અમિતાભે પાન-મસાલા બ્રાન્ડ સાથે છેડો ફાડ્યોઃ હવે એડ નહીં કરે, ફી પણ પરત કરી

| Updated: October 11, 2021 4:18 pm

ફિલ્મજગતના મહાનાયક અમિતાભ બચ્ચને પાન-મસાલા બ્રાન્ડની જાહેરખબર ન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જાહેરખબર માટે લીધેલી ફી પણ પરત આપી દીધી છે. અમિતાભે કહ્યું કે આ જાહેરખબરનો કોન્ટ્રાક્ટ કરતી વખતે તેમને ખબર ન હતી કે તેઓ સરોગેટ એડવર્ટાઈઝિંગ કરે છે.

નેશનલ એન્ટી-ટોબેકો ઓર્ગેનાઈઝેશને અમિતાભને આ એડમાંથી ખસી જવા માટે વિનંતી કરી હતી. અમિતાભના ફેન્સે પણ આ જાહેરખબરની ટીકા કરી હતી. ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે આ એડના કારણે યુવાનો તમાકુના બંધાણી બનશે.

આ અંગે એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે બચ્ચને કમલા પસંદ બ્રાન્ડ સાથેનો છેડો ફાડ્યો છે. આ એડ થોડા દિવસો પહેલાં જ રિલિઝ કરવામાં આવી હતી. બચ્ચને આ બ્રાન્ડનો સંપર્ક કર્યો અને પોતાનો નિર્ણય જણાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર આ એડના કારણે હંગામો થવાથી બચ્ચને આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. અમિતાભની ટીમે આ પગલાંની માહિતી આપતા કહ્યું કે હવે અમિતાભ બચ્ચને બ્રાન્ડની સાથે પોતાના કરાર સમાપ્ત કરી દીધા છે. આ વિશે તેમને જાણકારી આપી છે અને પ્રમોશન માટેના રૂપિયા પણ પરત આપી દીધા છે.

અમિતાભ આજે પોતાનો 79મો જન્મદિવસ ઉજવે છે અને દુનિયાભરમાંથી તેમના પર જન્મદિવસની શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. 11 ઓક્ટોબર 1942ના રોજ જન્મેલા અમિતાભને સોશિયલ મીડિયા પર પણ બર્થડેના હજારો સંદેશ મળ્યા છે.

Your email address will not be published. Required fields are marked *