન હતા: અરવિંદ કેજરીવાલ

થોડા દિવસો પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી, જેમાં ઘણા લોકોના મોત થયા હતા અને ઘણા લોકોની હાલત અત્યંત નાજુક હતી. તે વખતે હું દિલ્હીનો મુખ્યમંત્રી હોવા છતાં તે પીડિતોને મળવા ગયો પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ તે પીડિતોને મળવા ગયા ન હતા. આ બધું સાંભળીને અમને ખૂબ દુઃખ થયું કારણ કે રાજ્યમાં આટલી મોટી ઘટના બની હોવા છતાં મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ તેમને મળવા ગયા ન હતા. તે દર્શાવે છે કે તેમના માં ઘણો અહંકાર છે. પણ હવે ગુજરાતની જનતા આ બધું બદલવા માંગે છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે. પરંતુ હવે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટીના રૂપમાં એક વિકલ્પ છે.

હવે પંજાબમાં પણ મફત વીજળીના કારણે છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 25 લાખ લોકોના વીજ બિલ શૂન્ય આવ્યા છે: અરવિંદ કેજરીવાલ

ગુજરાતના મુખ્યમંત્રીએ હવે ઘરની બહાર કામ કરવું પડશે કારણ કે તેમનું કામ ઘરમાં બેસીને ચાલશે નહીં. કારણ કે અત્યાર સુધી તેઓ એમ જ માનતા હતા કે કોંગ્રેસ તેમની પોતાની પાર્ટી છે, પોતાની બહેન છે, તો તેમનું કામ ઘરે બેઠા આરામથી ચાલશે, પરંતુ હવે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી આવી ગઈ છે અને લોકો આમ આદમી પાર્ટી તરફ ઘણી આશાથી જોઈ રહ્યા છે. લોકોએ જોયું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે કેવું અદ્ભુત કામ કર્યું. હવે પંજાબમાં પણ વીજળી ફ્રી થઈ ગઈ છે. છેલ્લા 1 અઠવાડિયામાં લગભગ 25 લાખ લોકોના વીજ બિલ શૂન્ય પર આવી ગયા છે. ગુજરાતમાં પણ આવું બની શકે છે, ગુજરાતની જનતાને ઝીરો વીજ બિલ પણ આવી શકે છે. આ માટે રાજનીતિ બદલવી પડશે. જો લોકો આમ આદમી પાર્ટીને મત આપે તો ગુજરાતમાં પણ લોકોને ઝીરો વીજ બિલ મળી શકે છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ભારત માતાની જયકાર સાથે જામનગરમાં વેપારીઓને સંબોધતા કહ્યું કે, મને વાત મળી છે કે ઘણા વેપારીઓને આ સભામાં ના આવવા માટે ડરાવવા ધમકાવવામાં આવ્યા હતા, છતાં તે લોકો મને મળવા આવ્યા તે બદલ હું દરેકનો આભારી છું. ભારત દેશને આઝાદ થયા 75 વર્ષ વીતી ગયા છે અને આજે દેશમાં ચારે બાજુ આઝાદીને લઈને ખુશીનો માહોલ છે પરંતુ આ વખત વિચારવાનો પણ છે, કે 75 વર્ષ માં આપણે ઘણું બધું પામ્યું છે પણ આ 75 વર્ષમાં ઘણાં એવા દેશ છે જે આપણાથી આગળ નીકળી ગયા છે. સિંગાપુર સિક્સ્ટીના દશકમાં આઝાદ થયો હતો અને જાપાન તથા જર્મની બીજા વિશ્વયુદ્ધમાં બરબાદ થઇ ગયા હતા અને આવા ઘણા દેશ છે જે 75 વર્ષમાં આપણાથી આગળ નીકળી ગયા છે. પણ આપણે કેમ પાછળ રહી ગયા? ભગવાને જ્યારે દુનિયા બનાવી ત્યારે સૌથી સુંદર જગ્યા ભારતને બનાવી વૃક્ષ, પહાડ, નદીઓ, ખનીજ એમ ભગવાને આપણને બધું જ આપ્યું છે. જ્યારે ભગવાને માણસ બનાવ્યા ત્યારે સૌથી બુદ્ધિશાળી માણસો પણ ભારતને જ આપ્યા. આજે મોટી મોટી કંપનીના સીઈઓ પણ ભારતના જ લોકો હોય છે. એમ ભગવાને ભારતને બધું જ આપ્યું છે. તો પણ આપણે પાછળ કેમ?

