ભાદરવામાં ભાવનગરના 4 ડેમ ભરપૂર: સૌરાષ્ટ્ર દ. ગુજરાતમાં પણ મેઘમહેરની વકી

| Updated: September 25, 2021 4:36 pm

પાછોતરા વરસાદે ભાવનગર જિલ્લામાં જળાશયો છલકાવી દીધા છે. ભાદરવામાં સતત વરસી રહેલા વરસાદથી શેત્રુંજી ડેમ, ખારો ડેમ અને પીંગળી ડેમ બાદ હવે મહુવાનો માલણ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ચાલુ ચોમાસામાં જિલ્લાનો ચોથો ડેમ ઓવરફ્લો થયો છે. ભાવનગર જિલ્લાના તમામ જળાશયોમાં કુલ જીવંત જળસંગ્રહ ક્ષમતા 420.68 મિલિયન ક્યુબિક મીટરની સુધી પહોંચી ગયો હતો. જે કુલ જળસંગ્રહ ક્ષમતાના 93 ટકા જેટલો થઇ ચૂક્યો છે.

ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી મહુવાના મોટા ખુટવડા ગામ પાસેનો માલણ ડેમ 34.02(34 ફુટ) સપાટીએ છલોછલ થઈ ગયો હતો. જળાશયની આસપાસના ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સલામતી રાખવા ચેતવણી આપવામાં આવી છે. એટલું જ નહી, જરૂર જણાય તો સલામત સ્થળે ખસી જવાની પણ સુચના આપવામાં આવી હતી.

તા.13 સપ્ટેમ્બરથી ભાવનગરનો શેત્રુંજી ડેમ અને પીંગળી ડેમ પણ ઓવરફ્લો છે. આ ડેમનો એક દરવાજો 0.05 મીટર ખુલ્લો હતો. જ્યારે ખારો ડેમ ઓવરફ્લો નથી પણ તેમાં 100 ટકા જળસંગ્રહ થયેલો છે.

ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે સિહોરનું ગૌતમેશ્વર તળાવ છલોછલ થઈ ગયું છે. હવે જો એકાદ પણ સારો વરસાદ થશે તો આ તળાવ ઓવરફલો થશે.  

આ તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીકરવામાં આવી છે. હજુ ત્રણ દિવસ મેઘમહેર યથાવત જોવા મળવાના એંધાણ છે.

Your email address will not be published. Required fields are marked *