વધુ એક સત્રમાં સેન્સેક્સ, નિફ્ટી ઉછાળો ટકાવવામાં નિષ્ફળઃ રિયલ્ટીમાં તેજી

| Updated: July 12, 2021 6:16 pm

વધુ એક ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી દિવસ દરમિયાન ઉછાળો ટકાવી રાખવામાં અસફળ રહ્યા હતા અને સોમવારે સત્રના અંતે સ્થિર બંધ રહ્યા હતા. જૂન મહિનાની શરુઆતથી બન્ને ઇન્ડેક્સમાં સાંકડી વધઘટ જોવા મળી રહી છે અને ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે.

એશિયન બજારના ટેકે આજે બન્ને ઇન્ડેક્સ તેજીમય ખુલ્યા હતા. સેન્સેક્સ દિવસમાં એક તબક્કે 314 પોઈન્ટ વધેલો હતો. જોકે, અચાનક જ વેચવાલીનું દબાણ આવતા તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. સત્રના અંતે, સેન્સેક્સ 13.50 પોઈન્ટ ઘટી 52,372 ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી એક તબક્કે દિવસની ઉંચી સપાટી 15,178 થી ઘટી માત્ર 2.80 પોઈન્ટની વૃદ્ધિ સાથે 15,692 બંધ રહ્યો હતો.

જોકે, મિડ-કેપ અને સ્મોલ-કેપમાં ખરીદી જળવાઈ રહી હતી, જે દર્શાવે છે કે રોકાણકારો વ્યાપક રીતે હજુ તેજી તરફ છે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 0.40 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.75 ટકા વધ્યો હતો. ક્ષેત્રવાર આજે રિઅલ એસ્ટેટમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. સામે મેટલ્સ, મીડિયા, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને એફએમસીજીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ઇન્ડેક્સ હેવીવેઇટમાં એચડીએફસી બેંક, એચડીએફસી, ટીસીએસ અને ઈન્ફોસિસમાં ઘટાડો હતો, જયારે જયારે આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અલ્ટ્રાટેક સિમેન્ટ વધ્યા હતા. ધારણા કરતા નબળા પરિણામના કારણે ડી-માર્ટના માલિક એવન્યુ સુપરમાર્કેટના શેર 0.94 ટકા ઘટ્યા હતા.

રિઅલ એસ્ટેટમાં તેજી

અત્યાર સુધી નહીં વેચાયેલા હાઉસિંગ અને કોમર્શિયલ રિઅલ એસ્ટેટમાં વૃદ્ધિ જોવા મળી રહી છે એવા અહેવાલના પગલે રિઅલ એસ્ટેટ શેરમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઇન્ડેક્સ 3.61 ટકા વધ્યો હતો, જયારે બીએસઈ રિઅલ એસ્ટેટ ઇન્ડેક્સ 10 વર્ષની ઉંચી સપાટીએ હતો. આજે ઇન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ 14.89 ટકા, સનટેક રિયલ્ટી 4.91 ટકા, હેમીસફીઅર પ્રોપર્ટી 3.8 ટકા, ઓબેરોય રિયલ્ટી 3.35 ટકા, ડીએલએફ 3.35 ટકા, શોભા 3.07 ટકા, પ્રેસ્ટીજ એસ્ટેટ 2.55 ટકા, ગોદરેજ પ્રોપર્ટી 2.5 ટકા, ફિનીક્સ મિલ્સ 2.25 ટકા અને બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 1.94 ટકા વધ્યા હતા.

સ્મોલ ફાયનાન્સ બેંકમાં વૃદ્ધિ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્મોલ ફાયનાન્સ બેંકને તેની માલિક હોલ્ડિંગ કંપનીમાં વિલીનીકરણ માટે પરવાનગી આપી હોવાની જાહેરાત ઇક્વિટાસ હોલ્ડીંગ દ્વારા કરવામાં આવી હતી. આ જાહેરાતના પગલે ઇક્વિટાસ હોલ્ડીંગ અને ઉજ્જિવન ફાઈનાન્સ સર્વિસિઝના શેર 20 ટકા વધી બંધ આવ્યા હતા.

Your email address will not be published.