ગુજરાતના લોકો વિશ્વમાં જ્યાં પણ જાય છે, તેઓ હંમેશા અન્ય દેશોમાં ભારતનું ગૌરવ વધારે છે: અરવિંદ કેજરીવાલ

ગુજરાતના લોકો વિશ્વમાં ગમે ત્યાં જાય બીજા દેશોમાં હંમેશા ભારતનું નામ રોશન કરે છે. ગુજરાતના લોકો મહેનતુ છે બુદ્ધિશાળી છે. પરંતુ જ્યારે તે ગુજરાતમાં હોય તો તેમને કહેવામાં આવે છે કે કેજરીવાલની સભામાં ના જતા. એટલે આપણો દેશ હજી સુધી પાછળ રહી ગયો છે. આપણે આપણામાં જ લડતા રહી ગયા આપણે ગંદી રાજનીતિ નો ભાગ બનીને રહી ગયા. જો આવા જ લોકોને ભરોસે દેશ છોડી દીધો તો હજી આપણે 75 વર્ષ પાછળ રહી જઈશું. દેશના લોકોને ઊભું થવાની જરૂર છે 130 કરોડ લોકોને સાથે અવની જરૂર છે. દેશને લોકો આગળ લઈને જશે કોઈ નેતા કે કોઈ પાર્ટી નહિ. આપણા પાસે શ્રેષ્ઠ ડોક્ટર છે, શ્રેષ્ઠ એન્જિનિયર છે, શ્રેષ્ઠ ખેડૂતો છે, શ્રેષ્ઠ વકીલ છે, દરેક વ્યવસાયમાં શ્રેષ્ઠ લોકો છે છતાંય આપણો દેશ પાછળ છે કેમ કે આપણા દેશની રાજનીતિ ખુબ ખરાબ છે તેને ઠીક કરવી પડશે.

પરિવર્તન શક્ય હતું, પરંતુ ભાજપ કોંગ્રેસે આપણને 70 વર્ષ અંધારામાં રાખ્યા: અરવિંદ કેજરીવાલ

હું પણ સામાન્ય માણસ જ હતો મેં ક્યારેય ન હતુ વિચાર્યું કે હું ક્યારેય રાજનીતિમાં આવીશ. એ તો પછી કિસ્મત પલટાઈ ગઈ અને દિલ્હીના લોકોએ એટલો પ્રેમ આપ્યો અને પછી હું દિલ્હીનો મુખ્યમંત્રી બન્યો. પહેલા હું ઈનકમ ટેક્સ કમિશનર રૂપે કામ કરતો હતો. કમિશનરનું કામ છોડીને મેં દિલ્હીની ઝૂંપડપટ્ટીઓમાં કામ કરવાનું શરૂ કરેલું, ત્યાં મેં દેખ્યું કે ગરીબ લોકોના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા પરંતુ સરકારી શાળાની હાલત ખુબ જ ખરાબ હતી. સરકારી દવાખાને ઈલાજ કરાવવા જઈએ તો ત્યાંની હાલત ખુબ ખરાબ. ત્યારે મને લાગ્યું કે 70 વર્ષ થઇ ગયા છે દેશને આઝાદ થયા, સરકારો બિચારી કોશિશ તો કરી રહી હશે પણ તે કરી નહિ શકતા હોય. પણ પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની અને અમે એ જ કામ 5 વર્ષમાં કરી બતાવ્યા. અમે 5 વર્ષમાં જ શાનદાર સ્કૂલ અને હોસ્પિટલો બનાવી દીધી. હવે દિલ્હીમાં લોકો મોટી હોસ્પિટલો છોડીને સરકારી હોસ્પિટલોમાં ઈલાજ કરવા જાય છે. ત્યારે મને ખબર પડી કે આ બધું થઈ તો શકતું હતું. 70 વર્ષમાં સ્કૂલો, હોસ્પિટલો, વ્યવસાયો, વીજળી, પાણી, રોડ રસ્તાઓ, ઉદ્યોગો બધું જ સારું થઇ શકતું હતું પરંતુ એ લોકો એ 70 વર્ષ સુધી અંધારામાં રાખ્યા આપણને, 70 વર્ષ સુધી છેતરપિંડી કરી.

હું ગુજરાતના મુખ્યમંત્રીને આમંત્રણ આપું છું કે તેઓ પણ દિલ્હી આવે અને લોકો સાથે સંવાદ કરે: અરવિંદ કેજરીવાલ

હું દિલ્હીથી અહીંયા તમને મળવા આવું છું, તો એમાં ખોટું શું છે? હું કોઈ આતંકવાદી થોડી છું. મેં ક્યાં કઈ વધારે માંગ્યું છે, અહીંયા આવું છું તમારી સમસ્યાઓ જાણું છું બસ મારી તો વિનંતી છે સી.આર. પાટીલથી કે તમે પણ આવો આ સભામાં, આપણે સમસ્યાઓ વિષે ચર્ચા કરીયે આ તો ગુજરાતની સંસ્કૃતિ છે. એમાં GSTના અધિકારીઓને ધમકાવવાની શું જરૂર છે કે કેજરીવાલની સભામાં જશો તો ખોટું થશે. અને આજે અહીંયાથી હું ગુજરાતના મુખ્યમંત્રીને આમંત્રિત કરું છું કે, તમે પણ દિલ્હી આવો અને સભા કરો હું બધાને કહીશ કે તમારી સભામાં હાજરી આપે. શું ખબર ગુજરાતના મુખ્યમંત્રી કંઈક સારી વાત કહી દે, મને સમજાતું નથી કે ગુજરાતમાં સારી વાતોના આદાન પ્રદાન પર કેમ રોક લગાવવામાં આવી રહી છે? આના પહેલા સુરતમાં પણ એક જનસભામાં આમંત્રણ મળ્યું હતું, ત્યાં પણ ધમકીઓ આપીને હોલની બુકિંગ સુધી રદ કરી દેવામાં આવી હતી, રાજકોટમાં પણ આવી રીતે વેપારીઓ સાથે સભા હતી પણ પછી વાત મળી કે મારી સભા પછી બધા વેપારીઓને ખુબ જ હેરાન કરવામાં આવ્યા હતા. અને આજે પણ અહીંયા આવવાના પહેલા જ લોકોને ધમકીઓ મળવા લાગી કે ખબરદાર જો કેજરીવાલની સભામાં ગયા તો. આ યોગ્ય નથી, આ ગુજરાતની સંસ્કૃતિ નથી. હું ભાજપના લોકોને હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે આ યોગ્ય નથી, આવું ન કરવું જોઈએ.

ગુજરાત સરકાર પર 3.5 લાખ કરોડનું દેવું છે, પરંતુ દિલ્હી સરકાર પર કોઈ દેવું નથી: અરવિંદ કેજરીવાલ

