બાલાસાહેબની પુત્રવધુ સ્મિતા ઠાકરે સીએમ શિંદેને મળતા રાજકીય વર્તુળોમાં હલચલ

| Updated: July 29, 2022 1:23 pm

મુંબઈઃ બાલાસાહેબ ઠાકરેના પુત્રવધુ સ્મિતા ઠાકરે શિવસેનામાં બળવો કરી મુખ્યપ્રધાન બનેલા એકનાથ શિંદેને મળતા મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. બાળાસાહેબ ઠાકરેના સૌથી મોટા પુત્ર જયદેવ ઠાકરેના પત્ની 63 વર્ષના સ્મિતા ઠાકરેએ શિંદેની મુલાકાત લઈને તેને અભિનંદન પાઠવનારા ઠાકરે કુટુંબની સૌપ્રથમ વ્યક્તિ છે.

શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે કેમ્પ અને શિંદે કેમ્પ વચ્ચે વાસ્તવિક શિવસેના કઈ તે સાબિત કરવા રીતસરની ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે ત્યારે સ્મિતા ઠાકરેની આ મુલાકાત સૂચક મનાય છે. બાલાસાહેબના પુત્ર જયદેવ ઠાકરેના પત્ની સ્મિતાના ઉદ્ધવ ઠાકરે સાથેના સંબંધોમાં ખટરાગ જાણીતો છે. સ્મિતા ઠાકરેએ તો આ બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે આ એક સૌજન્ય મુલાકાત હતી. શિંદે લાંબા સમયથી શિવસૈનિક છે અને તે મુખ્યપ્રધાન છે.

ઉલ્લેખનીય છે કે 1995થી 1999 દરમિયાન શિવસેના-ભાજપની સરકાર સત્તા પર હતી ત્યારે સ્મિતા ઠાકરે પાવર સેન્ટર હતા. તે સમયે 1999માં શિવસેનાએ મનોહર જોશીને નારાયણ રાણેને મુખ્યપ્રધાન બનાવ્યા તે સ્મિતા ઠાકરેની સલાહથી બનાવાયા હોવાનું મનાય છે.  

સ્મિતા ઠાકરે દાયકા પહેલા જ રાજકીય પરિદ્રશ્યમાંથી અદ્રશ્ય થઈ ગયા હતા. હવે તેમના આગમનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે પછી ત્રીજા પાવર સેન્ટરનું નિર્માણ થયું છે. ઉદ્ધવ ઠાકરેના કુટુંબ સાથે સ્મિતા ઠાકરેના વણસેલા સંબંધો જગજાહેર છે. જો કે કદાચ શિંદે સાથે તેમના જૂના સંબંધો હોવાનું મનાય છે. સ્મિતા ઠાકરેના કાર્યકાળ દરમિયાન કેટલાય શિવસૈનિકોને નવી જવાબદારીઓ મળી હતી અને તેઓ આ જવાબદારીઓ ઉઠાવીને આગળ આવ્યા હતા.

સ્મિતા ઠાકરે 1987માં જયદેવ ઠાકરે સાથે લગ્ન થયા તે પહેલા ખાનગી કંપનીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતા હતા. તે ઠાકરે કુટુંબમાં હતા ત્યારે મુંબઈના સોશ્યલાઇટમાં જાણીતી વ્યક્તિ હતા. બાલાસાહેબે 1995માં તેમની પત્ની મીનાતાઇને ગુમાવ્યા પછી સ્મિતા ઠાકરે ઠાકરે કુટુંબની મહત્વની વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે ફિલ્મ નિર્માણ પણ કર્યુ હતુ અને ડાયમંડ કિંગ ભરત શાહના સમર્થનથી હસીના માન જાયેગી ફિલ્મ પણ બનાવી હતી. તે હાલમાં પણ પ્રોડકશન ફર્મ ચલાવે છે, સ્વૈચ્છિક સંગઠન ચલાવે છે. પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે. તેના પછી 1996માં બાલાસાહેબ ઠાકરેનો સૌથી યુવાન પુત્ર બિન્દુમાધવ 1996માં અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.

સ્મિતા ઠાકરેનો કુટુંબ પર વધતા જતા પ્રભાવને ખાળવા માટે પછી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાનું સુકાન હાથમાં લીધું હતું. તેના પછી ઉદ્ધવ ઠાકરે શિવસેનાને પોતાની રીતે ચલાવવા માંડ્યા હતા અને સ્મિતા ઠાકરેને તે પસંદ આવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે 2009માં ઉદ્ધવથી નારાજ સ્મિતા ઠાકરેએ એક સમયે કોંગ્રેસમાં જોડાવવાની પણ વાત કહી હતી અને પોતે સોનિયા ગાંધીની પ્રશંસક હોવાનું કહ્યું હતું.

Your email address will not be published.