અમદાવાદમાં ગુનોગારો બેફામ: ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવક પર જીવલેણ હુમલો

| Updated: August 6, 2022 3:09 pm

અમદાવાદમાં ક્રાઈમ કિસ્સાઓમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુનેગારોને પોલીસને કોઈ ભય ન હોય તે રીતે જાહેરમાં જ હુમલાઓ કરતા જોવા મળી રહ્યા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં બાપુનગરમાં યુવકે ઉછીના પૈસા પરત માંગતા બે લોકોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રખીયાલમાં રહેતા મોહમદ આરીફ ઉર્ફે આરીફ લંગડા ખુરેશીએ યુસુફ ટકલા અને યુસુફ બટકા સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરીફ પરિવાર સાથે રહે છે અને ભરત કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે બપોરે બે વાગ્યાની આસપાસ બાપુનગર અંસાર નગર ખાતે મિત્ર યુસુફ બટકાને મળવા માટે ગયો હતો. ત્યારે ત્યાં યુસુફ ટકલો પણ હાજર હતો. તેમની સાથે મોહમદ આરીફે સિગારેટ પીધી હતી. બાદમાં યુસુફ ટકલાને આપેલા 8000 રૂપિયા મોહમદ આરીફે પરત માગ્યા હતા. ત્યારે યુસુફ ટકલો અને યુસુફ બટલો બન્ને ઉશ્કેરાઇ ગયા હતા.

ત્યારબાદ બન્ને ગાળો બોલી માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન યુસુફ ટકલાએ તેની પાસેથી છરી કાઢી હતી અને હુમલો કર્યો હતો. જેથી પેટના નાભીના ભાગે મોહમદ આરીફને છરી વાગી ગઇ હતી. જ્યારે બીજો ઘા છાતીના ભાગે વાગ્યો હતો. તેથી મોહમદ આરીફ લોહીલુહાણ થઇ ગયો હતો. આ સમયે યુસુફ બટકાએ છરીથી કોણીના ભાગે હુમલો કર્યો હતો. જેથી મોહમદ આરીફ ત્યાંથી ભાગ્યો હતો.

બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. જ્યારે લોહીલુહાણ હાલતમાં મોહમદ આરીફ નીચે પટકાયો હતો.તેને 108 મારફતે શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. બીજી તરફ બાપુનગર પોલીસે CCTVના આધારે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.

Your email address will not be published.