અરવિંદ કેજરીવાલ આજે સૌરાષ્ટ્રની મુલાકાતમાં ‘ મોટી જાહેરાત ‘ કરી શકે

| Updated: August 1, 2022 12:04 pm

આમ આદમી પાર્ટી (આપ)ના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે. તેઓ વર્ષાંતે યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં બીજી મોટી જાહેરાત આ મુલાકાત દરમિયાન કરે તેમ મનાય છે.

ઉલ્લેખનીય છે કે 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં શહેરોને બાદ કરતાં ભાજપને મહદઅંશે સફાયો થઈ ગયો હતો. તેથી કેજરીવાલ જાણે છે કે સૌરાષ્ટ્ર ભાજપની નબળી કડી છે, તેથી તેમણે ભાજપ નબળુ છે ત્યાં જ ઘા કરવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલની આ વર્ષે એપ્રિલથી ગુજરાતની સાતમી મુલાકાત હશે.

કેજરીવાલ રોડ શો, જાહેર રેલીઓ અને ટાઉનહોલ કાર્યક્રમોના રૂપમાં રાજ્યમાં એક મજબૂત ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવવા પ્રયત્નશીલ છે. આપના ગુજરાતના હોદ્દેદારોના જણાવ્યા મુજબ કેજરીવાલ બપોરે એક વાગ્યાની આસપાસ પોરબંદર એરપોર્ટ પર પહોંચશે અને તેના પછી તેઓ વેરાવળ જશે.

આપ ગુજરાતના જનરલ સેક્રેટરી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સોમવારે બપોરે વેરાવળના કેસી મેદાન ખાતે એક વિશાળ જાહેર રેલી યોજશે. જ્યાં તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરશે. તેના પછી તેઓ સોમવારે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ રાજકોટ એરપોર્ટ પહોંચશે, જ્યાં તેઓ રાજકોટ શહેરના સંજય રાજ્યગુરુ કોલેજના ગ્રાઉન્ડ ખાતે મંદિરના શિલાન્યાસ માટેના પૂજા કાર્યક્રમમાં હાજરી આપશે. તેના પછી તેઓ સોમવારે રાત્રે દિલ્હી રવાના થશે.

આ અગાઉ કેજરીવાલે 21 જુલાઈના રોજ સુરતની તેમની છેલ્લી મુલાકાત દરમિયાન પ્રથમ ગેરંટી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે વચન આપ્યું હતું કે જો તેમને સત્તા મળશે તો તેઓ ઘર દીઠ 300 યુનિટ વીજળી મફત આપશે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના લોકો વીજળીના ઊંચા બિલ ચૂકવે છે. વીજળીના ક્યાંય નથી તેટલા દરો ગુજરાતમાં છે. ગુજરાતનો મધ્યમ વર્ગ વાજબી ભાવે વીજળી મેળવવાને હક્કદાર છે. કોરોના પછીના કાળમાં ગુજરાતની પ્રજા પીસાઈ રહી છે ત્યારે તેમને વીજ બિલના મોરચે રાહત મળવી જરૂરી છે. તેના હેઠળ જ અમે સામાન્ય લોકોને આ રાહત આપવાનું વચન આપીએ છીએ. આ રાહત પણ કંઈ દયાદાન નથી, પણ ગુજરાતની પ્રજાનો હક્ક છે. લોકો પર વિપદા આવે ત્યારે શાસને તેમનું કવચ બનવાનું હોય છે. અમારી સરકાર આ જ વિભાવના સાથે કામ કરે છે.

Your email address will not be published.