ભાવનગરની આઠ દીકરીઓનું કથ્થકમાં વિશારદ થવા રંગમંચ પ્રદર્શન

| Updated: October 16, 2021 12:11 pm

કોવિડની લહેર વચ્ચે લોકોમાં ગભરાટ હતો ત્યારે ભાવનગરમાં વસતા પ્રીતીબેન વસાવડાએ સમયનો સદુપયોગ કરીને જાતે એક ગરબો લખ્યો. તેમના જેવા ઘણા લોકો તણાવથી મુક્ત થવા માટે સંગીતની શરણે ગયા હતા. ભાવનગરના દેવાંગ પારેખ, નિલેશ ઠક્કર, હાર્દિક કારેલિઆ, સિધ્ધાર્થ બુધ્ધ, હરેન ઠક્કર અને મેહુલ શાહ, વિપુલ પુજારા, હિરેન પારેખ દંપતિઓએ પણ આવું જ કર્યું અને પોતાની દીકરીઓને ગમતી શાસ્ત્રીય નૃત્યની પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત રાખી હતી.

સાતથી દશ વર્ષ સુધીની કથ્થકની કઠોર સાધના કરનાર પ્રિશા પારેખ, પરી ઠક્કર, સોનેરી કારેલિઆ, અનન્યાશ્રી, જાહ્નવી ઠક્કર, જેની શાહ, શ્રીયા અને વંશિકાએ કથ્થક નૃત્યમાં વિશારદ થવા માટે કમર કસી હતી. તેઓના કલા ગુરુ નીપા ઠક્કરની નેસ્ટ સ્કુલ ઓફ કથ્થક નૃત્ય વિશારદની પરીક્ષા આપવા સજ્જ હોઇ પરીક્ષકોની તારીખો મેળવી લેવા વિનંતી કરી હતી. વિશારદની પરીક્ષા માટે થિઅરી જેટલું જ મહત્વ રંગમંચ પ્રદર્શનનું છે. રંગમંચ પ્રદર્શનનું આયોજન કરવું એટલે જાણે પુજાપાથી લઇ પહેરામણી સુધીની વ્યવસ્થા કરવી.

ત્રીજી ઓક્ટોબરે આ દીકરીઓના રંગમંચ પ્રદર્શનને નિહાળવાનો મોકો મળ્યો હતો. રંગમંચની પૂર્વ સંધ્યાએ દીકરીઓના માવતરોએ ઘરે પ્રસંગ માંડયો હોય તેમ જુદી જુદી સમક્ષ વ્યવસ્થાઓને આખરી ઓપ આપ્યો હતો.

મૂળ કચ્છના માંડવીના ધરમશીભાઇ શાહે ભાવનગરમાં શાસ્ત્રીય નૃત્ય કલાનો 1962માં માણેકસ્થંભ રોપ્યો હતો. કલાગુરુના ઇલ્કાબ સાથે 99 વર્ષની જાજરમાન કારકિર્દીમાં તેઓએ ભાવનગર અને આસપાસના અનેક શિષ્યોને નૃત્ય કલાની દક્ષિણા આપી હતી. નિપા ઠક્કર તેમનો આ વારસો જાળવીને નર્તનના નંદનવનનું નિર્માણ કરવાની દિશામાં પુરુષાર્થ કરી રહી છે.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *