ચૂંટણી આવતા જ રાહતોનો વરસાદ શરૂઃ અમદાવાદીઓને પ્રોપર્ટી ટેક્સમાં 75 ટકા માફી

| Updated: July 30, 2022 12:09 pm

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પ્રજાને રીઝવવા માટે રાહતોનો વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આઠ ઓગસ્ટથી 21 ઓક્ટોબર 2022 સુધી 75 દિવસ દરમિયાન રેસિડેન્સિયલ, કોમર્સિયલ સહિત તમામ મિલકતો અને જૂની તથા નવી ફોર્મ્યુલા હેઠળ પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ પરના વ્યાજમાં 75 ટકા માફી આપવામાં આવશે.

મ્યુનિ. રેવન્યુ કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા પછી આ સ્કીમ અમલી બનશે. આ સ્કીમ હેઠળ 250 કરોડની આવક થવાની શક્યતા છે. ચાલુ વર્ષે એટલે કે પ્રોપર્ટી ટેક્સના બાકી લેણા પર આ સ્કીમ લાગુ પડશે નહી. ટેક્સ વિભાગમાં 57 હજાર અરજીઓ પર બાકી ટેક્સ માટે હાલ 18 ટકા વ્યાજના બદલે આ સ્કીમ હેઠળ વ્યાજમાં 75 ટકા રાહત આપવાના બદલે 4.5 ટકાના સાદા દરે વ્યાજ લાગુ પડશે. ટેક્સ વિભાગમાં લાંબા સમયથી ચાલતી કોર્ટ મેટરોનો ઝડપથી નિકાલ થશે.

મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની માફી રકમ પર સૂચિત 75 ટકા વ્યાજ માફી યોજનાનો શહેરીજનો અમલ કરી શકે તે હેતુથી આ યોજનાનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે. ટેક્સ વિભાગમાં ઘણા લાંબા સમયથી ચાલતા કોર્ટ વિવાદનો ઝડપથી અંત લાવી શકાય તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ચાલુ વર્ષે ટેક્સ વિભાગમાં અંદાજે 57 હજાર જેટલી અરજીઓ ઇનવર્ડ થઈ છે. સામાન્ય રીતે મ્યુનિસિપિલ ટેક્સમાં ટેક્સની બાકીની રકમ પર 18 ટકા વ્યા લેવાય છે, પરંતુ નવી વ્યાજ માફીની સ્કીમ હેઠળ 75 ટકા રાહતના લીધે 4.5 ટકાનું સાદુ વ્યાજ જ લાગશે.

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે દેશની આઝાદીના 75મા વર્ષ નિમિત્તે શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સના બાકી લેણા પેટે 75 દિવસ માટે વ્યાજ માફીનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપાલિટી દ્વારા તમામ મિલકતધારકોને વ્યાજમાફીની યોજનાનો લાભ મળશે. આ હેતુસર 2021-22 સુધી નાગરિકોએ પૂરેપૂરી રકમ ભરી હશે તેમને 75 ટકા વ્યાજ માફીનો લાભ મળશે.

Your email address will not be published.