યાત્રાધામના વિકાસની વાતો વચ્ચે બેટ દ્વારકામાં થ્રી ફેઝ વીજળીના ધાંધિયા

| Updated: July 9, 2021 4:19 pm

દ્વારકા અને બેટ દ્વારકામાં વિકાસના કામ કરવામાં આવી રહ્યા છે પરંતુ યાત્રાધામમાં માળખાકીય સુવિધા વધારવામાં ધ્યાન આપવામાં આવતું નથી.

બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું રાણીવાસ હોવાથી હજારો ભાવિકો અહીં દર્શને આવે છે, પરંતુ અહીં વીજળીની સમસ્યા નડી રહી છે.

આઝાદીના ઘણા વર્ષો પછી અહીં દરિયામાંથી વીજ કેબલ પસાર કરીને વીજળી લાવવામાં આવી છે. તે અગાઉ જનરેટરથી લાઈટ આપવામાં આવતી હતી, પરંતુ જનરેટર ખરાબ થઈ જાય ત્યારે વીજ પૂરવઠો કપાઈ જતો હતો.

વીજળીના દોરડા નાખીને પાવર સપ્લાય શરૂ થયો ત્યારે બેટવાસીઓ ખુશ થયા હતા કે હવે લાઇટ નહી જાય, પરંતુ એક કે બીજી રીતે વીજકાપ મુકાતા સ્થાનિક લોકો અને બહાર ગામથી આવતા યાત્રાળુઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

થ્રી ફેઝ વીજ સપ્લાય ન મળવાના કારણે વેપારીઓ રેફ્રિજરેશન સિસ્ટમ ચાલુ રાખી શકતા નથી તેથી ઠંડા પીણા, આઇસ્ક્રીમ રાખી શકાતા નથી.          

એક વેપારીએ જણાવ્યું કે, “અમે આઇસક્રીમ, માવા, મીઠાઈઓ લાવીએ છીએ, પણ લાઇટ ક્યારે જશે અને ક્યારે આવશે તે નક્કી ન હોવાથી ખાદ્ય પદાર્થો ખરાબ થઇ જાય છે. તેથી વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે.”

સ્થિતિ એવી છે કે અનાજ દળવાની ઘંટી પણ ચલાવી શકાતી નથી. તેથી મહિલાઓએ અનાજ દળાવવા માટે ફેરી બોટ મારફત દરિયો પાર કરી ઓખા અથવા દસ કિલોમીટર દૂર મીઠાપુર સુધી જવું પડે છે.

યાત્રાધામ બેટ દ્વારકાના ગ્રેઇન મર્ચન્ટ એસોસિયેશનના ઉપ-પ્રમુખ જયદીપ  મજીઠીયાએ જણાવ્યું કે, “બેટ દ્વારકાને થ્રી ફેઝ વીજળી મળતી ન હોવાથી અમે આ વીજ ધાંધિયાથી કંટાળી ગયા છીએ. અમે આ વિશે અનેક વખત રજુઆત કરી છે, છતાં સ્થિતિ સુધરી નથી.”

સરકારી અધિકારીઓ એવું આશ્વાસન આપે છે કે સમુદ્રમાં સિગ્નેચર બ્રીજનું કામ ચાલુ છે. બ્રીજ તૈયાર થશે પછી તેના પર વીજ વાયર પાથરવામાં આવશે અને સમસ્યાનો કાયમી ઉકેલ આવશે, પરંતુ તેમાં કોટલા વર્ષ લાગશે તે કોઈ નથી જાણતું નથી.

આ પાછળનું કારણ આપતા ઓખા PGVCLના નાયબ એન્જિનિયર મહેશભાઈ પટેલે જણાવ્યું કે હાલમાં દરિયાના પાણીમાં કરંટ હોય છે અને આ મરીન કેબલ ખુબ જૂનો હોવાથી વારંવાર તૂટી જાય છે. અમે આ વિશે ઉપરના સ્તરે જાણ કરી છે.

ટેક્નિકલ પડકાર

દરિયાના પેટાળમાં જ્યાં પાવર કેબલ પાથર્યા છે ત્યાં ધારદાર ખડકો આવેલા છે. દરિયાના કરંટના કારણે વાયર ઘસાઈને તુટી જાય છે. કેબલ નાખ્યા છે તે જગ્યાએ માછીમારી બોટને જવાની મનાઈ હોવા છતાં બોટ ત્યાં જાય છે. આ ઉપરાંત દરિયાના પેટાળમાં 500 કિલોથી વધારે વજનના લંગર નાખવામાં આવે છે તેથી કેબલ તૂટી જાય છે.

આ ઉપરાંત નવા બની રહેલા સિગ્નેચર બ્રીજના પિલર્સના કારણે વીજ લાઇન તૂટી જાય ત્યારે પણ બેટ દ્વારકાવાસીઓ દિવસો સુધી લાઇટ વગર રહે છે.

જુલાઈથી દરિયો તોફાની બનશે ત્યારે કેબલ તૂટવાના બનાવ પણ વધશે. જાણકારો માને છે કે હાલની જગ્યાના બદલે વીજ કેબલ મેંદરડા બાજુથી નાખવામાં આવે તો તે ટકી રહેશે. તે બાજુ રેતી હોવાથી અને સમુદ્રના પાણીનું પ્રેશર ન હોવાથી વીજ કેબલને નુકસાન નહીં થાય.

રાજુ રૂપારેલિયા, દેવભૂમિ દ્વારકા

Your email address will not be published.