આજે રાષ્ટ્રીય ફાયર સર્વિસના દિવસે જ ફાયરબ્રિગેડના જવાનોએ એક બાળકીને નવજીવન આપ્યું છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં એક વિકાસગૃહમાં મંદબુદ્ધિ યુવતીની ટોઈલેટમાં જ ડિલિવરી થતા બાળક કમોડમાં ફસાઈ ગયું હતું. તાજું જન્મેલું બાળક ટોઇલેટના કમોડમાં ફસાઈ જતાં આ અંગે ફાયરને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ ફાયરને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.25 મિનિટની જહેમત બાદ આ બાળકને નીકળી તેના સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
શહેરના પાલડી વિકાસગૃહમાં એક મંદબુદ્ધિ મહિલાની ટોઈલેટમાં જ ડિલવરી થતા બાળક ટોઈલેટના કોમોડમાં ફસાયું હતું. જો કે બાળકનું મોઢું સીધું કમોડમાં ફસાઈ જતા યુવતીએ લોકોને જાણ કરી હતી. આ અંગેની જાણ ફાયરને કરવામાં આવતા કાફલો દોડી આવ્યો હતો. અને તાત્કાલિક તેને રેસ્ક્યૂ કરવાની કામગીરી દ્વારા શરૂ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ બાળકને કોઇ ઇજા ન થાય એનું ખાસ ધ્યાન રાખી સૌથી પહેલા ટોઇલેટમાં આસપાસની ટાઇલ્સ તોડવાની શરૂ કરી હતી. આસપાસની ટાઈલ્સને તોડીને બાળકને બહાર કાઢી લીધું હતું.
જો કે, બાળક હવામાં હતું અને તેનું મોઢું હજી પણ અંદર ફસાયેલું હોવાથી તેને બહાર કાઢવા માટે પાઇપની સાથેનું તેનું જોડાણ દૂર કરવામાં આવ્યું હતું. બાદમાં ધીમે ધીમે કમોડનો ભાગ તોડીને બાળકને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે માત્ર 25 મિનિટની અંદર બાળકનું રેસ્ક્યૂ કરીને 108 એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. સદનસીબે બાળકને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી.