છેલ્લા શ્વાસ સુધી ઉદ્ધવનો સાથ ન છોડવાનો દાવો કરનાર બાંગર ફ્લોર ટેસ્ટ પહેલા જ બળવાખોરો સાથે જોડાયા

| Updated: July 5, 2022 1:45 pm

શિવસેનામાં એકનાથ શિંદેએ બળવો કર્યો ત્યારે ઉદ્ધવ ઠાકરેના સમર્થક વિધાનસભ્યોમાં કેટલાકે બળવાખોરોને પરત ફરવાની અપીલ કરી હતી. તેમા એક વિધાનસભ્ય સંતોષ બાંગર પણ હતા. આ પહેલા સંજય બાંગરે શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોને રડતા-રડતા વિનંતી કરી પરત ફરવા જણાવ્યું હતું, તેમનો તો આ વિડીયો પણ જબરજસ્ત વાઇરલ થયો હતો. તેમની લાગણીસભર અપીલ પણ જબરજસ્ત હતી.

પણ આ જ સંતોષ બાંગર જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બળાબળના પારખા થયા ત્યારે એકનાથ શિંદેની સાથે જોડાઈ ગયા હતા. આમ ઉદ્ધવ ઠાકરેએ વધુ એક આંચકો ખમવો પડ્યો હતો. શિવસેનાના હિંગોલી જિલ્લાના કલમુરીના વિધાનસભ્ય સંતોષ બાંગરની આ વિપરીત ચાલે ભલભલા સમીક્ષકોને પણ સ્તબ્ધ કરી દીધા છે.

શિવસેનાના બળવાખોરોએ બળવો કર્યો ત્યારે બાંગરે કરેલી વિડીયો અપીલમાં શિવસૈનિકોને છત્રપતિ શિવાજી મહારાજના અને બાલ ઠાકરેના અનુયાયી ગણાવ્યા હતા. આ ઉજ્જવળ વારસાને કલંક ન લાગે અને હિંદુત્વનો વાવટો ફરકતો રાખવાની સહુની ફરજ છે એવી પણ તેમણે હાકલ કરી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે હું છેલ્લા શ્વાસ સુધી ઉદ્ધવ ઠાકરેની સાથે રહીશ.

તેમણે બળવાખોરોને ત્યાં સુધી કહ્યું હતું કે તેઓએ જે પ્રકારની બિનવફાદારી દાખવી છે તેના કારણે તમારી પત્ની તમને છોડી દેશે. તમારા છોકરાઓને કોઈ છોકરી નહી આપે. પણ આવા વિધાનો કરનારા બાંગર હવે પોતે શિંદે કેમ્પમાં સામેલ થઈ ગયા છે. તેની સાથે શિંદેની આગેવાની હેઠળની સરકારને તેમણે સમર્થન પણ જાહેર કરી દીધું હતું. આ સાથે ઉદ્ધવ ઠાકરેના સમર્થિત ધારાસભ્યોની સંખ્યા 15 થઈ છે. આમ કમસેકમ વિધાનસભા પક્ષ પરથી તો ઉદ્ધવ ઠાકરેનું પ્રભુત્વ ઘટી જ ગયું છે તે પુરવાર થઈ ગયું છે. હવે જો સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે હારી જાય તો બીજા વિધાનસભ્યો પણ શિંદે જૂથમાં કૂદતા ખચકાશે નહી તેમ સમીક્ષકોનું માનવું છે.

ઉદ્ધવ ઠાકરેનો એકમાત્ર આધાર હવે કદાચ તેના વિધાનસભ્યો નહી પણ સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટ હવે તેમણે ગેરલાયક ઠેરવેલા વિધાનસભ્યો અંગે કેવું વલણ અપનાવે તેના પર બધાની નજર છે.

Your email address will not be published.