યાત્રાધામ અંબાજીમાં મધમાખીનો આતંકઃ ગબ્બરના દર્શન બપોરે ત્રણથી બંધ રખાયા

| Updated: April 4, 2022 6:06 pm

સાબરકાંઠાઃ મધમાખીઓના આક્રમણના લીધે ક્રિકેટ મેચો બંધ રહી હોવાનું સાંભળ્યુ છે, પણ શું ક્યારેય કોઈ યાત્રાધામને તેના લીધે બંધ રાખવાની ફરજ પડી હોય તેવું સાંભળ્યુ છે. કદાચ ભાગ્યે જ સાંભળ્યું હશે. પણ રાજ્યમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે જ યાત્રાધામ અંબાજીમાં મધમાખીઓએ એટલો આતંક મચાવ્યો છે કે સત્તાવાળાઓએ યાત્રાધામ ગબ્બરના દર્શન બપોરે ત્રણ વાગ્યાથી બંધ રાખવાની ફરજ પડી છે. મધમાખીઓએ વર્તાવેલા ત્રાસના લીધે સત્તાવાળાઓએ હવે ગબ્બર ગઢ પર મધપૂડા ઉડાડવાની કામગીરી શરૂ કરી છે.

ગબ્બર મંદિરનું ટ્રસ્ટ ચૈત્રી નવરાત્રિ ચાલતી હોવાથી યાત્રાળુઓને નિરાશ કરવા માંગતુ નથી. તેના લીધે અખંડ જ્યોતના દર્શન ગબ્બર તળેટીમાં પ્રવેશ દ્વાર ખાતે રાખવામાં આવશે. અંબાજી ખાતે મા અંબાના પ્રાગટ્યસ્થળ ગબ્બર પર્વત પર આવતા શ્રદ્ધાળુઓને પર્વતની શિલાઓ પર બેઠેલા ભમરિયાઓ અને મધમાખી કરડવાની ઘટનાઓ બનતી હોય છે. હાલમાં મધમાખી ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવતા ગબ્બર દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.અને આજે બપોરના આ કાર્ય કરવામાં પણ આવ્યું હતું.

અંબાજીમાં ગબ્બર ખાતે પરંપરાગત વિધિ કર્યા પછી જંગલોમાંથી વાંસના લાકડા લાવી તેની નિસરણી બનાવી દેશી પદ્ધતિથી ઠાકોર પૂજારીઓ જીવના જોખમે આ મધપૂડા દૂર કરવાનું કામ કરે છે. આ કામ તેઓ આજે પણ કર્યું હતું. તેઓ લીમડાના પાન સળગાવી ધુમાડો કરી ગળા પર રસ્સા બાંધી જમીનથી અંદાજે 500 ફૂટ ઉપર કામ કરે છે. તેમને મધમાખી કરડતી નથી.

યાત્રાધામ અંબાજીથી ગબ્બર ત્રણ કિ.મી. દૂર આવેલો છે. તે અરવલ્લીની પહાડોની વચ્ચે આવેલો છે. આ પર્વત પર જવાના 999 અને વળતા ઉતરવાના 765 પગથિયા છે અને રોપ-વેથી પણ જઈ શકાય છે.

અંબાજીનો ઈતિહાસ:

આરાસુરી અંબાજી માતાજીના સ્થાનમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહી ‘શ્રી વિસાયંત્ર’ની પૂજા કરવામાં આવે છે. આ શ્રી વિસાયંત્રની પૂજા ફક્ત આંખે પાટા બાંધીને જ કરી શકાય છે. હિંદુ માન્યતા અનુસાર અને તંત્ર યુગમણિમાં દર્શાવવામાં આવેલી હકીકત પ્રમાણે ગબ્બર પર્વત ઉપર માતા સતીના મૃત શરીરની હૃદયનો હિસ્સો પડ્યો હતો. ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે 999 પગથિયાં ચડીને જઇ શકાય છે. 

મા અંબાના પ્રાગટ્યની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું . દક્ષે બધા જ દેવોને નિમંત્રણ આપ્યું હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા. પિતાને ત્યાં યોજાયેલા મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન દેતા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. 

ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ કર્યું અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ઘુમવા માંડ્યા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડી કરી પૃથ્વી પર આતરે વેરાવી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા. આ સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા 

તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે . 

Your email address will not be published.