આશા ભોંસલેઃ 88 વર્ષની ઉંમરે પણ મદહોશ કરી દેતો સ્વર

| Updated: September 8, 2021 12:58 pm

વાત છે 1943ની. કોલ્હાપુરમાં ઉનાળાનો ગરમ દિવસ હતો. રસ્તા પર કૂદતી જતી 10 વર્ષીય છોકરી કેમેરા સામે તો અત્યંત ખુશખુશાલ અને રમતિયાળ દેખાતી હતી, પરંતુ વાસ્તવમાં તે ડિરેક્ટર દ્વારા “કટ” કહેવામાં આવે તેની રાહ જોઈ રહી હતી.

તેના પિતા પંડિત દીનાનાથ મંગેશકરનું એક વર્ષ પહેલા જ અવસાન થયું હતું અને તેણે મરાઠી ફિલ્મ ‘માઝા બાલ’માં ભૂમિકા સ્વીકારી હતી. દત્તા દાવજેકરે કમ્પોઝ કરેલું ગીત “ચલા ચલા નવ બાલા” તેમણે પોતે ગાયું હતું અને તે દિવસે તેમના પર શૂટ કરવામાં આવી રહ્યું હતું. આ છોકરી માટે તે એક અગ્નિપરીક્ષા હતી.

માઝા બાલ – ફિલ્મ પોસ્ટર

તે સમયે ફિલ્મોના શૂટિંગ વખતે રિફ્લેક્ટર તરીકે ટિનના પતરાનો ઉપયોગ થતો હતો. તેના પરથી આકરો સૂર્યપ્રકાશ શરીર પર પડતો હતો અને દઝાડતો હતો. તે છોકરીએ મનોમન નક્કી કર્યું કે તે ફરી ક્યારેય ફિલ્મોમાં કામ નહીં કરો. તેણે ત્યાર પછી ઘણા સમય બાદ કેમેરાનો સામનો કર્યો, પરંતુ તે ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. પાંચ વર્ષ પછી 15 વર્ષની આ છોકરીએ, ‘ચુનારિયા’ ફિલ્મ માટે તેનું પહેલું હિન્દી ગીત “સાવન આયા” ગાયું હતું.

આ છોકરી હતી હતી આશા ભોંસલે. ત્યાર પછી તો આઠ દાયકાઓમાં આશા ભોંસલેએ 12,000થી પણ વધુ ગીતો ગાયા છે અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સત્તાવાર રીતે તેમનું નામ સંગીતના ઇતિહાસમાં સૌથી વધુ ગીતો ગાનાર કલાકાર તરીકે નોંધવામાં આવ્યું. આશાજી આજે 88 વર્ષના થયા છે ત્યારે તેમના ગીત “આજા આજા, મેં હૂં પ્યાર તેરા” હજુ પણ સૌને યાદ છે. આપણને માનવામાં નહીં આવે કે ‘તીસરી મંઝિલ’નું આ સૌથી હિટ ગીત તેઓ ચૂકી જવાના હતા.

આજા આજા, મેં હૂં પ્યાર તેરા – ગીતમાંથી એક તસવીર

આર. ડી. બર્મને જ્યારે આ ગીતની ધૂન રચી, ત્યારે તેમને ખાતરી હતી કે મોહમ્મદ રફી સાથે આ ધમાકેદાર યુગલગીત માત્ર આશા ભોંસલે જ ગાઈ શકશે. પરંતુ આ ગીતમાં છેલ્લે ‘આ આજા આ આ આજા…’ જે રીતે ગાવાનું હતું તેના કારણે આશાએ તૈયારી કરવા માટે એક દિવસનો સમય માંગ્યો. તેમને લાગ્યું કે આ ગીતમાં તેમણે શ્વાસ પર બહુ મહેનત કરીને નિયંત્રણ મેળવવું પડશે.

પંચમદાને પણ ખાતરી ન હતી કે આશા આ ગીત સ્વીકારશે કે નહી. પરંતુ આશાએ પોતાના ઘરમાં આ ગીતનું સતત રિહર્સલ કર્યું કારણ કે તેમની સામે આ ગીત એક પડકાર સમાન હતું. છેવટે તેમને પોતાની મોટી બહેન લતાના શબ્દો યાદ આવ્યા જેમણે કહ્યું હતું કે ક્યારેય હાર ન માનવી. તેઓ સીધા સ્ટુડિયો પહોંચી ગયા અને ગીત રેકોર્ડ કરાવ્યું. શમ્મી કપૂર અને આશા પારેખ પર ફિલ્માવાયેલા તે ગીતને લોકો આજે પણ યાદ કરે છે.

“દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજિયે” ગીતની કહાની પણ આવી જ છે. ખય્યામ તેમની પાસે આવ્યા ત્યારે આશાજી અસમંજસમાં હતા. મુઝફ્ફર અલીની મ્યુઝિકલ પીરિયડ રોમાન્સ ફિલ્મ માટે આ પહેલું ગીત હતું. તેનું કારણ એ હતું કે આ ગીત લોઅર પીચ પર ગાવામાં આવે એવું કમ્પોઝર ઇચ્છતા હતા.

દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજિયે – ગીતમાંથી એક તસવીર

ખય્યામ સાહેબ ગુલામ મોહમ્મદની સાથે કે નૌશાદની ‘પાકીઝા’ સાથે કોઈ સરખામણી કરવા માંગતા ન હતા. તેથી જ તેમણે લતાજીની જગ્યાએ આશાજીને પસંદ કર્યા હતા. લતાના ગીતો “ચલતે ચલતે” “ઈન્હી લોગો ને લે લિયા દુપટ્ટા મેરા”, “થાડે રહિયો”, “મૌસમ હૈ આશિકાના” અને રફી સાહેબ “ચલો દિલદાર ચલો ” સાથેનું યુગલગીત હજી પણ યાદગાર છે. તેમને આશાજી પાસેથી એક અલગ અવાજનું ટેક્સચર, લો પીચ અને આલાપ જોઈતું હતું.

વર્ષો પછી ખય્યામ સાહેબે મને જણાવ્યું કે આખરે તેમણે આશાજીને આ ગીત ગાવા માટે સમજાવી લીધા હતા. વિખ્યાત રાજનર્તકી ઉમરાવ જાન જે રીતે ગાતી હશે તે રીતે જ ગીત ગવાયું હતું. રેકોર્ડિંગ બાદ ખય્યામ સાહેબે કહ્યું કે તેઓ બીજી વખત રેકોર્ડ કરાવે તે પહેલા આ ગીત પણ સાંભળી લે. પછી તો છ મિનિટનું ગીત વગાડવામાં આવ્યું અને આખો રેકોર્ડિંગ સ્ટુડિયો શાંત થઈ ગયો. જ્યારે ગીત પૂરું થયું ત્યારે સન્નાટો છવાઈ ગયો હતો. આશાજી એકદમ સ્થિર હતા, તેમની આંખો બંધ હતી. લાંબી ક્ષણો સુધી તેમણે કોઈ પ્રતિક્રિયા ન આપી, ત્યારબાદ તેમની આંખો ધીમે ધીમે ખુલી અને તેમણે સ્વીકાર્યું કે તેમણે આ પહેલા ક્યારેય પોતાને આ રીતે ગાતા સાંભળ્યા ન હતા. તેમણે તે ગીતને જ રાખવાનું નક્કી કર્યું.

ત્યાર પછી તો આશાજીએ આ ફિલ્મ માટે બીજા ઘણા ગીતો પણ ગાયા જેમાં “ઇન આંખો મસ્તી કે મસ્તાને હઝારો હૈ”, “જબ ભી મિલતી હૈ”, “જુસ્તુજુ જીસ કી થી” અને “યે ક્યા જગહ હૈ દોસ્તો”નો સમાવેશ થાય છે. આ ફિલ્મે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા હતા, જેમાં આશાજી માટે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો પુરસ્કાર સામેલ છે.

ઇન આંખો મસ્તી કે મસ્તાને હઝારો હૈ – ગીતમાંથી એક તસવીર

તેમના ખજાનામાં આવા તો અનેક રત્નો છે, જેમાં મોજમસ્તીભર્યું ગીત “હાલ કૈસા હૈ જનાબ કા” (ચલતી કા નામ ગાડી)થી લઈને મદમસ્ત ગીત “આઈયે મહેરબાન” (હાવરા બ્રિજ) સામેલ છે. આ ઉપરાંત “દમ મારો દમ” (હરે રામા હરે ક્રિષ્ના), રોમાન્સથી ભરપૂર “દો લફઝોં કી હૈ દિલ કી કહાની” (ધ ગ્રેટ ગેમ્બલર) અને ક્લાસિકલ “પિયા બાવરી” (ખુબસુરત)થી “તન્હા તન્હા” (રંગીલા) જેવા કેટલાય આશાજીના હીટ ગીતો છે.

અદનામ સામીના આલ્બમ “કભી તો નઝર મિલાઓ” રિલીઝ થયાને એકવીસ વર્ષ થઇ ગયા છે અને 72 અઠવાડિયા સુધી આ ગીત ઇન્ડી-પોપ ચાર્ટમાં ટોચ પર રહ્યું હતું. એકલા ભારતમાં જ તેની 40 લાખ નકલો વેચાઈ છે. આશાજી અદનાનને પહેલી વાર મળ્યા ત્યારે તે 12 વર્ષનો પ્રતિભાશાળી છોકરો હતો. તેમણે તેમને સંગીતને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે અદનાન 29 વર્ષના હતા અને આશાજી 67 વર્ષના હતા ત્યારે આશાજીએ તેમની સાથે આલ્બમના ટાઇટલ ટ્રેક પર મદદ પણ કરી હતી. તેમનો અવાજ 17 વર્ષ જુનો હતો અને આ ગીત આપણને પ્રથમ નજરમાં પ્રેમની અનુભૂતિ કરાવે છે. અને આ જ છે સદાબહાર આશાભોસલેનો જાદુ.

કભી તો નઝર મિલાઓ -આલ્બમનું પોસ્ટર

Your email address will not be published. Required fields are marked *