ભારતી બાપુના સરખેજ સ્થિત આશ્રમની સત્તાને લઇને વિવાદ બાદ શિષ્ય યદુનંદ ભારતીજીએ ગુરુભાઇ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં ઋષિ ભારતીએ વિશ્વંભર ભારતીજી બાપુના બ્રહ્મલીન થયાના 15 દિવસ બાદ તેમના નામનું બોગસ વિલ ઊભું કર્યું હોવાના આક્ષેપનો આરોપ મુક્યો છે. આખા પ્રકરણ વચ્ચે સ્વામી ઋષી ભારતી મહારાજે ધરપકડના ડરથી આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં આજે ગ્રામ્ય કોર્ટે સુનાવણીના અંતે ચુકાદો અનામત રાખ્યો છે.
સ્વામી ઋષી ભારતી મહારાજે ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજીમાં એવી રજૂઆત કરી છે કે, હું ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા કરું છું. 3 જુલાઇ 2010ના રોજ આ ટ્રસ્ટના મુખ્ય માલીક મહંત મહામંડલેશ્વર સ્વામી વિશ્વભર ભારતીજી મહારાજે પોતાની મરજીથી મને વીલ કરી આપ્યું હતું. જેમાં તેમના અવસાન બાદ હું માલીક હોઇશ તેવું લખેલું છે જે વીલ રજીસ્ટર્ડ છે. સરખેજ પોલીસ મથક દ્વારા જાણવા મળ્યું છે કે, હું આશ્રમ ગેરકાયદે રીતે ધરાવું છું. મારી પાસે રજીસ્ટર ડીડી પણ છે પરંતુ ખોટી રીતે મારી પર કેસ કરવામાં આવે તેવી શક્યતા છે. હું ધાર્મિક પ્રચાર અને સેવા કરું છું કોઇ જ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલ નથી. મારી સામે આવી કોઇ જ ફરિયાદ થઇ છે કે નહીં તે અંગે જાણ નથી પરંત પ્રોટેક્શન મળે તે માટે આગોતરા જામીન આપવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે સરખેજ પોલીસને નોટિસ ઇશ્યૂ કરી હતી. જેથી પોલીસે આજે રિપોર્ટ રજૂ કરતા બન્ને પક્ષે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
તપાસની મંજૂરી મેળવવા માટે અરજી સીપી પાસે મોકલી
આગોતરા જામીન અરજીમાં એમ ડિવીઝનનના મદદનીશ પોલીસ કમિશનરે એવો રિપોર્ટ રજૂ કર્યો હતો કે, અરજદાર સ્વામી ઋષીભારતી મહારાજે યદુનંદન હરીહરાનંદ સામે અરજી કરી છે. જ્યારે યદુનંદન હરીહરાનંદે સ્વામની ઋષીભારતી મહારાજ સામે અરજી કરી છે. આમ બન્નેએ સામ સામે અરજી કરી છે. જેમાં બન્નેએ ટ્રસ્ટની જગ્યાએ અને દૂકાનોના ભાડની બાબતે તકરાર છે. જેથી આ મામલે તપાસની મંજૂરી માટે અરજીની નકલ પોલીસ કમિશનરને મોકલી આપવામાં આવી છે.