ક્રૃષ્ણનગરમાં મિલકતમાં ભાગ બાબતે બે નણંદો અને નણંદોઈ ત્રાસ આપતા ભાભીએ ઓલ આઉટ પીધું

| Updated: May 11, 2022 12:57 pm

ક્રિષ્ણનગરમાં રહેતી ભાભીને તેમની બે નણંદો અને એક નણંદોઈ બાપુનગરના મકાનના પૈસા અને મકાનમાં ભાગ લેવા માટે હેરાન કરી ધમકીઓ આપતા હતા. જેથી કંટાળેલી ભાભીએ મચ્છર મારવાનું ઓલઆઉટ લીકવિડ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ક્રિષ્ણનગર પોલીસે બે નણંદ અને એક નણંદોઈ વિરુદ્ધમાં ગુનો નોધ્યો હતો.

શહેરના ક્રિષ્ણનગરમાં રહેતા રશ્મીબહેન પટેલ બપોરના સમયે તેમની નણંદ દિક્ષીતા સાથે ઘરે હાજર હતા. આ સમયે બીજી નણંદ કલ્પીતા ઘરે આવી હતી અને બાપુનગર ખાતે આવેલા મકાનમાં પૈસા તેમજ ભાગ બાબતે ઝઘડો કરવા લાગ્યા હતા. મારઝુડ કરીને બિભત્સ ગાળો બોલીને બંને બહેનો જતી રહી હતી. અવાર નવાર ફોન કરીને પરેશાન કરતા હતા.

રાત્રીના સમયે પતિ ઘરે આવતા જ રશ્મીબહેને તેમના પતિને આ અંગે જાણ કરી હતી. આ દરમિયાન નણંદોઈ મુકુંદે ફોન કરી જણાવ્યુ હતુ કે, તારી બહેનને હું સાચવુ છું અને મકાનમાં અમારો પણ હક્ક છે અને ભાગ તો આપવો જ પડશે. તમે બંન્ને જીવો કે મરો ભાગ તો તમારે આપવો જ પડશે અને જો ભાગ નહીં આપોતો તમને રોડ પર લાવી દઈશ અને જાનથી મારી નાખીશ. ધમકીથી ભયભીત બની ગયેલા રશ્મીબહેનને મનમાં લાગી આવ્યું હતુ અને તેમણે મચ્છર મારવાનું ઓલ આઉટનું લિકવીડ પી લીધુ હતુ. પતિને જાણ થતાં તેમને સારવાર માટે ખસેડ્યા હતા. આ અંગે ક્રૃષ્ણનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.