આજકાલ રેવડીની ખૂબ ચર્ચા થઈ રહી છે દેશમાં, ફ્રીની રેવડી, ફ્રીની રેવડી. આજ દિલ્હીમાં સરકારી શાળા એટલી શાનદાર બનાવમાં આવી છે કે, દિલ્હીની સરકારી શાળાના 400 થી વધારે વિદ્યાર્થીઓએ IIT ની પરીક્ષા પાસ કરી છે, 400 થી વધારે વિદ્યાર્થીઓ એ NEET ની પરીક્ષા પાસ કરી છે, વિદ્યાર્થીઓ ખુબ સારી અંગ્રેજી બોલવા લાગ્યા છે, 99% થી વધારેનું પરિણામ આવ્યું છે. જો હું સરકારી શાળાઓમાં ફ્રી માં શિક્ષણ આપી રહ્યો છું, તો શું હું એ ખોટું કરી રહ્યો છું? તે રાષ્ટ્ર નિર્માણનું કામ છે. પહેલા દિલ્હીની શાળાઓની હાલત ખરાબ જ હતી, અમે તેની હાલત સુધારીને શિક્ષણ મફત કરી દીધું. દિલ્હીમાં 2 કરોડ લોકો રહે છે, દરેકનો ઈલાજ મફત કરી દીધો સરકારી હોસ્પિટલોમાં તો શું ખોટું કર્યું મેં? પણ જો સુવિધાઓ મફતમાં ના આપી શકે સરકાર તો જનતા એ ટેક્સ ભરવાનો ફાયદો શું? પંજાબમાં 300 યુનિટ અને દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી મળે છે, તેઓ કહે છે કે સરકાર ખોટમાં જતી રહેશે. પરંતુ એક ક્વાર્ટરમાં 1 એપ્રિલથી 30 જૂન સુધી પહેલા પંજાબમાં 15000 કરોડનું રેવન્યુ આવતું હતું અને હવે આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ 21000 કરોડનું રેવન્યુ આવ્યું છે. મફત વીજળી આપવાનો ખર્ચો નીકળી ગયો અમારો, ઈમાનદાર લોકો છીએ, જયારે સરકાર ઈમાનદારીથી ચાલે તો જનતા પણ ટેક્સ ભરે છે. CAG ની રિપોર્ટમાં લખેલું છે કે, આખા દેશમાં ફક્ત દિલ્હીનું બજેટ છે જે ખોટમાં નહિ પણ નફામાં ચાલી રહ્યું છે. અને ગુજરાત સરકાર પર સાડા ત્રણ લાખ કરોડનું દેવું છે, પણ દિલ્હી સરકાર પર કોઈ પણ પ્રકાર નું દેવું નથી. આ લોકો એ એમના મિત્રોના 11 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા, હું તમને પૂછવા માગું છું કે તે યોગ્ય છે કે મફતમાં સારું શિક્ષણ આપવું યોગ્ય છે?

અરવિંદ કેજરીવાલ જી એ ગુજરાતના વ્યાપારીઓને 5 વાતો, 5 વાયદા અને 5 ગેરેન્ટી આપી

1) ડર નો માહોલ સંપૂર્ણ રીતે ખતમ કરી દઈશું, નીડરતા અને શાંતિ સાથે વ્યાપાર કરવાનું વાતાવરણ બનાવશું.
2) દરેક વ્યાપારી ને તે ઈજજત આપશું જેના એ હકદાર છે.
3)રેડ રાજ બંધ કરશું, ભ્રષ્ટાચાર થી મુક્તિ આપીશું, જે ફક્ત આખા દેશ માં કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટી જ આપી શકે છે.
4) VAT ના અને બીજા જેટલા પણ રિફંડ પેન્ડિંગ પડ્યા છે, તે બધા 6 મહિના માં ચુકતા કરી દઈશું અને GST ને સરળ બનાવશું.
5) એક એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેમાં વ્યાપારીઓને પાર્ટનરશીપ આપવામાં આવશે, દરેક સેક્ટર થી એક પ્રતિનિધિ ઉભો કરવામાં આવશે જે વ્યાપારીઓની દરેક સમસ્યા અને સુજાવ સરકાર સામે રજૂ કરશે અને સરકાર તરફથી તે પ્રમાણે વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

Your email address will not be published.