પ્રેમ લગ્નથી નારાજ માતાનો દિકરી, જમાઈ અને સસરા પર છરી વડે હુમલો

| Updated: April 17, 2022 9:20 pm

22 વર્ષીય યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી પરિવાર નારાજ હતો. એક દિવસ યુવતીની માતાએ યુવતીને ફોન કરીને જમાઈ અને યુવતીના સસરાને ઘરે બોલાવ્યા હતા. જેથી યુવતી તેના પતિ અને સસરાને લઈને ઘરે ગઈ ત્યારે માતા અને એક યુવકે યુવતી તેના પતિ અને સસરા પર છરીના ઘા મારી દીધા હતા. આ અંગે યુવતીએ તેની જ માતા અને હુમલાખોર યુવકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઠક્કરનગરમાં રહેતી 22 વર્ષીય યુવતીને થોડા દિવસ પહેલા સોશિયલ મિડીયાના સ્નેપચેટ દ્વારા એક યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જેના કારણે યુવતી યુવકને મળવા લાગી હતી અને બન્નેએ એક બીજા સાથે લગ્નની વાત કરી હતી. પરતુ યુવતીના પરિવારજનોએ અમરાઈવાડીમાં રહેતા યુવક સાથે યુવતીના લગ્ન કરાવવાની વાત કરી હતી અને સગાઈની પણ તારીખ નક્કી કરી નાખી હતી. જેના કારણે યુવતીએ પરિવારજને લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી અને તે તેના પ્રેમી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. પરંતુ પરિવારજનો યુવતીને તેના પ્રેમી સાથે લગ્ન કરવા તૈયાર ન થતા યુવતીએ તેના પ્રેમી યુવક સાથે કોર્ટમાં જઈને પ્રેમ લગ્ન કરી લીધા હતા.

આ અંગેની જાણ યુવતીના પરિવારજનોને થતા યુવતીની માતાએ યુવતીને ફોન કરીને તારા લગ્નનો મને કોઈ વાંધો નથી આપણે સમાધાન કરી લઈએ તું તારા પતિને લઈને ઘરે આવ. જેથી યુવતી તેના પતિ અને સસરા સાથે તેના ઘરે પહોંચી હતી. યુવતીની માતા અને તેની સાથે સગાઈ કરવાની હતી તે યુવક ત્યાં આવ્યા હતા અને અચાનક જ ઝઘડો કરીને પતિ,સાસરા અને યુવતી પર હુમલો કરી છરીના ઘા મારી દીધા હતા. જેના કારણે ત્રણેય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી.

આ ઘટના બાદ યુવતીની માતા અને આ યુવક બન્ને ફરાર થઈ ગયા હતા. આ અંગે યુવતીએ તેની માતા અને એક યુવકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Your email address will not be published.