Site icon Vibes Of India

પાણી માટે વલખા મારી રહેલા બનાસકાંઠાના ખેડૂતો

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની સૌથી મોટી સમસ્યા હોય તો પાણીની સમસ્યા છે. વરસાદ ખેંચાઈ જવાથી ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની ગઈ છે. જમીનના પાણીના સ્તર ઊંડે સુધી જતા રહેવાથી વાવેતર માટે પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. કેટલીક જગ્યાએ ખેતરોમાં પાણી ન મળવાના કારણે રણ જેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે.

રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ખેડૂતોના હિત માટે સુકી ભઠ્ઠ બનેલી બનાસ નદીમાં નર્મદાના પાણી ભરી જીવંત કરવા અને તે પાણી ખેડૂતોને મળે તેની રજૂઆત પણ કરવામાં આવી હતી. આ મુદ્દે બનાસકાંઠા રાષ્ટ્રીય કિસાન સંગઠનના પ્રમુખ વી.કે કાગે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમયથી પાણીના સ્તર ઊંડે ચાલ્યા ગયા છે, ખેતરો વેરાન બની રહ્યા છે. પશુપાલન કરવા માટે પાણી પુરતું નથી. સૌથી મહત્વની વાત એ છે કે બનાસકાંઠા પાસે ત્રણ મોટા ડેમ હોવા છતાંયે જિલ્લાને પાણી મળતું નથી તે સૌથી મોટી કરુણતા છે.

ખેડૂતો દ્વારા રાજકીય પક્ષોને પણ “પાણી નહીં તો વોટ નહીં”નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ખેડૂત આગેવાન ભરત કરેણે રોષ ઠાલવતાં કહ્યું હતું કે, સરકાર અમારી સબસીડી બંધ કરી દેશે તો ચાલશે પરંતુ પાણીની સમસ્યાનો કાયમી હલ કરી આપે તેવી માંગ છે.  સરકાર 21 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો જિલ્લાના દરેક તાલુકા મથકે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ત્યારબાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવ્યો તો ધારાસભ્ય, સંસદ સભ્યનો ઘેરાવ કરી આવેદન પત્ર આપી સરકારને રજૂઆત કરે તે અંગે ચીમકી આપવામાં આવી હતી.

ખેડૂત આગેવાન ભરત કરેણે વધુમાં જણાવ્યું હતું કે, જો તેમ કરતાં પણ ઉકેલ નહીં આવે તો જિલ્લાના દરેક તાલુકા મથકેથી ખેડૂતોને ભેગા કરી ઢોલ નગારા સાથે પગપાળા યાત્રા કરી મુખ્યમંત્રી અને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવશે અને 2022 ની વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી હતી.