બેટી બચાવો થી બેટી મારો; ગુજરાતમાં નવજાત બાળક જીવતું દાટેલુ મળી આવ્યું 

| Updated: August 5, 2022 4:19 pm

ગુજરાત (Gujarat) દ્વારા ચલાવવામાં આવેલી બેટી બચાવો ઝુંબેશ પર સવાલ ઉઠાવતી એક આઘાતજનક ઘટનામાં, ગુરુવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઇ ગામના ખેતરમાં જીવતી દાટી દેવાયેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જ્યારે તેને ખાડામાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તે નવજાત બાળકી જીવિત હતી.

જીતેન્દ્રસિંહ મનહરસિંહ ડાભી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામમાં સવારે પોતાના ખેતરે ગયા ત્યારે કંઇક શંકાસ્પદ વસ્તુ દેખાતા તેમણે મજૂર જસુભાઈ પરમારને ખોદવાનું કહ્યું અને એક બાળકનો પગ દેખાયો હતો. ટૂંક સમયમાં જ ખેતરને અડીને આવેલી વીજ કચેરીના કર્મચારીઓ ઘટના સ્થળે આવી ગયા હતા અને તેમણે સાથે મળીને જમીન ખોદી હતી.

પાવડો અથવા અન્ય કોઈપણ સાધનનો ઉપયોગ ન કરવાની કાળજી રાખી ખુલ્લા હાથે ધીમેધીમે સ્તરોમાં ખોદ્યુ. ડાભી એ શેર કર્યું કે, તેમને શંકા હતી કે, સામન્ય રીતે ચોમાસામાં જોવા મળતા કોઈ જીવજંતુ હશે, પણ જ્યારે તેમણે શિશુનો વિલાપ સાંભળ્યો ત્યારે તેઓ એ બાળકને બહાર કાઢવા માટે મક્કમ હતા. જ્યારે તેઓએ ખુલ્લા હાથથી માટી ખોદી ત્યારે તેમણે લગભગ એક કિલોની નાની છોકરીને નળ સાથે જોડાયેલી જોઈ. ત્યારબાદ તાત્કાલિક તેને  હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

રેસિડેન્ટ મેડિકલ ઓફિસર, ડૉ. એન.એચ. શાહના જણાવ્યા અનુસાર: “તે સાત મહિનાની પ્રિમેચ્યોર બાળકી છે. તેના બચાવમાં લગભગ ત્રણ કલાકનો સમય લાગ્યો હશે. ગુરૂવારે સવારે 4 થી 8 ની વચ્ચે ગમે ત્યારે આ ઘટના બની હોવાનો અંદાજ છે.”

ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. થોડા સમય પછી, સુપરવાઈઝર જૈમિન પટેલે સ્થાનિક હોસ્પિટલમાં જતી વખતે બાળકીને પુનર્જીવિત કરવા ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT)ની વ્યવસ્થા કરી. EMT પ્રકાશ વણકર અને એમ્બ્યુલન્સ પાયલોટ અરખા તિર્ગરે, કંટ્રોલ રૂમમાં ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ, બેગ-વાલ્વ-માસ્ક (બીવીએમ)નો ઉપયોગ કરીને કૃત્રિમ શ્વસન દ્વારા તેને પુનર્જીવિત કરવામાં આવી હતી. બાળકી અધુરા મહિને જન્મી છે અને તેનું વજન ઓછું છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ આશિષ કટારકરે જણાવ્યું હતું કે, હાલ બાળકીની હાલત સ્થિર છે.

આ અંગે ગાંભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. તમામ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને “અપરાધી માતા-પિતા” ને શોધવાના પ્રયાસો ચાલુ છે, સબ-ઇન્સ્પેક્ટર, ઈએફ ઠાકોરે ઉમેર્યું હતું કે, કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ FIR નોંધવામાં આવી છે.

આ બાબતની જાણ સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલાને પણ કરવામાં આવી હતી, જેમણે પુષ્ટિ કરી હતી કે, જ્યારે બાળકી મળી આવી ત્યારે તે ” શ્વાસ લઈ રહી હતી.” તેમણે ઉમેર્યું હતું કે, બાળકને જન્મ આપનાર માતાના ઓપરેશનમાં મદદ કરનાર ડોક્ટરને પણ પકડવા માટે પણ તપાસ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે, “અમે અત્યાર સુધીમાં એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી છે.”

ડૉ. ગીત ગુંજન, એચઓડી પેડિયાટ્રિક્સ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. બાળકની સ્થિતિ હાલમાં સારી છે. ડૉ ગુંજને સંક્ષિપ્તમાં જણાવ્યું કે, “બાળકી તંદુરસ્ત અને પૂર્ણ અવધિના બાળકના વજન કરતાં લગભગ અડધા વજનની છે. બાળકીના શ્વસનતંત્રને અસ્થાયી રૂપે સાફ કરવામાં આવ્યું હતું. તેમણે આગળ કહ્યું કે, બાળકીને એનઆઈસીયુમાં વેન્ટિલેટર પર મૂકતા પહેલા તેને ફરીથી પાણીથી સાફ કરી હતી.”

ગુજરાતમાં નવજાત બાળકોને ત્યજી દેવા સામાન્ય બાબત છે ?

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ચોંકાવનારા રિપોર્ટ મુજબ નવજાત બાળકોને  ત્યજી દેવાના કિસ્સાઓમાં ગુજરાત (Gujarat) દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે. 2007થી 2011 દરમિયાન 660 જેટલા નવજાત બાળકોને ત્યજી દેવામાં આવ્યા હતા. 1,232 કેસ સાથે મહારાષ્ટ્ર અને 674 કેસ સાથે રાજસ્થાન રાજ્ય ગુજરાત કરતા આગળ હતું. નિષ્ણાંતોનું માનવું છે કે ગુજરાતમાં ત્યજી દેવાયેલી છોકરીઓની સંખ્યા ઘણી વધારે છે.

યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (યુએનએફપીએ)ના અહેવાલ મુજબ, વિશ્વમાં ગુમ થયેલી કુલ 142.6 મિલિયન મહિલાઓમાંથી ભારત લગભગ એક તૃતીયાંશ (32.1 ટકા) હિસ્સો ધરાવે છે અને તેનો નંબર બીજો છે.

2011માં, ગુજરાતમાં (Gujarat) નવજાત બાળકોને ત્યજી દેવાના 105 બનાવો બન્યા હતા, જેમાં અમદાવાદ અને સુરતમાં 18-18 કેસ નોંધાયા હતા. જયારે વડોદરામાં 6 અને રાજકોટ માત્ર એક કેસ નોંધાયો હતો. વર્ષ 2011માં બાળકો વિરુદ્ધ કુલ 1,131 ગુનાઓ નોંધાયા હતા, જે રાજ્યમાં નોંધાયેલા તમામ આઈપીસી કેસોના 3.4 ટકા જેટલા હતા.

આ પણ વાંચો : Rajkot: મકાન માલિકે બે વર્ષના બાળકને પીવડાવ્યો દારૂ; બાળકના બેભાન થતાં હોસ્પિટલ ખસેડાયો

Your email address will not be published.