અમદાવાદઃ ગુજરાત ગેસ દ્વારા મોરબીના ઉદ્યોગકકારોને મે માટે ગેસ જ ન અપાતા તેઓએ રીતસરની કંપનીની કચેરી ખાતે હલ્લાબોલ કર્યુ છે. ગુજરાત ગેસે આમ પણ મોરબીના ઉદ્યોગકારોને આપવામાં આવતા ગેસના જથ્થામાં છેલ્લા બે મહિનાથી 20 ટકા કાપ મૂક્યો છે. તેના લીધે અનેક એકમોએ હાથ પર કામ હોવા છતાં તેમના એકમોને બંધ રાખવાની ફરજ પડી છે.
સિરામિક ઉદ્યોગને ગુજરાત ગેસ દ્વારા ગેસ પૂરો પડાય છે. ગયા ઓગસ્ટની તુલનાએ આજ સુધીમાં ગેસના ભાવ બમણા થઈ ગયા છે. આઠ મહિનાના સમયગાળામાં લગભગ બમણો ભાવ ચૂકવવા છતાં પણ સિરામિક ઉદ્યોગની માંગ મુજબ ગેસ આપવાના બદલે ગુજરાત ગેસ કંપનીએ તેમને આપવામાં આવતા ગેસના પુરવઠામાં 20 ટકા કાપ મૂક્યો છે.
છેલ્લા બે મહિનાથી ગેસના પુરવઠાનો કાપ વેઠતા ઉદ્યોગકારોને હવે મે મહિના માટે ગેસનો જથ્થો જ ન ફાળવવાનો નિર્ણય લેવાતા તેઓ ભડક્યા હતા. તેના લીધે 500 જેટલા ઉદ્યોગકારો ગુજરાત ગેસની ઓફિસે પહોંચી ગયા હતા. તેની સાથે સિરામિક એસોસિયેશનના પ્રમુખોને બોલાવીને તાકીદે નિરાકરણ કરવાની માંગ કરી હતી.
સિરામિક ઉદ્યોગ દ્વારા કરવામાં આવેલી માંગના પગલે તેના એસોસિયેશનના પ્રમુખ અને હોદ્દેદારો દોડી ગયા હતા. આ રીતે 500થી પણ વધારે ઉદ્યોગકારો એકત્રિત થયા હતા. પણ ઉદ્યોગકારોના પ્રશ્ને ગુજરાત ગેસના સ્થાનિક અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું હતું. તેના લીધે સિરામિક સેક્ટરના આગેવાનોએ છેક ગાંધીનગર સુધી ફોન ધણધણાવ્યા હતા. તેઓએ સાંજ સુધીમાં પ્રશ્નો મુકેલવા અલ્ટીમેટમ આપ્યું છે. આમ નહી થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશ કુંડરિયા અને હરેશ બોપળિયાએ જણાવ્યું હતું કે ગેસમાં પહેલેથી જ 20 ટકાની કપાત હતી અને તેના લીધે અમુક ફેક્ટરીઓ બંધ હતી. ગુજરાત ગેસ કંપની માટે આગામી મહિનાના ગેસ પુરવઠાનો મેઇલ આવ્યો હતો અને તે 150 જેટલી કંપનીઓને મળ્યો ન હતો. આથી આ કંપનીઓને આગામી મહિને ગેસ નહી મળે તેવું જણાવાતા ગેસ કંપનીની ઓફિસે રજૂઆત કરી હતી. તેની જોડે-જોડે રાજ્યમંત્રી મેરજા અને સાંસદને રજૂઆત કરાતા તેઓએ આ ગંભીર મુદ્દે ઊર્જામંત્રીનું ધ્યાન પણ દોર્યુ છે. ઉદ્યોગકારોની વાત સાંભળીને ચોંકી ઉઠેલા ઊર્જાપ્રધાને સિરામિક ઉદ્યોગને સો ટકા પુરવઠો પૂરો પાડવાની ખાતરી આપી છે.