બાંગ્લાદેશની ઇસ્લામિક દેશોથી વિપરીત ચાલઃ પયગંબર પર ટિપ્પણી ભારતનો આંતરિક મુદ્દો

| Updated: June 14, 2022 2:11 pm

ભાજપના પ્રવકતા નુપૂર શર્મા અને નવીન જિંદાલ દ્વારા પયંગબર મોહમ્મદ પરની ટિપ્પણીને લઈને ભારતના પડોશી અને ઇસ્લામિક દેશોથી બાંગ્લાદેશે વિપરીત વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશે ભારતના વલણને સમર્થન આપતા જણાવ્યું છે કે પયગંબર પરની ટિપ્પણી ભારતનો આંતરિક મુદ્દો છે અને ભારત સરકારે આ અંગે જે કાર્યવાહી કરી છે તે અમે આવકારીએ છીએ.

આમ બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રી હસન મહેમૂદે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે સાઉદી અરેબિયા, ઇરાન સહિત ઘણા દેશોએ તેના પર તીખી પ્રક્રિયા આપી હતી અને ભારત સરકાર સમક્ષ આકરા પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં આ કોઈ મુદ્દો નથી અને તેની સાથે તેમણે બાંગ્લાદેશ સરકાર આ મુદ્દે સમાધાન કરી રહી હોવાની વાત નકારી કાઢી હતી. જો કે ઢાકામાં પણ કેટલાક સંગઠનોએ આની સામે દેખાવ કર્યા હતા.

મીડિયા સામે વાત કરતા મહેમૂદે જણાવ્યું હતું કે ફક્ત ભારત જ નહી વિશ્વમાં કોઈપણ સ્થળે પયગંબર પર થતી ટિપ્પણી નિંદનીય છે. ભારત સરકાર આ મુદ્દે કાર્યવાહી કરી રહી છે. અમને આશા છે કે ભારત સરકાર કડક કાર્યવાહી કરશે. કટ્ટરવાદીઓ દ્વારા આ મુદ્દે ઢીલું વલણ અપનાવવા અંગે તેમનું કહેવું હતું કે બાંગ્લાદેશની સરકાર આ મુદ્દે જરા પણ સમાધાન કરી રહી નથી. તેમણે કહ્યું હતું કે નૂપુર શર્માએ જે જણાવ્યું હતું તેની અમે નિંદા કરીએ છીએ, પણ અમારા માટે આ મુદ્દો એવો નથી કે તેના માટે સરકારે સત્તાવાર રીતે નિવેદન બહાર પાડવું પડે.

આ મુદ્દે પર બાંગ્લાદેશ સરકાર દ્વારા જાહેર નિવેદન ન આપવા મુદ્દે જણાવ્યું હતું કે આ આપણા દેશનો આંતરિક મુદ્દો નથી. આ બાંગ્લાદેશનો આંતરિક મુદ્દો નથી પણ બાહ્ય મુદ્દો છે. વિશ્વમાં કોઈપણ સ્થળે આવું થાય છે ત્યારે દરેક સ્થળની જેમ અહીં પણ ઇસ્લામિક પક્ષો વિરોધ કરે છે. આવુ ઘણી વખત થાય છે, દર વખતે શું બાંગ્લાદેશ સરકાર આ અંગે નિવેદનો જ બહાર પાડતી રહે. તેથી આરબ દેશો, પાકિસ્તાન અને મલેશિયામાં આ મુદ્દો જેટલો મોટો છે તેટલો બાંગ્લાદેશમાં નથી. પયંગબર સામે વિશ્વમાં ક્યાંય પણ કંઇ થાય તો તેની નિંદા કરવી જ જોઈએ અને સરકારે કરેલી કાર્યવાહીને બિરદાવીએ છીએ.

આ મુદ્દે સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, બહેરીન, યુએઇ, મલેશિયા સહિત ઘણા મુસ્લિમ દેશોએ વાંધો ઉઠાવ્યો હતો. આ સ્થિતિમાં પડોશી દેશ તરફથી આ પ્રકારની ટિપ્પણી રાહતજનક વાત છે. મહેમૂદે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં પણ કટ્ટરવાદી સંગઠનો છે. તેની સંખ્યા ઘણી ઓછી છે અને તેમને સમર્થન મળતુ નથી પણ તે અવાજ ખૂબ કરે છે.

Your email address will not be published.