આજે ‘ભારત બંધ’ દેશભરમાં ચક્કાજામના કાર્યક્રમો, ગુજરાતમાં પણ બંધની અસરો

| Updated: September 27, 2021 7:32 am

આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશમાં ત્રણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં કિસાન સંગઠનોએ 27 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસ અને આપ સહિત ડાબેરીઓએ બંધને ટેકો જાહેર કર્યો છે. ગુજરાતની વિપક્ષી પાર્ટીઓએ પણ આ બંધને સમર્થન આપતા તેની અસર રાજ્યમાં પણ જોવા મળશે. ભારતીય કિસાન યુનિયને બંધને સફળ બનાવવા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

હાઈવે પર ચક્કાજામ કરાશે

ભારત બંધના એલાન દરમિયાન દેશભરમાં કિસાનો સાંજે 4 વાગ્યા સુધી હાઈવે મુખ્ય માર્ગો પર વાહનવ્યહવાર રોકશે. આંદોલન સાથે જોડાયેલા સંગઠનો દિલ્હી બોર્ડર સહિત દેશભરમાં ધરણા પ્રદર્શન કરવાના છે. સૂત્રો પ્રમાણે ઉત્તરપ્રદેશના કિસાનો પોતપોતાના ગામ કે ક્ષેત્રમાં જ બંધ લાગુ કરવામાં સહભાગી થશે.

કિસાનો આકરાપાણીએ

ભારતીય કિસાન યુનિયનના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે જણાવ્યું હતુ કે, બંધને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓને સંપૂર્ણ તૈયારી કરી લેવાની અપીલ કરી છે. કિસાન યુનિયને કાર્યકર્તાઓને બંધના દિવસે ચક્કાજામ કરવાની અપીલ કરી છે. સંયુક્ત કિસાન મોર્ચાના નેતાઓના જણાવ્યા પ્રમાણે પોલીસે આંદોલનકારી કિસાનોને હટાવવાની કાર્યવાહી કરી તો કિસાનો જેલ જવાનું પસંદ કરશે પરંતુ રસ્તાઓ પરથી હટશે નહીં.

બંધની અસર શેના પર?

આ દરમિયાન ખાનગી ઓફિસો, શૈક્ષણિક સંસ્થાઓ, દુકાનો અને વ્યાવસાયિક સ્થાનો બંધ રહેશે. બંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સર્વિસને રોકવામાં આવશે નહીં. જોકે, માલવાહક ટ્રકો અને ગાડીઓને દિલ્હીથી આવવા કે જવા દેવામાં આવશે નહીં. 

આંતરરાષ્ટ્રીય દબાણનો હવાલો

કિસાન નેતા રાકેશ ટિકૈત મોદી-બાઇડેનની મુલાકાત પર કહ્યું હતું કે, દુનિયાભરના કિસાનોના જીવન પર આ આંતરરાષ્ટ્રીય દબાવથી મોટો ખતરો છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ કૃષિ નીતિઓને પ્રભાવિત કરી રહી છે. વિશ્વ વ્યાપાર સંગઠન અને મુક્ત વ્યાપાર સમજૂતી પણ કિસાનો પર ખરાબ પ્રભાવ પાડી રહી છે. તેના પર પણ મોદી-બાઇડેન વચ્ચે ચર્ચા કરવાની વધુ જરૂર હતી.

વિપક્ષી પાર્ટીઓનું બંધને સમર્થન

કોંગ્રેસે ભારત બંધનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. તો આપ નેતા રાઘવ ચઢ્ઢાએ પણ ટ્વીટ કરીને બંધનું સમર્થન આપ્યુ છે. આ તરફ ડાબેરીઓ અને તેલુગૂ દેશમ પાર્ટીએ પણ ભારત બંધને ટેકો આપ્યો છે. 

Your email address will not be published. Required fields are marked *